હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાન યુદ્ધનો અદ્રશ્ય વિસ્ફોટ: આકાશમાંથી વરસતી મિસાઈલો કરતા ભૂખ અને રોગચાળો વધુ જીવલેણ બનશે : ૪.૫ કરોડ લોકો પર તોળાઈ રહ્યું છે સંકટ
હોર્મુઝની નાકાબંધી અને વધતા પરિવહન ખર્ચને કારણે જીવનરક્ષક દવાઓ અને અનાજનો પુરવઠો ખોરવાયો : યુનિસેફ અને સેવ ધ ચિલ્ડ્રન જેવી સંસ્થાઓની ગંભીર ચેતવણી : જો જૂન સુધીમાં શાંતિ નહીં સ્થપાય તો માનવતાવાદી કટોકટી વિશ્વને ભરખી જશે

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં છેડાયેલા ભીષણ જંગની જ્વાળાઓ હવે માત્ર સરહદો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તેણે વૈશ્વિક માનવતાવાદી સહાયની કમર તોડી નાખી છે. આંતરરાષ્ટ્રીય સહાય જૂથોએ અત્યંત ડરામણી ચેતવણી જારી કરતા જણાવ્યું છે કે, યુદ્ધને કારણે સપ્લાય ચેઈન સંપૂર્ણપણે લકવાગ્રસ્ત થઈ ગઈ છે. હોર્મુઝ સ્ટ્રેટ જેવા વ્યૂહાત્મક માર્ગો બંધ થવાથી અને દુબઈ-દોહા જેવા લોજિસ્ટિક્સ હબ સાથેનો સંપર્ક તૂટવાથી લાખો લોકો સુધી ખોરાક અને દવાઓ પહોંચાડવી અશક્ય બની રહી છે. યુનિસેફના લોજિસ્ટિક્સ વડા જીન-સેડ્રિક મીયસના જણાવ્યા અનુસાર, હવે રસીઓ અને જીવનરક્ષક દવાઓ તુર્કીના રસ્તે મોકલવી પડે છે, જેના કારણે ખર્ચમાં ૨૦ ટકાનો વધારો થયો છે અને ડિલિવરીમાં ૧૦ દિવસનો વિલંબ થઈ રહ્યો છે, જે દર્દીઓ માટે મૃત્યુદંડ સમાન સાબિત થઈ શકે છે.
યુદ્ધની આ આડઅસર માત્ર ઈરાન કે પડોશી દેશો પૂરતી જ નહીં, પણ આફ્રિકા અને દક્ષિણ એશિયા સુધી પ્રસરી રહી છે. 'સેવ ધ ચિલ્ડ્રન'ના અહેવાલ મુજબ, દવાઓની અછતને કારણે સુદાનમાં ૯૦થી વધુ આરોગ્ય કેન્દ્રો બંધ થવાના આરે છે. ગલ્ફ દેશોમાંથી આવતા ખાતરોનો પુરવઠો અટકી જવાથી પૂર્વ આફ્રિકા અને એશિયાના નાના ખેડૂતોની ખેતી બરબાદ થઈ રહી છે, જે સીધી રીતે ખાદ્ય અછતને નોતરી રહી છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે (WFP) ચેતવણી આપી છે કે જો જૂન ૨૦૨૬ સુધીમાં યુદ્ધવિરામ નહીં થાય, તો વિશ્વભરમાં વધારાના ૪.૫ કરોડ લોકો ગંભીર ભૂખમરાની ગર્તામાં ધકેલાઈ જશે. આ આંકડો સૂચવે છે કે બંદૂકની ગોળીઓ કરતાં અનાજની અછત વધુ લોકોનો ભોગ લેશે.
માનવતાવાદી સંસ્થાઓ અત્યારે તેમની સહનશક્તિની છેલ્લી હદે પહોંચી ગઈ છે. લેબનોનમાં લાખો લોકો વિસ્થાપિત થયા છે, તો બીજી તરફ નાઇજીરીયા અને સોમાલિયા જેવા દેશોમાં ઇંધણના ભાવ આસમાને પહોંચતા એમ્બ્યુલન્સ સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય બચાવ સમિતિના મદીહા રઝા કહે છે કે, વિશ્વની મહાસત્તાઓએ હવે માત્ર શસ્ત્રો અને સંરક્ષણની વાત છોડીને ઘટતી જતી માનવતાને બચાવવા માટે સક્રિય નીતિગત નિર્ણયો લેવા પડશે. જો વિશ્વ શક્તિઓ જલ્દી જ આ સંઘર્ષનો અંત નહીં લાવે, તો ઇતિહાસ આ યુદ્ધને માત્ર જમીની વિવાદ તરીકે નહીં, પણ માનવતાના સૌથી મોટા વિનાશ તરીકે યાદ રાખશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
