<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

દુબઈ રિયલ એસ્ટેટ માર્કેટ પર યુદ્ધના વાદળો : પ્રોપર્ટી વેચાણમાં ૫૦ ટકાનો જંગી ઘટાડો અને એન્ટ્રી લેવલની પ્રવૃત્તિઓ ૪૦ ટકા સુધી ઘટી

ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષને પગલે રોકાણકારોમાં ફેલાયેલી અનિશ્ચિતતા વચ્ચે બિલ્ડરો દ્વારા આકર્ષક ઓફરોનો મારો : પ્રોપર્ટીના ભાવમાં ૧૮ ટકા સુધીના મોટા કરેક્શનની અને આગામી બે વર્ષ સુધી બજાર સ્થિર રહેવાની નિષ્ણાતોની આગાહી

દુબઈ: દુબઈનું ઝાકઝમાળ ભરેલું પ્રોપર્ટી માર્કેટ હાલમાં ભૌગોલિક રાજકીય તણાવ અને ખાસ કરીને ઈરાન યુદ્ધની અસરો હેઠળ દબાયેલું જોવા મળી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં એન્ટ્રી-લેવલની પ્રોપર્ટી પ્રવૃત્તિઓમાં ૪૦ ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. બ્રોકર્સના જણાવ્યા અનુસાર, ઓફ-પ્લાન પ્રોપર્ટીઝ વેચવામાં હવે વધુ સમય લાગી રહ્યો છે અને સોદા પૂર્ણ થવાની પ્રક્રિયા પણ સામાન્ય કરતા ઘણી લાંબી ખેંચાઈ રહી છે.

કિંમતોમાં ઘટાડો અને વાટાઘાટોનો દોર:
બજારમાં હાલ એવી સ્થિતિ છે કે ૧૦ લાખ થી ૨૫ લાખ દિરહામ (AED) ના પ્રાઇસ બેન્ડમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. ઓફ-પ્લાન સેગમેન્ટમાં પણ ખરીદદારો ૧૦ થી ૧૫ ટકા સુધીના ડિસ્કાઉન્ટ માટે વાટાઘાટો કરી રહ્યા છે. માર્ચ મહિનામાં વાસ્તવિક વેચાણમાં ૫૦ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, રજીસ્ટ્રેશનના આંકડા ઊંચા દેખાયા હતા, પરંતુ તે ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાનના બાકી રહેલા સોદાઓનો બેકલોગ હોવાનું મનાય છે.

રોકાણકારોને આકર્ષવા બિલ્ડરોની અવનવી ઓફરો:
બજારમાં તરલતા જાળવી રાખવા માટે દુબઈના મોટા ડેવલપર્સ જેમ કે ડેમેક (DAMAC), દાનુબ (Danube), બિંધાતી (Binghatti) અને અઝીઝી (Azizi) એ પેમેન્ટ પ્લાનમાં મોટા ફેરફારો કર્યા છે:
 * પેમેન્ટ સ્ટ્રક્ચર: ડેમેકે પ્રોપર્ટીના પેમેન્ટ માટે ૭૦/૩૦ ના બદલે ૫૦/૫૦ નું માળખું અપનાવ્યું છે. અઝીઝી એ ૫૦/૫૦ ના બદલે ૩૦/૭૦ નો ગ્રાહક લક્ષી પ્લાન રજૂ કર્યો છે.
 * ભેટ અને ડિસ્કાઉન્ટ: ડેમેક દ્વારા ૧૫ લાખ દિરહામથી વધુની ખરીદી પર નિસાન પાથફાઇન્ડર અને ૫૦ લાખથી વધુની ખરીદી પર નિસાન પેટ્રોલ નિસ્મો જેવી લક્ઝરી કાર ભેટમાં આપવામાં આવી રહી છે. જ્યારે બિંધાતી ફુલ કેશ પેમેન્ટ પર ૨૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે.
 * DLD ફી માફી: મોટાભાગના ડેવલપર્સ ૪ ટકા જેટલી દુબઈ લેન્ડ ડિપાર્ટમેન્ટ (DLD) ફી પોતે ભોગવી રહ્યા છે, જે ખરીદદારો માટે મોટી રાહત છે.

નિષ્ણાતોનો મત અને ભારતીય ખરીદદારોનો ઝુકાવ:
રિયલ એસ્ટેટ નિષ્ણાત આદિત્ય અર્નેસ્ટ જોનના જણાવ્યા મુજબ, બજાર આગામી ૬ થી ૯ મહિના સુધી કરેક્શનના તબક્કામાંથી પસાર થશે. સેકન્ડરી માર્કેટમાં ભાવમાં ૧૫ થી ૧૮ ટકા અને પ્રાયમરી માર્કેટમાં ૯ થી ૧૨ ટકાનો ઘટાડો થઈ શકે છે. નેસ્ટરોવ કન્સલ્ટિંગના CEO શિવેન્દ્ર સિંહનું કહેવું છે કે આટલા તણાવ છતાં બજાર એકદમ તૂટી પડ્યું નથી, પરંતુ ગયા વર્ષ જેવી તેજી પણ જોવા મળતી નથી. રસપ્રદ વાત એ છે કે, ભારતીય ખરીદદારો હજુ પણ માર્કેટમાં સક્રિય છે અને તેઓ આ ભાવ ઘટાડાને ખરીદીની તક તરીકે જોઈ રહ્યા છે. તેમજ ૨૦ લાખ દિરહામના ગોલ્ડન વિઝા ઇન્વેસ્ટમેન્ટમાં પણ ખાસ ઘટાડો જોવા મળ્યો નથી.

દાનુબ ગ્રુપના ચેરમેન રિઝવાન સાજને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે દુબઈ ભૂતકાળમાં ૨૦૦૮ની આર્થિક મંદી અને કોવિડ જેવી કટોકટીમાંથી જે રીતે બહાર આવ્યું છે, તેવી જ રીતે આ પરિસ્થિતિમાંથી પણ મજબૂતી સાથે બહાર આવશે. અત્યારે માર્કેટમાં 'વેઈટ એન્ડ વોચ' ની સ્થિતિ છે, જ્યાં ગ્રાહકો યુદ્ધની સ્થિતિ શાંત થવાની રાહ જોઈ રહ્યા છે.

(5:11 PM IST)