<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

ન્યુઝીલેન્ડ જવા ઈચ્છુક અરજદારો માટે વિઝા ફી અને લેવીના નવા નિયમો જાહેર : વિઝા રિજેક્ટ થશે તો પણ ફી પરત નહીં મળે તેવી સ્પષ્ટતા

અરજદારની નાગરિકતા અને લોકેશનના આધારે વિઝાના દરો નક્કી કરવામાં આવશે : પર્યાવરણ અને પ્રવાસન વિકાસ માટે લેવામાં આવતી 100 ન્યુઝીલેન્ડ ડોલરની IVL લેવી પણ ફરજિયાત અને નોન-રીફંડેબલ રહેશે

ઓકલેન્ડ: ન્યુઝીલેન્ડ સરકાર દ્વારા વિઝા અરજી પ્રક્રિયા, તેની ફીના માળખા અને લેવી અંગેની સત્તાવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. વિદેશી નાગરિકો માટે હવે ન્યુઝીલેન્ડના વિઝા મેળવવા માટેના આર્થિક પાસાઓ સમજવા અત્યંત જરૂરી બન્યા છે, કારણ કે મોટાભાગના કિસ્સાઓમાં ભરેલી ફી પરત મળવાપાત્ર રહેશે નહીં.
વિઝા ફી અને તેનું નિર્ધારણ
ન્યુઝીલેન્ડની વિઝા એપ્લિકેશન ફી એ પ્રોસેસિંગ માટે લેવામાં આવતો ફરજિયાત ચાર્જ છે. આ ફી અરજદાર કયા દેશનો નાગરિક છે, તે અત્યારે કયા સ્થળેથી અરજી કરી રહ્યો છે અને તે કયા પ્રકારના વિઝા (ટેમ્પરરી કે રેસિડેન્સ) મેળવવા ઈચ્છે છે તેના પર નિર્ભર રહે છે. મહત્વની વાત એ છે કે, જો કોઈ કારણસર વિઝા અરજી નામંજૂર થાય તો પણ આ ફી પરત આપવામાં આવશે નહીં, કારણ કે તે અરજીના મૂલ્યાંકન ખર્ચ પેટે વસૂલવામાં આવે છે.
વધારાની લેવી અને IVL ચાર્જ
બેઝ વિઝા ફી ઉપરાંત, અમુક કેટેગરીમાં 'ઈમિગ્રેશન લેવી' પણ ચૂકવવી પડશે. જો ગ્રુપ વિઝિટર વિઝા હોય તો આ લેવી પ્રતિ વ્યક્તિ દીઠ લેવામાં આવશે. આ સિવાય, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ 'ઈન્ટરનેશનલ વિઝિટર કન્ઝર્વેશન એન્ડ ટૂરિઝમ લેવી' (IVL) તરીકે 100 ન્યુઝીલેન્ડ ડોલર ચૂકવવાના રહેશે. આ રકમ વિઝા એપ્લિકેશન સબમિટ કરતી વખતે અથવા NZeTA ની વિનંતી કરતી વખતે જ ચૂકવવાની રહેશે. IVL પણ સંપૂર્ણપણે નોન-રીફંડેબલ છે.
ફી માફી અને રિફંડના મર્યાદિત અવકાશ
ન્યુઝીલેન્ડ સરકારે અમુક ચોક્કસ શ્રેણીના લોકો માટે વિઝા ફી અને લેવીમાં મુક્તિ આપી છે. જેમાં નીચે મુજબના લોકોનો સમાવેશ થાય છે:
 * શરણાર્થીઓ અને શરણની માંગણી કરનાર વ્યક્તિઓ.
 * સંરક્ષિત વ્યક્તિઓ (Protected persons).
 * કૌટુંબિક હિંસાનો ભોગ બનેલા લોકો.
 * એવા દેશોના નાગરિકો જેમની સાથે ન્યુઝીલેન્ડના વિશેષ કરારો છે.
રિફંડ અંગે સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે વિઝા રિલેટેડ પેમેન્ટમાં રિફંડ મેળવવાની તકો અત્યંત મર્યાદિત છે. વિઝા ન મળે તો પણ ફી કે IVL પરત મળતા નથી, તેથી અરજદારોને સલાહ આપવામાં આવી છે કે અરજી કરતા પહેલા પોતાની પાત્રતા અને તમામ જરૂરિયાતોની ચોકસાઈપૂર્વક તપાસ કરી લેવી. અરજદારો સત્તાવાર ટૂલનો ઉપયોગ કરીને પ્રોસેસિંગ સમય અને જે-તે વિઝાના ચોક્કસ ખર્ચ વિશે માહિતી મેળવી શકે છે.

(5:11 PM IST)