હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ન્યુઝીલેન્ડમાં રજાઓ પણ માણો અને ઓફિસનું કામ પણ કરો! 'ડિજિટલ નોમાડ્સ' માટે વિઝા નિયમોમાં મોટો ફેરફાર, હવે પ્રવાસીઓ કાયદેસર રીતે કરી શકશે 'વર્ક ફ્રોમ એનીવ્હેર'
વિઝિટર વિઝા પર વિદેશી કંપનીઓ માટે રિમોટ વર્ક કરવાની મળી છૂટ; સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને આઈટી પ્રોફેશનલ્સ માટે ખુલ્યા તકના દ્વાર

વેલિંગ્ટન, તા.6: કુદરતી સૌંદર્યથી ભરપૂર ન્યુઝીલેન્ડ હવે પ્રવાસીઓ માટે માત્ર ફરવાનું સ્થળ જ નહીં, પણ 'ઓફિસ' પણ બની શકશે. ન્યુઝીલેન્ડ સરકારે તેના વિઝિટર વિઝાના નિયમોમાં ક્રાંતિકારી ફેરફાર કર્યો છે, જે મુજબ હવે પ્રવાસીઓ ત્યાં ફરવા જવાની સાથે પોતાની વિદેશી કંપની કે ક્લાયન્ટ માટે દૂરસ્થ રીતે (Remotely) કામ કરી શકશે. 27 જાન્યુઆરી, 2025 થી અમલમાં આવેલા આ નિયમોથી ખાસ કરીને ટેક-પ્રોફેશનલ્સ અને ફ્રીલાન્સર્સમાં ખુશીની લહેર છે.
શું કરી શકાશે અને શું નહીં?
નવા નિયમો મુજબ, જો તમારી પાસે ન્યુઝીલેન્ડના વિઝિટર વિઝા છે, તો તમે ત્યાં રહીને ઈમેલના જવાબ આપી શકો છો, ઓનલાઈન મીટિંગ્સમાં જોડાઈ શકો છો, સોફ્ટવેર કોડિંગ કરી શકો છો કે રિપોર્ટ લખી શકો છો. શરત માત્ર એટલી જ છે કે તમારો એમ્પ્લોયર અથવા ક્લાયન્ટ ન્યુઝીલેન્ડની બહારનો હોવો જોઈએ. જો તમે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છો, તો તમે કન્ટેન્ટ બનાવી શકો છો, પણ તે ન્યુઝીલેન્ડની કોઈ લોકલ બ્રાન્ડ કે ઇવેન્ટના પ્રમોશન માટે ન હોવું જોઈએ.
સ્થાનિક નોકરી પર સખત મનાઈ
ન્યુઝીલેન્ડ સરકારે સ્પષ્ટ કર્યું છે કે વિઝિટર વિઝા ધરાવતી વ્યક્તિ ન્યુઝીલેન્ડની કોઈપણ સ્થાનિક કંપનીમાં નોકરી કરી શકશે નહીં. એટલું જ નહીં, રહેવા-જમવાના બદલામાં ફ્રીમાં કામ કરવું (Barter System) પણ પ્રતિબંધિત છે. જો તમારે ન્યુઝીલેન્ડની કોઈ સંસ્થા સાથે જોડાવું હોય, તો તમારે વર્ક વિઝા લેવો ફરજિયાત રહેશે.
ટેક્સના નિયમોમાં પણ રાહત
દૂરસ્થ રીતે કામ કરતા પ્રવાસીઓ માટે ટેક્સના નિયમો પણ હળવા રખાયા છે. જો કોઈ પ્રવાસી 12 મહિનાના ગાળામાં 92 દિવસથી ઓછું રોકાણ કરે છે અને તેની આવક પર તેના વતનમાં ટેક્સ કપાય છે, તો તેણે ન્યુઝીલેન્ડમાં ટેક્સ ચૂકવવો પડશે નહીં. જે દેશો સાથે ન્યુઝીલેન્ડની કર સંધિ (Tax Treaty) છે, તેમના માટે આ મર્યાદા 183 દિવસ સુધીની હોઈ શકે છે.
ડિજિટલ નોમાડ્સ માટે નવું આકર્ષણ
આ પગલાથી ન્યુઝીલેન્ડ વિશ્વભરના 'ડિજિટલ નોમાડ્સ' (જેઓ મુસાફરી સાથે કામ કરે છે) માટે એક હોટ સ્પોટ બની જશે. પ્રશાસનનું માનવું છે કે આનાથી પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે અને લાંબા સમય સુધી રોકાતા પ્રવાસીઓ દ્વારા અર્થતંત્રમાં વિદેશી હૂંડિયામણ આવશે.
જો તમે પણ પહાડો કે સમુદ્ર કિનારે બેસીને લેપટોપ પર કામ કરવાના શોખીન હોવ, તો હવે ન્યુઝીલેન્ડ તમારા લિસ્ટમાં ટોચ પર હોવું જોઈએ!









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
