<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

ઈરાનમાં ફસાયેલા કર્નલ પાયલોટને બચાવવા માટે અમેરિકાએ પોતાના જ બે સી-130 વિમાનોને વિસ્ફોટથી ઉડાવી દીધા

કર્નલ પાયલોટને બચાવવા માટે અમેરિકાનું અત્યંત જટિલ અને ખર્ચાળ રેસ્ક્યુ ઓપરેશન :ડોનાલ્ડ ટ્રમ્પે આ સાહસિક મિશનને ફિલ્મી કહાની જેવું ગણાવ્યું

ઈરાનમાં ફસાયેલા એક પાયલોટને સુરક્ષિત બહાર કાઢવા માટે ચલાવવામાં આવેલા અમેરિકાના રેસ્ક્યુ ઓપરેશનમાં અમેરિકાને કરોડો ડોલરનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અહેવાલો મુજબ, પહાડોમાં છુપાયેલા પોતાના કર્નલ રેન્કના પાયલોટને બચાવવા માટે અમેરિકી સેનાએ અત્યંત જટિલ મિશન હાથ ધર્યું હતું, જેમાં તેમણે પકડાવાના ડરે પોતાના જ વિમાનોને ઉડાવી દેવા પડ્યા હતા.

 

રેતીલી જમીન પર લેન્ડિંગ દરમિયાન અથવા કોઈ ટેકનિકલ ખામીને કારણે અમેરિકાના બે લોકહીડ માર્ટિન સી-130 ટ્રાન્સપોર્ટ વિમાન ઉડાન ભરી શક્યા નહોતા. અમેરિકાને ડર હતો કે જો આ વિમાનોને આ જ હાલતમાં છોડી દેવામાં આવશે, તો તેમાં રહેલી અત્યાધુનિક નેવિગેશન સિસ્ટમ અને ટોપ-સીક્રેટ ટેકનોલોજી ઈરાનના હાથમાં લાગી જશે. આથી, સેનાએ જાતે જ આ વિમાનોને વિસ્ફોટથી ઉડાવી દીધા. આ વિમાનોની કિંમત અંદાજે 10 કરોડ ડોલર હોવાનું મનાય છે.

 

આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન બે બ્લેક હોક હેલિકોપ્ટરો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. મલબામાં બોઈંગ એમએચ-6 લિટલ બર્ડના એન્જિનના અંશો જોવા મળ્યા હતા. આ અગાઉ ઓસામા બિન લાદેન વિરુદ્ધ પાકિસ્તાનના એબટાબાદમાં ચલાવાયેલા ઓપરેશનમાં પણ અમેરિકાએ પોતાની ગુપ્ત ટેકનોલોજી બચાવવા આવું જ પગલું ભર્યું હતું.

 

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ મિશનની વિગતો શેર કરતા જણાવ્યું કે, આ ઓપરેશન કોઈ ફિલ્મી વાર્તા જેવું હતું. મિશન જોખમમાં ન મુકાય તે માટે વ્હાઇટ હાઉસ અને  પેન્ટાગોને 24 કલાક સુધી મિશન વિશે મૌન જાળવ્યું હતું. ટ્રમ્પ અને તેમના વરિષ્ઠ અધિકારીઓ સતત પાયલોટના લોકેશન પર નજર રાખી રહ્યા હતા. ઈરાનમાં દિવસના અજવાળામાં લગભગ સાત કલાક સુધી આ શ્વાસ અધ્ધર કરી દેતું ઓપરેશન ચાલ્યું હતું.

 

(1:39 PM IST)