<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

પનામા નહેર પર મહાયુદ્ધઃ અમેરિકા-ચીન આમને-સામનેઃ શું ભારત પર તોળાશે સંકટ?

પનામા નહેર પર જંગઃ અમેરિકા અને ચીન વચ્‍ચે ટ્રેડ વોર તેજ!સંબંધો વધુ વણસ્‍યાઃ પનામાની અદાલતે ચીની કંપનીનો બંદર સંચાલનનો કરાર રદ કરતા ચીન પનામા પર આર્થિક દબાણ લાવી રહ્યું છે. આ વિવાદને કારણે વૈશ્વિક સપ્‍લાય ચેઈન ખોરવાઈ શકે છે, જેની સીધી અસર ભારતના વિદેશ વેપાર અને આયાતી વસ્‍તુઓના ભાવ પર પડશે : પનામા કોર્ટે ચીની કંપની ‘સીકે હચિસન'નો કરાર રદ કર્યોઃ પનામા નહેરના જળમાર્ગમાં જહાજોને રોકીને ચીન બનાવી રહ્યું છે દબાણઃ ભારતીય વેપારી જહાજો માટે વધી શકે છે મુશ્‍કેલી અને પરિવહન ખર્ચ

નવી દિલ્‍હી,તા.૦૬: ઈરાન યુદ્ધને કારણે હોર્મુઝ સ્‍ટ્રેટમાં ચાલી રહેલી અશાંતિ વચ્‍ચે હવે વિશ્વના અન્‍ય એક મહત્‍વના જળમાર્ગ પર જોખમ તોળાઈ રહ્યું છે. પનામા નહેર (Panama Canal) ના બે વ્‍યૂહાત્‍મક બંદરો, બાલ્‍બોઆ અને ક્રિસ્‍ટોબલ પર ચીની કંપનીના એકાધિકારને લઈને પનામા નહેર વિવાદ ( Panama Canal Conflict) ચરમસીમાએ પહોંચ્‍યો છે. પનામાની સુપ્રીમ કોર્ટે ચીની કંપનીનો કોન્‍ટ્રાક્‍ટ રદ કરતા જ અમેરિકા અને ચીન આમને-સામને આવી ગયા છે.

પનામાની સર્વોચ્‍ચ અદાલતે હોંગકોંગ સ્‍થિત કંપની 'સીકે હચિસન' (CK Hutchison) ના બે મુખ્‍ય બંદરો ચલાવવાના કરારને ગેરબંધારણીય જાહેર કર્યો છે. આ નિર્ણય બાદ અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ચીન પર આરોપ લગાવ્‍યો છે કે તે પનામા પર આર્થિક દબાણ બનાવી રહ્યું છે અને જહાજોની અવરજવરમાં વિલંબ કરી રહ્યું છે. અમેરિકાનું માનવું છે કે ચીન અહીં કાયદાના શાસનને નબળું પાડીને વૈશ્વિક વાણિજ્‍ય (Global Commerce) ને નુકસાન પહોંચાડી રહ્યું છે.

આશરે ૮૨ કિલોમીટર લાંબી આ નહેર પ્રશાંત અને એટલાન્‍ટિક મહાસાગરને જોડે છે. તેને વિશ્વનું સૌથી મહત્‍વનું 'ચોકપોઈન્‍ટ' માનવામાં આવે છે, જ્‍યાંથી વૈશ્વિક વેપાર (Global Trade) નો ૫ ટકા હિસ્‍સો પસાર થાય છે. જો આ રસ્‍તો બંધ થાય, તો જહાજોએ દક્ષિણ અમેરિકાના નીચેના ભાગેથી ૧૫,૦૦૦ કિમીનો લાંબો અને ખર્ચાળ રસ્‍તો કાપવો પડે છે. દર વર્ષે અહીંથી લગભગ ૧૪,૦૦૦ જહાજો પસાર થાય છે.

ભારત માટે પનામા નહેર એક અત્‍યંત મહત્‍વનો વેપારી માર્ગ છે. અમેરિકા અને પ્રશાંત ક્ષેત્રીય દેશો સાથેના વેપાર માટે ભારતીય જહાજો (Indian Vessels) આ શોર્ટકટનો ઉપયોગ કરે છે. જો આ માર્ગમાં અવરોધ આવે, તો ભારતીય જહાજોએ કેપ હોર્નનો ચક્કર લગાવીને ૧૩,૦૦૦ કિમીથી વધુનું વધારાનું અંતર કાપવું પડશે. આનાથી નૂર ખર્ચ (Freight Cost) વધશે અને ભારતમાં આયાતી ચીજવસ્‍તુઓના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે.

ચીન અત્‍યારે અમેરિકા પછી આ નહેરનો બીજો સૌથી મોટો યુઝર છે અને કુલ વેપારમાં તેની હિસ્‍સેદારી ૨૧ ટકાથી વધુ છે. ચીનનું પનામામાં વધતું વર્ચસ્‍વ અમેરિકા માટે વર્ષોથી માથાનો દુખાવો રહ્યું છે.

(10:33 AM IST)