હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વેનિસ જવાનું વિચારી રહ્યા છો? હવે ખિસ્સું વધુ ખાલી કરવું પડશે! 'હિટ-એન્ડ-રન' પ્રવાસીઓ પર લગામ લગાવવા માટે શહેરે લીધો આકરો નિર્ણય
વેનિસમાં એન્ટ્રી ફીનું નવું માળખું જાહેર: મોડું પેમેન્ટ કરશો તો ડબલ ચાર્જ લાગશે, જાણો પ્રવાસીઓ માટેના નવા નિયમો અને મુક્તિની વિગતો

વેનિસ, તા.6: દુનિયાના સૌથી સુંદર અને રોમેન્ટિક શહેરોમાં જેની ગણતરી થાય છે તેવું ઇટાલીનું વેનિસ હવે પ્રવાસીઓ માટે મોંઘું થવા જઈ રહ્યું છે. શહેરની અદભૂત નહેરો અને ઐતિહાસિક સ્થાપત્યોને પ્રવાસીઓના અતિશય ધસારાથી બચાવવા માટે સ્થાનિક પ્રશાસને ફરી એકવાર 'ડેટ્રિપર ફી' (Day-tripper Fee) દાખલ કરી છે. આ વર્ષે પ્રવાસીઓએ માત્ર પ્રવેશ માટે પણ ટેક્સ ચૂકવવો પડશે.
60 દિવસનો 'પીક સીઝન' ટેક્સ
વેનિસના સત્તાવાળાઓએ જાહેરાત કરી છે કે 3 એપ્રિલથી 26 જુલાઈ, 2026 દરમિયાન કુલ 60 ખાસ દિવસોમાં આ ફી વસૂલવામાં આવશે. ખાસ કરીને શનિ-રવિ અને તહેવારોના દિવસોમાં, જ્યારે ભીડ સૌથી વધુ હોય છે, ત્યારે સવારે 8:30 થી સાંજના 4:00 વાગ્યાની વચ્ચે આવતા પ્રવાસીઓએ આ ચાર્જ ચૂકવવો પડશે. ગત વર્ષે આ ફી 54 દિવસ માટે હતી, જે હવે વધારીને 60 દિવસ કરવામાં આવી છે.
વહેલા તે પહેલા... ઓછી ફી!
નવા નિયમ મુજબ, જો તમે વેનિસ પહોંચવાના ઓછામાં ઓછા ચાર દિવસ પહેલા ઓનલાઇન બુકિંગ કરાવો છો, તો તમારે €5 (આશરે ₹450) ચૂકવવા પડશે. પરંતુ જો તમે છેલ્લી ઘડીએ અથવા ચાર દિવસની અંદર ટિકિટ બુક કરશો, તો આ ફી સીધી ડબલ થઈને €10 (આશરે ₹900) થઈ જશે. આ પગલાનો હેતુ પ્રવાસીઓને અગાઉથી આયોજન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
કોને મળશે મુક્તિ?
જોકે, દરેક વ્યક્તિએ આ ફી ચૂકવવાની જરૂર નથી. વેનિસના સ્થાનિક રહેવાસીઓ, ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, નોકરી કરતા કામદારો અને વેનિસમાં જન્મેલા લોકો માટે પ્રવેશ મફત રહેશે. આ ઉપરાંત, જે પ્રવાસીઓએ વેનિસની હોટલોમાં રાત્રિ રોકાણનું બુકિંગ કર્યું છે, તેમને પણ આ ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે, કારણ કે તેઓ પહેલેથી જ 'લોજિંગ ટેક્સ' ચૂકવે છે.
કઈ રીતે થશે અમલીકરણ?
મુક્તિ મેળવનાર હોય કે ફી ચૂકવનાર, દરેક મુલાકાતીએ ઓનલાઇન પોર્ટલ પર નોંધણી કરાવીને QR કોડ મેળવવો ફરજિયાત છે. શહેરના મુખ્ય પ્રવેશદ્વારો અને રેલ્વે સ્ટેશન પર ચેકપોઇન્ટ બનાવવામાં આવશે, જ્યાં અધિકારીઓ આ કોડની ચકાસણી કરશે.
શહેર પ્રશાસનનું કહેવું છે કે વેનિસ એ કોઈ 'થીમ પાર્ક' નથી પણ રહેવા માટેનું શહેર છે. "હિટ-એન્ડ-રન" પર્યટન એટલે કે સવારે આવીને સાંજે નીકળી જતા પ્રવાસીઓના કારણે વધતી જતી ભીડ અને ગંદકીને નિયંત્રિત કરવા માટે આ કડક આર્થિક પગલું લેવું અનિવાર્ય બન્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
