<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

હાઇવે પર રોકડા ભૂલી જજો! ૧૦ એપ્રિલથી ટોલ પ્લાઝા પર માત્ર ડિજિટલ પેમેન્ટ, FASTag વગર ૨૫% વધુ દંડ

કેન્દ્ર સરકારનો ક્રાંતિકારી નિર્ણય: ૧૦ એપ્રિલ, ૨૦૨૬થી ટોલ પર કેશ કાઉન્ટરો કાયમ માટે બંધ : FASTag ન હોય તો UPI થી ૧.૨૫ ગણો ચાર્જ વસૂલાશે અને ૭૨ કલાકમાં પેમેન્ટ નહીં કરો તો બમણો ટેક્સ અને વાહન બ્લેકલિસ્ટ થવાની નોબત આવશે

નવી દિલ્હી:  દેશના નેશનલ હાઇવે પર મુસાફરી કરનારાઓ માટે હવે ખિસ્સામાં રોકડા રાખવા નકામા સાબિત થશે. આગામી ૧૦ એપ્રિલ, ૨૦૨૬થી તમામ ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહારો સંપૂર્ણપણે બંધ કરવાનો આદેશ અપાયો છે. માર્ગ પરિવહન મંત્રાલયના નવા નિયમ મુજબ, હવે દરેક વાહને FASTag દ્વારા જ ટોલ ચૂકવવો પડશે. જો કોઈ સંજોગોમાં FASTag ન હોય, તો વાહનચાલકે UPI  દ્વારા પેમેન્ટ કરવું પડશે, પરંતુ અહીં પકડ એ છે કે UPI થી પેમેન્ટ કરવા પર ૨૫% વધારાનો ચાર્જ એટલે કે કુલ ટોલના ૧.૨૫ ગણા પૈસા ચૂકવવા પડશે. આ કડક કાયદાનો ઉદ્દેશ્ય ટોલ પરની લાંબી કતારો અને છુટા પૈસાના વિવાદોનો કાયમી અંત લાવવાનો છે.

નવી સિસ્ટમમાં 'ઈ-નોટિસ' એક મોટું હથિયાર બનશે. જો FASTag કે UPI બંને દ્વારા પેમેન્ટ નિષ્ફળ જાય, તો NHAI સીધી વાહન માલિકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઈ-નોટિસ મોકલશે. જો આ નોટિસ મળ્યાના ૭૨ કલાકની અંદર ઓનલાઈન પોર્ટલ પર પેમેન્ટ કરી દેવામાં આવે, તો કોઈ પેનલ્ટી લાગશે નહીં. પરંતુ, જો તમે ૩ દિવસનો સમય ચૂકી ગયા, તો તમારે મૂળ ટોલ કરતા બમણી રકમ દંડ તરીકે ભરવી પડશે. આ ડિજિટલ દેખરેખ એટલી સચોટ હશે કે હવે ટોલ ચોરી કરવી અશક્ય બની જશે, કારણ કે તમામ ડેટા વાહન સોફ્ટવેર સાથે સીધો લિંક થયેલો હશે.

સરકારની આ 'સ્માર્ટ ટોલ' યોજના પાછળનો અસલી ખેલ ૧૫ દિવસની સમયમર્યાદામાં છુપાયેલો છે. જો ઈ-નોટિસના ૧૫ દિવસ સુધી પેમેન્ટ બાકી રહેશે, તો તે વાહનને સિસ્ટમમાં 'ડિફોલ્ટર' તરીકે નોંધવામાં આવશે. ત્યારબાદ તે વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ, વીમો કે રીસેલ પ્રક્રિયા પર રોક લગાવા જેવા કડક નિયંત્રણો આવી શકે છે. સરકારનો દાવો છે કે આનાથી હાઇવે ટ્રાફિક સુવ્યવસ્થિત થશે અને ઈંધણની પણ મોટી બચત થશે. ૧૦ એપ્રિલ પહેલા તમારા FASTag માં પૂરતું બેલેન્સ ચેક કરી લેજો, નહીંતર મુસાફરી મોંઘી પડી શકે છે.

(7:09 PM IST)