<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

“ભાજપ મુસ્લિમો કે લઘુમતીઓ વિરુદ્ધ નથી”: નીતિન ગડકરીએ વિરોધીઓના અપપ્રચારનો આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું – “હિન્દુત્વ એ ધર્મ નહીં, જીવન જીવવાની રીત છે”

નાગપુરમાં ભાજપના સ્થાપના દિને ગડકરીનું હૂંફાળું સંબોધન; અટલ બિહારી વાજપેયીની ‘ધર્મનિરપેક્ષતા’ની વ્યાખ્યા યાદ અપાવી, ઈરાનના સ્વર્ગસ્થ નેતા ખામેની સાથેની મુલાકાતનો પણ કર્યો ઉલ્લેખ

નાગપુર : ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે નાગપુરમાં આયોજિત કાર્યકર્તા સંમેલનમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પક્ષની છબી અને વિચારધારા અંગે ચાલી રહેલા વિવાદો પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપ મુસ્લિમો કે અન્ય લઘુમતી સમુદાયોની વિરુદ્ધ છે તેવો દાવો સંપૂર્ણપણે પાયાવિહોણો અને ખોટો છે. ગડકરીએ ઉમેર્યું કે ભાજપ ભારતીય પરંપરા અને ‘વસુધૈવ કુટુંબકમ’ એટલે કે વિશ્વ કલ્યાણની ભાવનામાં અતૂટ વિશ્વાસ ધરાવે છે.
“આપણે બધા ભારતીય છીએ”
કાર્યકરોને સંબોધતા નીતિન ગડકરીએ કહ્યું કે ભાજપ ન તો જાતિવાદી છે કે ન તો સાંપ્રદાયિક. તેમણે સ્પષ્ટ કર્યું કે, “અમારી પાર્ટી માને છે કે પૂજા કરવાની રીતો અલગ હોઈ શકે છે, પરંતુ આપણી સંસ્કૃતિ, ઇતિહાસ અને વારસો એક જ છે. આપણે બધા પ્રથમ ભારતીય છીએ. વિરોધીઓ છેલ્લા ઘણા દાયકાઓથી ભાજપને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે હવે સફળ નહીં થાય.”
વાજપેયીજીનો એ ઐતિહાસિક કિસ્સો
ગડકરીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને જાવેદ અખ્તર વચ્ચેના એક ઇન્ટરવ્યુનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જ્યારે વાજપેયીજીને પૂછવામાં આવ્યું કે શું ભાજપના શાસનમાં સેક્યુલરિઝમ (ધર્મનિરપેક્ષતા) ખતરામાં છે? ત્યારે અટલજીએ જવાબ આપ્યો હતો કે ભારત હંમેશા ધર્મનિરપેક્ષ રહેશે, કારણ કે તે હિન્દુ સમુદાયની ઉદાર સંસ્કૃતિ અને સમાવેશી ઇતિહાસમાં વણાયેલું છે. ગડકરીએ વ્યાખ્યા આપતા કહ્યું કે, “સર્વધર્મ સમભાવ એ જ સાચી ધર્મનિરપેક્ષતા છે.”
ઈરાનના નેતા ખામેની સાથેની મુલાકાતની યાદો
પોતાના સંબોધનમાં ગડકરીએ ચાબહાર બંદરના કામ દરમિયાન ઈરાનના તત્કાલીન સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેની સાથેની મુલાકાતનો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે ખામેનીએ તેમને કહ્યું હતું કે ફારસી ભાષાનું મૂળ સંસ્કૃતમાં છે. એટલું જ નહીં, ખામેનીએ ગર્વ સાથે જણાવ્યું હતું કે તેમના પૂર્વજો ઉત્તર પ્રદેશના લખનૌ પાસેના એક ગામના હતા. આ ઉદાહરણ દ્વારા ગડકરીએ સાંસ્કૃતિક જોડાણની વાત પર ભાર મૂક્યો હતો.
પદ કામચલાઉ, કાર્યકર્તા કાયમી
નેતાગીરી અંગે શિખામણ આપતા ગડકરીએ કહ્યું કે, ભાજપમાં ‘કાર્યકર્તા સે નેત્રિત્વ’ની પરંપરા છે. પદ તો આજે છે અને કાલે જતું પણ રહે, તેથી પદ પર હોય ત્યારે નમ્ર રહેવું જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે પદ કામચલાઉ છે પરંતુ ‘ભાજપ કાર્યકર્તા’નું પદ કાયમી અને ગર્વ લેવા જેવું છે.
નીતિન ગડકરીના આ નિવેદને ફરી એકવાર સાબિત કર્યું છે કે ભાજપ વિકાસ અને સર્વસમાવેશકતાના એજન્ડા સાથે આગળ વધવા માંગે છે. તેમણે કાર્યકરોને આહવાન કર્યું કે ભારતને વિશ્વની મહાસત્તા બનાવવા માટે જ્ઞાતિ-ધર્મથી ઉપર ઉઠીને રાષ્ટ્રહિતમાં કામ કરવું જોઈએ.

(7:11 PM IST)