<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

અમેરિકામાં વ્‍હાઇટ હાઉસ નજીક ગોળીબારઃ સુરક્ષા એજન્‍સીઓ હાઈએલર્ટ પર

વોશિંગ્‍ટન ડીસી તા.૬: વ્‍હાઇટ હાઉસ નજીક આવેલા લાફાયેટ પાર્કમાં રવિવારે રાત્રે અચાનક ફાયરિગ થતાં સુરક્ષા એજન્‍સીઓ એલર્ટ પર આવી ગઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ તે સમયે વ્‍હાઇટ હાઉસમાં જ હાજર અને સંપૂર્ણપણે સુરક્ષિત હતા. સદનસીબે આ ગોળીબારમાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયરિગ કરનાર વ્‍યક્‍તિ ફરાર છે અને સિક્રેટ સર્વિસ તેમજ સ્‍થાનિક પોલીસ સમગ્ર વિસ્‍તારની નાકાબંધી કરીને હુમલાખોરને શોધવા માટે સઘન તપાસ કરી રહી છે

અમેરિકાની રાજધાની વોશિગ્‍ટન ડીસીમાં વ્‍હાઇટ હાઉસની બરાબર સામે આવેલા લાફાયેટ પાર્ક નજીક રવિવારે મધ્‍યરાત્રિ પછી ગોળીબારની ઘટના બની હતી.

જ્‍યારે આ ગોળીબાર થયો ત્‍યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ વ્‍હાઇટ હાઉસમાં જ હાજર હતા. સિક્રેટ સર્વિસના જણાવ્‍યા અનુસાર, વ્‍હાઇટ હાઉસની આંતરિક કામગીરી સામાન્‍ય રહી હતી, પરંતુ સાવચેતીના પગલારૂપે આસપાસના વિસ્‍તારમાં સુરક્ષા વ્‍યવસ્‍થા તાત્‍કાલિક ધોરણે વધુ કડક કરી દેવામાં આવી છે.

આ ઘટના બાદ યુએસ સિક્રેટ સર્વિસ, મેટ્રોપોલિટન પોલીસ વિભાગ અને યુએસ પાર્ક પોલીસે સંયુક્‍ત રીતે તપાસ હાથ ધરી છે. પોલીસે સુરક્ષાના ભાગરૂપે આસપાસના અનેક બ્‍લોક્‍સ સીલ કરી દીધા છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

સત્તાવાર નિવેદન મુજબ, પાર્ક અને આસપાસના વિસ્‍તારોમાં તપાસ કર્યા બાદ કોઈ વ્‍યક્‍તિ ઘાયલ હોવાના અહેવાલ મળ્‍યા નથી. હાલ ગોળીબાર કરનાર શંકાસ્‍પદ વ્‍યક્‍તિ ફરાર છે અને તેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.

(11:07 AM IST)