<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

ઈરાન યુદ્ધના આર્થિક ઝટકા સામે સરકારનું 'સંરક્ષણ કવચ': MSME ઉદ્યોગોને ઉગારવા લોન અને ગેરંટીનું મોટું પેકેજ તૈયાર

પશ્ચિમ એશિયાની કટોકટી વચ્ચે નાના ઉદ્યોગોને દેવાળીયા થતા બચાવવા કેન્દ્ર સરકારની કવાયત : ઇમરજન્સી ક્રેડિટ લાઇન અને વ્યાજમાં છૂટછાટ આપવાની તૈયારી : માર્ચમાં FII એ ₹1.13 લાખ કરોડ પાછા ખેંચતા બજારમાં ફફડાટ

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની માઠી અસર હવે ભારતના નાના અને મધ્યમ ઉદ્યોગો પર દેખાવા લાગી છે. ઈરાન કટોકટીને કારણે કાચા માલના ભાવમાં ઉછાળો અને સપ્લાય ચેઈન ખોરવાતા સરકાર હવે એક્શન મોડમાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, સરકાર કોરોના કાળ જેવી જ 'ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ' ફરી અમલમાં મૂકવાની તૈયારી કરી રહી છે. આ યોજના હેઠળ મુશ્કેલીમાં મુકાયેલા એકમોને બેંકો પાસેથી વધારાની લોન અને શરતોમાં મોટી છૂટછાટ આપવામાં આવશે. ખાસ કરીને જે ઉદ્યોગો પેટ્રોકેમિકલ્સ પર નિર્ભર છે, તેમને વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો તરફ વળવા માટે વિશેષ નાણાકીય પ્રોત્સાહન આપવાની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે.

વૈશ્વિક બજારમાં તેલ અને ગેસની અછતને કારણે પ્લાસ્ટિક, સિરામિક્સ અને ટેક્સટાઈલ જેવા ક્ષેત્રોમાં ઉત્પાદન ઠપ્પ થવાની ભીતિ સેવાઈ રહી છે. આર્થિક આંકડાઓ પણ ચિંતાજનક છે; માર્ચ મહિનામાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી આશરે $13.6 બિલિયન (અંદાજે ₹1.13 લાખ કરોડ) પાછા ખેંચી લીધા છે, જે કોરોના કાળ પછીનો સૌથી મોટો આંકડો છે. CII અને FISME જેવી ઉદ્યોગ સંસ્થાઓએ સરકારને વિનંતી કરી છે કે જો સમયસર રોકડ સહાય (Liquidity Support) પૂરી પાડવામાં નહીં આવે, તો નાના ઉદ્યોગોમાં મોટાપાયે છટણી અને સ્થળાંતરની સમસ્યા ઉભી થઈ શકે છે. ફુગાવો 5 ટકાને પાર કરી ગયો હોવાથી સામાન્ય માણસના ખિસ્સા પર પણ તેની સીધી અસર પડી રહી છે.

સરકારે સ્થિતિને કાબૂમાં લેવા માટે નિકાસકારો માટે ₹500 કરોડના રાહત પેકેજની સાથે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવા જેવા મહત્વના નિર્ણયોની જાહેરાત કરી છે. છૂટક બજારમાં ટીવી, ફ્રીજ અને કપડાં જેવી ચીજવસ્તુઓના ભાવ વધતા વેચાણ પર અસર પડી રહી છે, જે અર્થતંત્રના લાંબા ગાળાના વિકાસને રૂંધી શકે છે. ઉદ્યોગસાહસિકોનું માનવું છે કે ઉત્પાદન ચક્ર એકવાર ખોરવાઈ જાય પછી તેને પાટા પર લાવવામાં મહિનાઓ લાગે છે, તેથી સરકારની આ ક્રેડિટ ગેરંટી યોજના ડૂબતા ઉદ્યોગો માટે 'લાઈફલાઈન' સાબિત થશે.

(9:45 PM IST)