<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

ભાવનગરના રાજકારણમાં ‘૧૭૫ મિનિટનો વનવાસ’ : પૂર્વ કોર્પોરેટર સેજલબેન ગોહેલે બપોરે પંજો પકડ્યો અને સાંજ પડતા પહેલા તો કેસરીયો કરી લીધો!

પત્રકાર પરિષદમાં ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યાના ગણતરીના કલાકોમાં જ ‘હૃદય પરિવર્તન’ : લાલચમાં ભળ્યા હોવાનું કહી કોંગ્રેસનો ખેસ ઉતારી ફરી ભાજપના શરણે પહોંચ્યા!

વિપુલ હિરાણી દ્વારા, ભાવનગર: ભાવનગરના રાજકીય આલમમાં આજે એક અત્યંત હાસ્યાસ્પદ અને ચોંકાવનારી ઘટના બની હતી, જેણે રાજકીય વફાદારીના ધજાગરા ઉડાડ્યા છે. વડવા ‘બ’ વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટર સેજલબેન ગોહેલે આજે ગણતરીના કલાકોમાં પક્ષપલટાનો એવો ખેલ ખેલ્યો કે લોકો પણ અચંબે ચડી ગયા છે. બપોરે ૧૨:૦૯ વાગ્યે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા બાદ, માત્ર ત્રણ જ કલાકમાં એટલે કે ૩:૦૪ વાગ્યે તેઓ ફરીથી ભાજપમાં જોડાઈ જતા સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક-વિતર્કો અને કટાક્ષ વહેતા થયા છે.

બપોરે ભાજપ પર કર્યા હતા આકરા પ્રહારો:
આજે બપોરે કોંગ્રેસ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં સેજલબેન ગોહેલ જ્યારે કોંગ્રેસમાં જોડાયા ત્યારે તેમના તેવર જોવા જેવા હતા. તેમણે ભાજપ શાસન પર આકરા પ્રહારો કરતા જાહેરમાં જણાવ્યું હતું કે, “ભાજપમાં મહિલાઓ અને સંવિધાન સુરક્ષિત નથી.” તેમણે એવો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો કે પોતે નગરસેવિકા હોવા છતાં તેમના પર બુટલેગરોએ હુમલો કર્યો હતો, પરંતુ પક્ષ તરફથી કોઈ રક્ષણ મળ્યું નહોતું. તેમણે એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો કે જો એક લોકપ્રતિનિધિ સુરક્ષિત ન હોય, તો સામાન્ય મહિલાઓની હાલત શું હશે? તેમના વોર્ડમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવવા છતાં પક્ષે સાથ ન આપ્યો હોવાનું કહીને તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો હતો.

૩ કલાકમાં જ ‘ભૂલ’ સમજાઈ ગઈ:
જોકે, કોંગ્રેસનો ખેસ પહેર્યાના માત્ર ૧૭૫ મિનિટમાં જ સેજલબેનનું રહસ્યમય રીતે ‘હૃદય પરિવર્તન’ થયું હતું. જે પક્ષ પર બપોરે ગંભીર આક્ષેપો કર્યા હતા, તે જ પક્ષના શરણે તેઓ બપોરે ૩:૦૪ વાગ્યે પરત પહોંચ્યા હતા. ભાજપમાં ‘ઘર વાપસી’ કરતાની સાથે જ તેમના સૂર એકાએક બદલાઈ ગયા હતા. પરત ફરતા તેમણે યુ-ટર્ન લેતા જણાવ્યું કે, “મને મારી ભૂલ સમજાઈ ગઈ છે એટલે હું પરત આવી છું. મને કોંગ્રેસના આગેવાનો દ્વારા લાલચ આપીને ભરમાવવામાં આવી હતી.”

માત્ર ત્રણ કલાકના આ ટૂંકા ગાળામાં થયેલા પક્ષપલટાએ ભાવનગરના રાજકારણને સોશિયલ મીડિયામાં મજાકનું કેન્દ્ર બનાવ્યું છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે આ કોઈ ‘થ્રી અવર્સ’ ડ્રામા હતો કે પછી મોવડી મંડળના દબાણ હેઠળ લેવાયેલો નિર્ણય? હાલ તો પૂર્વ કોર્પોરેટરનો આ ‘સ્પીડ પક્ષપલટો’ ભાવનગરમાં ટોક ઓફ ટાઉન બની ગયો છે.

(7:22 PM IST)