હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાવધાન! તમારું Wi-Fi તમને બનાવી શકે છે ગુનેગાર : હેકર્સ છૂપી રીતે કરી રહ્યા છે ‘બોટનેટ’નો ખતરનાક ખેલ
સસ્તા સ્માર્ટ ગેજેટ્સ અને ફ્રી એપ્સની લાલચ પડી શકે છે ભારે : તમારા ઇન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ ગેરકાનૂની પ્રવૃત્તિઓ માટે કરી રહ્યા છે સાયબર માફિયા - આજે જ ચેક કરો આ વિગતો

નવી દિલ્હી:આજના ડિજિટલ યુગમાં ઇન્ટરનેટ અનિવાર્ય બની ગયું છે, પરંતુ તેની સાથે જોડાયેલા જોખમો પણ તેટલા જ ગંભીર છે. તાજેતરના અહેવાલો મુજબ, સામાન્ય લોકોના Wi-Fi કનેક્શનનો ઉપયોગ કરીને હેકર્સ મોટા પાયે ‘બોટનેટ’ (Botnet) નેટવર્ક તૈયાર કરી રહ્યા છે. આ ખેલમાં યુઝરને ખબર પણ નથી હોતી અને તેનું ઇન્ટરનેટ કનેક્શન કોઈ ત્રીજી વ્યક્તિ ગેરકાનૂની કામો માટે વાપરી રહી હોય છે, જે અંતે કાયદાકીય મુશ્કેલીમાં નિર્દોષ નાગરિકને ફસાવી શકે છે.
શું છે ‘બોટનેટ’ અને હેકર્સની મોડસ ઓપરેન્ડી?
હેકર્સ ખાસ પ્રકારના સોફ્ટવેર દ્વારા સામાન્ય લોકોના ઇન્ટરનેટ કનેક્શનને પોતાના કંટ્રોલમાં લઈ લે છે. આ પ્રક્રિયામાં તમારા Wi-Fi નેટવર્કને અન્ય સર્વર સાથે જોડી દેવામાં આવે છે (રૂટ કરી દેવામાં આવે છે). આનાથી હેકર તમારા આઈપી (IP) એડ્રેસનો ઉપયોગ કરીને ડેટા ચોરી અથવા અન્ય સાયબર ક્રાઈમ કરે છે. તપાસ દરમિયાન પોલીસ તમારા આઈપી એડ્રેસ સુધી પહોંચે છે, જેના કારણે તમે ગુનાનો ભાગ ન હોવા છતાં કાયદાના સકંજામાં આવી શકો છો.
સસ્તા ગેજેટ્સ અને ફ્રી એપ્સનું જોખમ:
આ જોખમ પાછળ મુખ્યત્વે બે કારણો જવાબદાર છે. પ્રથમ, બજારમાં મળતા સસ્તા અથવા અજાણ્યા બ્રાન્ડના સ્માર્ટ ડિવાઇસ (જેમ કે સ્માર્ટ કેમેરા, બલ્બ વગેરે). આવા ઉપકરણોમાં ઘણીવાર પહેલેથી જ એવા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલા હોય છે જે તમારા નેટવર્કને બહારની વ્યક્તિ સાથે શેર કરવા લાગે છે. બીજું કારણ ફ્રી સર્વિસ આપતી એપ્સ છે. ખાસ કરીને મફત VPN, પેઇડ કન્ટેન્ટ મફતમાં જોવાની લાલચ આપતી એપ્સ અથવા ઓનલાઈન પૈસા કમાવવાનું ઝાંસુ આપતી એપ્લિકેશન્સ તમારા નેટવર્કને હેકર્સ માટે ખુલ્લું મૂકી દે છે.
કેવી રીતે બચવું?
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, અજાણ્યા અને સસ્તા ચાઈનીઝ કે લોકલ બ્રાન્ડના સ્માર્ટ ગેજેટ્સ વાપરવાનું ટાળવું જોઈએ. હંમેશા વિશ્વસનીય બ્રાન્ડના ઉપકરણો જ ખરીદવા. આ ઉપરાંત, મોબાઈલમાં કોઈપણ શંકાસ્પદ કે અજાણી એપીકે (APK) ફાઈલ અથવા લોભામણી એપ્સ ઇન્સ્ટોલ ન કરવી. તમારા Wi-Fi નો પાસવર્ડ સમયાંતરે બદલતા રહેવું અને રાઉટરના સેટિંગ્સમાં જઈને અનધિકૃત ડિવાઇસ કનેક્ટેડ નથી ને તે તપાસતા રહેવું ખૂબ જરૂરી છે. સાયબર સુરક્ષા પ્રત્યેની સજાગતા જ તમને આ અદ્રશ્ય ગુનાખોરીનો શિકાર બનતા બચાવી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
