<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

બિહારના નાલંદામાં એનઆઈએની મેગા ડ્રાઇવ: ૧૦ સ્થળોએ મેરેથોન દરોડા, અનેક સંદિગ્ધો સકંજામાં

આતંકી ગતિવિધિઓ અને હથિયાર તસ્કરીના ઇનપુટને આધારે પીકે ગન હાઉસ સહિતના સ્થળોએ સર્ચ ઓપરેશન: ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત

નાલંદા (બિહાર): નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા બિહારના નાલંદા જિલ્લામાં ૧૦ અલગ-અલગ સ્થળોએ સઘન દરોડા પાડવામાં આવ્યા. સંદિગ્ધ આતંકી ગતિવિધિઓ અને આંતરરાજ્ય ગેરકાયદેસર હથિયાર તેમજ દારૂગોળાની તસ્કરીના નેટવર્કને ધ્વસ્ત કરવા આ દરોડા પડ્યા છે 

 

સ્થાનિક પોલીસની મદદથી હાથ ધરાયેલા આ સર્ચ ઓપરેશનમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરાયા છે, ઉપરાંત અનેક સંદિગ્ધોની અટકાયત કરી પૂછપરછ ચાલી રહી છે.

 

દેશમાં આતંકી ગતિવિધિઓ અને હથિયારોની ગેરકાયદેસર હેરાફેરી ડામવા માટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) સતત સક્રિય છે. આજે સોમવારે વહેલી સવારથી જ એનઆઈએની બહુવિધ ટીમોએ બિહારના નાલંદા જિલ્લામાં આશરે ૧૦ જેટલા સ્થળોએ સપાટો બોલાવીને મેરેથોન દરોડા પાડ્યા છે. આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે આતંકી ષડયંત્ર અને આંતરરાજ્ય હથિયાર તસ્કરીના મજબૂત ઇનપુટ મળ્યા બાદ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

 

પીકે ગન હાઉસ અને ગુપ્ત ઠેકાણાઓ પર તપાસ: સત્તાવાર રિપોર્ટ મુજબ, નાલંદાના લહેરી પોલીસ મથક વિસ્તારમાં આવેલા 'પીકે ગન હાઉસ' ખાતે પણ સવારથી જ સ્થાનિક પોલીસના સહયોગથી તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આતંકી ગતિવિધિઓ અને હથિયારોના સપ્લાય સાથે સંકળાયેલા શંકાસ્પદ લોકોના ગુપ્ત ઠેકાણાઓ અને મકાનો પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા.

 

ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને દસ્તાવેજો જપ્ત: આ ઓપરેશન દરમિયાન એનઆઈએના અધિકારીઓએ તપાસ સ્થળો પરથી અનેક મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, મોબાઈલ ફોન અને શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કર્યા છે. સત્તાવાર વર્તુળોના જણાવ્યા અનુસાર, આ કેસ ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં ફેલાયેલા ગેરકાયદેસર હથિયારોના સપ્લાય ચેન અને તેના સંભવિત આતંકી કનેક્શન સાથે જોડાયેલો છે. હાલમાં તપાસ એજન્સી દ્વારા અનેક સંદિગ્ધોની અટકાયત કરીને તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે.

 

અગાઉ પણ થઈ હતી મોટી કાર્યવાહી: ઉલ્લેખનીય છે કે, હથિયાર તસ્કરીના આ આંતરરાજ્ય નેટવર્કને તોડવા અગાઉ પણ એનઆઈએ દ્વારા બિહાર, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ૨૩ જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને પટનામાંથી કમલકાંત નામના એક મુખ્ય આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ શખ્સ હરિયાણા સહિત અન્ય સ્થળોએથી ગેરકાયદેસર દારૂગોળો લાવીને તેને ગુનાહિત નેટવર્કને પૂરા પાડતો હતો. આજના નાલંદાના દરોડા આ જ તપાસની કડીને વધુ મજબૂત કરવા અને બાકીના ગુનેગારોને પકડવા માટેનું એક મોટું પગલું માનવામાં આવે છે.

(10:32 AM IST)