<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

પાકિસ્તાનમાં કુદરતનો કહેર: ખૈબર પખ્તુનખ્વામાં મેઘતાંડવથી ૨૩ બાળકો સહિત ૪૫ના મોત : ચારેકોર તબાહીના દ્રશ્યો

સતત ૧૦ દિવસથી વરસી રહેલા ભારે વરસાદે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનને ધમરોળ્યું: ૪૦૦થી વધુ મકાનો ધરાશાયી અને ૧૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલો ઉભરાઈ : ૯ એપ્રિલ સુધી રેડ એલર્ટ જાહેર

પેશાવર:  પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત હાલમાં કુદરતી આફતનો સામનો કરી રહ્યો છે, જ્યાં આકાશમાંથી વરસેલી આફતે ૨૩ નિર્દોષ બાળકો સહિત કુલ ૪૫ લોકોનો ભોગ લીધો છે. પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (PDMA) ના રવિવારના અહેવાલ મુજબ, છેલ્લા ૧૦ દિવસથી ચાલતા આ અવિરત વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. કાચા મકાનોની છત અને દીવાલો ધરાશાયી થવાને કારણે સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૧૦૫ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં બાળકોની મોટી સંખ્યાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે, જ્યારે અનેક પરિવારોએ પોતાનો આશરો ગુમાવ્યો છે.

વરસાદની તીવ્રતા એટલી ભયાનક છે કે પ્રાંતના બે ડઝનથી વધુ જિલ્લાઓમાં મિલકતોને ભારે નુકસાન પહોંચ્યું છે. સરકારી આંકડા મુજબ, આશરે ૪૪૨ ઘરો આ કુદરતી પ્રકોપની ઝપેટમાં આવ્યા છે, જેમાંથી ૬૦ મકાનો તો સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયા છે અને ૩૮૨ ઘરોને આંશિક નુકસાન થયું છે. રેસ્ક્યુ ૧૧૨૨ અને સ્થાનિક વહીવટીતંત્ર કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા અને અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે રાત-દિવસ એક કરી રહ્યા છે, પરંતુ સતત ખરાબ હવામાનને કારણે રાહત કામગીરીમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે.

હજુ પણ જોખમ ટળ્યું નથી, કારણ કે હવામાન વિભાગે ૯ એપ્રિલ સુધી પ્રાંતના અનેક ભાગોમાં ફરીથી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. PDMA ના મહાનિર્દેશકે પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓને પહાડી અને સંવેદનશીલ વિસ્તારોમાં બિનજરૂરી મુસાફરી ટાળવા માટે સખત સૂચના આપી છે. પાકિસ્તાનની કથળતી આર્થિક સ્થિતિ વચ્ચે આ કુદરતી હોનારતે વહીવટીતંત્ર માટે પડકાર ઊભો કર્યો છે, કારણ કે હજારો લોકો અત્યારે ખુલ્લા આકાશ નીચે જીવન ગુજારવા મજબૂર બન્યા છે.

(9:10 PM IST)