<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

નવી દિલ્હી રેલવે સ્ટેશન બનશે હાઈટેક 'એરપોર્ટ': QR કોડ વગર એન્ટ્રી નહીં: 1500 AI કેમેરા રાખશે બાજ નજર

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પુનર્વિકાસ કાર્યની સમીક્ષા કરી: મુસાફરોની સુરક્ષા માટે અત્યાધુનિક ફેસ રેકગ્નિશન સિસ્ટમ અને સ્ટાફ માટે કલર-કોડેડ જેકેટ સાથે સ્ટેશનનો નવો અવતાર તૈયાર

નવી દિલ્હી:  નવી દિલ્હી રેલવે સ્ટેશન હવે પરંપરાગત ઓળખ બદલીને અત્યાધુનિક એરપોર્ટ જેવું લુક અને સુવિધા ધારણ કરવા જઈ રહ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પુનર્વિકાસ પ્રોજેક્ટની સમીક્ષા કરતા જણાવ્યું કે, સ્ટેશન પરિસરમાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત માટે ૧,૫૦૦ જેટલા AI-આધારિત CCTV કેમેરા લગાવવામાં આવશે. આ હાઈટેક કેમેરા શંકાસ્પદ વ્યક્તિઓની ત્વરિત ઓળખ કરશે અને ભીડ વ્યવસ્થાપનમાં મદદરૂપ થશે. મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને રેલવે સુરક્ષા દળ (RPF) ના જવાનોની સંખ્યામાં પણ વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.

સ્ટેશનમાં પ્રવેશ માટે હવે 'QR કોડ' અનિવાર્ય બનશે. મુસાફરોની ટિકિટ પર રહેલા QR કોડને સ્કેન કર્યા પછી જ પ્લેટફોર્મ પર પ્રવેશ મળશે, જેનાથી ટિકિટ વગરના લોકો અને અસામાજિક તત્વો પર લગામ આવશે. આ ઉપરાંત, રેલવે સ્ટાફ, કોન્ટ્રાક્ટરો અને ફેરિયાઓ માટે QR કોડ આધારિત ઓળખપત્ર અને અલગ-અલગ રંગના જેકેટ ફરજિયાત કરાયા છે, જેથી સ્ટેશન પર અધિકૃત વ્યક્તિઓને સરળતાથી ઓળખી શકાય. સ્ટેશનની બહાર નીકળતા જ મુસાફરોને સરળતાથી ટેક્સી મળી રહે તે માટે 'ભારત ટેક્સી' સેવા સાથે સ્ટેશનને સીધું કનેક્ટ કરવામાં આવશે.

સ્ટેશન પરિસરમાં મુસાફરોની સુવિધા માટે નવા ડિજિટલ સાઈનેજ અને સ્પષ્ટ દિશા-નિર્દેશો લગાવવાની બ્લુપ્રિન્ટ તૈયાર થઈ ગઈ છે. મંત્રીએ કામગીરીને વધુ ગતિ આપવા સૂચના આપી છે, જેથી મુસાફરોને વહેલી તકે વિશ્વસ્તરીય સુવિધાઓનો લાભ મળી શકે. આધુનિક વેઇટિંગ લાઉન્જ, ફૂડ કોર્ટ અને હાઇ-સ્પીડ એક્સેસ પોઈન્ટ્સ સાથે આ પ્રોજેક્ટ ભારતીય રેલવેના આધુનિકીકરણનો નવો સીમાચિહ્ન સાબિત થશે.

(9:44 PM IST)