<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

ઓક્સફોર્ડ યુનિવર્સિટીની બોડલીયન લાયબ્રેરી દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના પવિત્ર ગ્રંથ ‘શિક્ષાપત્રી’ની દ્વિશતાબ્દીની ઉજવણી : સમગ્ર યુકેમાં ઐતિહાસિક પ્રવાસનો પ્રારંભ

વડતાલધામમાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા ૧૮૨૬માં રચાયેલી મૂળ હસ્તપ્રત લંડન સહિતના વિવિધ મંદિરોમાં દર્શનાર્થે મુકાશે : ૨૦૦ વર્ષ જૂના આ પવિત્ર ગ્રંથના દર્શન માટે હજારો હરિભક્તોમાં ભારે ઉત્સાહ

લંડન:ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વિશ્વપ્રસિદ્ધ બોડલીયન લાયબ્રેરી દ્વારા હિન્દુ ધર્મના અત્યંત મહત્વના અને દુર્લભ ગણાતા પવિત્ર ગ્રંથ ‘શિક્ષાપત્રી’ની ૨૦૦મી વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર યુકેમાં એક ઐતિહાસિક પ્રવાસ (ટૂર) શરૂ કરવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક ભગવાન સ્વામિનારાયણના હસ્તાક્ષર ધરાવતી આ મૂળ હસ્તપ્રતને બ્રિટનના મુખ્ય મંદિરોમાં શ્રદ્ધાળુઓના દર્શનાર્થે લઈ જવામાં આવી રહી છે.

૧૮૨૬માં ગુજરાતના વડતાલમાં થઈ હતી રચના:
સહજાનંદ સ્વામી એટલે કે ભગવાન સ્વામિનારાયણ દ્વારા વર્ષ ૧૮૨૬માં ગુજરાતના વડતાલ ખાતે ‘શિક્ષાપત્રી’ની રચના કરવામાં આવી હતી. ૨૧૨ સંસ્કૃત શ્લોકો ધરાવતો આ ગ્રંથ નૈતિક, આચારસંહિતા અને આધ્યાત્મિક જીવન જીવવા માટેનો એક અદભૂત માર્ગદર્શિકા સમાન પત્ર છે. આ પવિત્ર ગ્રંથમાં અહિંસા, શાકાહાર, પ્રામાણિકતા અને સદાચાર જેવા પાયાના સિદ્ધાંતોનું વર્ણન કરવામાં આવ્યું છે, જે આજે પણ લાખો અનુયાયીઓના દૈનિક જીવનનો હિસ્સો છે.

ઐતિહાસિક વારસો અને બ્રિટિશ કનેક્શન:
ઓક્સફોર્ડ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, આ હસ્તપ્રત પાછળ એક ઊંડો ઐતિહાસિક વારસો જોડાયેલો છે. ૨૬ ફેબ્રુઆરી, ૧૮૩૦ના રોજ સહજાનંદ સ્વામીએ પોતે આ નકલ તત્કાલીન બોમ્બેના ગવર્નર સર જોન માલ્કમની મુલાકાત વખતે તેમને ભેટમાં આપી હતી. ત્યારથી આ દુર્લભ હસ્તપ્રત બોડલીયન લાયબ્રેરીના સંગ્રહમાં સુરક્ષિત રાખવામાં આવી છે. બોડલીયનના એશિયન કલેક્શનના કીપર ગિલિયન એવિસને જણાવ્યું કે, બે સદી બાદ પણ શિક્ષાપત્રીનો કરુણા અને સામાજિક સમરસતાનો સંદેશ આજના જટિલ વિશ્વમાં એટલો જ સુસંગત છે.

ઓગસ્ટ સુધી ચાલશે પ્રવાસ:
આ ઐતિહાસિક પ્રવાસ આગામી ઓગસ્ટ માસ સુધી ચાલશે, જેમાં લંડન અને વેલ્સના વિવિધ સ્વામિનારાયણ મંદિરોને આવરી લેવામાં આવશે. લંડનના મંદિરોમાં જ્યારે આ હસ્તપ્રત લાવવામાં આવી ત્યારે હરિભક્તો દ્વારા પુષ્પવર્ષા અને આરતી સાથે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આયોજકોના મતે આ ટૂર દરમિયાન અંદાજે ૨૦,૦૦૦ થી ૩૦,૦૦૦ જેટલા લોકો આ પવિત્ર ગ્રંથના સીધા દર્શનનો લાભ લેશે. સામાન્ય રીતે ઓક્સફોર્ડની વેસ્ટન લાયબ્રેરીમાં પ્રદર્શન માટે રાખવામાં આવતો આ ગ્રંથ તેની ૨૦૦મી વર્ષગાંઠ નિમિત્તે લાયબ્રેરીની બહાર કાઢીને સમુદાયો સાથે સીધો જોડવાનો આ એક દુર્લભ પ્રસંગ છે.

(10:28 PM IST)