હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સોનાની રખેવાળ જ નીકળી ભક્ષક: બેંગલુરુમાં ગોલ્ડ લોન કંપનીની મહિલા કર્મચારીએ સાથીઓ સાથે મળીને આચરી કરોડોની ઉચાપત, ૨૦૦ શાખાઓના ગીરવે મુકેલા દાગીના સગેવગે કર્યા
વર્ષ ૨૦૧૫થી કંપનીમાં વિશ્વાસપાત્ર ગણાતી મહિલાએ પરિવાર અને ૧૩ કર્મચારીઓ સાથે મળીને રચ્યું ‘ગોલ્ડન કાવતરું’; ચોરેલા સોનાની કમાણીમાંથી હોટલોમાં જલસા કર્યા અને લક્ઝરી વસ્તુઓ ખરીદી

બેંગલુરુ : બેંગલુરુમાં મુખ્ય મથક ધરાવતી એક પ્રતિષ્ઠિત ગોલ્ડ લોન કંપનીમાં ‘ઘરના જ ભેદુએ લંકા બાળી’ હોય તેવો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કંપનીના માલિકે સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચ (CCB) માં ફરિયાદ નોંધાવી છે કે, વર્ષોથી કાર્યરત એક મહિલા કર્મચારીએ તેના સહયોગીઓ અને પરિવારના સભ્યો સાથે મળીને ગ્રાહકોના ગીરવે મુકેલા સોનાની મોટા પાયે ચોરી કરી કંપનીને કરોડોનું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે.
૨૦૦ શાખાઓના સોનાનું સંચાલન કરતી હતી આરોપી મહિલા
ફરિયાદ મુજબ, મુખ્ય આરોપી મહિલા વર્ષ ૨૦૧૫ થી કંપનીમાં વફાદારીપૂર્વક કામ કરતી હતી. તેની કાબિલિયતને જોઈને કંપનીએ તેને ભારતભરની ૨૦૦ શાખાઓમાંથી મુખ્ય મથકે આવતા કિંમતી સોનાના દાગીનાના સંચાલનની મહત્વની જવાબદારી સોંપી હતી. જોકે, આ વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવીને તેણે આંતરિક નેટવર્ક ઊભું કર્યું અને પદ્ધતિસર રીતે અનેક ગ્રામ સોનાના દાગીનાની ઉચાપત શરૂ કરી દીધી.
કેવી રીતે પાર પાડ્યું કાવતરું?
આરોપીઓએ આ ચોરીને છુપાવવા માટે કંપનીના સત્તાવાર રેકોર્ડ સાથે પણ ચેડાં કર્યા હતા. શંકા છે કે કરાર પર કામ કરતા એક કેશિયર અને એટેન્ડરે સોનું બહાર કાઢવામાં મદદ કરી હતી. આ ચોરાયેલું સોનું ચિકપેટ વિસ્તારની એક સ્થાનિક સોનાની દુકાનમાં વેચી દેવામાં આવતું હતું. ત્યારબાદ મળેલી રકમને તમામ આરોપીઓ અને તેમના પરિવારના સભ્યો વચ્ચે વહેંચી દેવામાં આવતી હતી.
ચોરીના પૈસાથી લક્ઝરી લાઈફ અને પ્રોપર્ટી
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ચોરીના પૈસાનો ઉપયોગ આરોપીઓએ પોતાના વ્યક્તિગત મોજશોખ માટે કર્યો હતો. તેમણે મોંઘીદાટ લક્ઝરી વસ્તુઓ ખરીદી, આલીશાન હોટલોમાં રોકાણ કર્યું અને પ્રોપર્ટીમાં પણ રોકાણ કર્યું હોવાનું મનાય છે. સોનાના નિકાલ અને મની લોન્ડરિંગમાં કર્મચારીઓના પરિવારના સભ્યોની ભૂમિકા પણ તપાસ હેઠળ છે.
૧૩ લોકો સામે કડક કલમો હેઠળ ગુનો દાખલ
સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચે ૪ એપ્રિલના રોજ આ મામલે કુલ ૧૩ કર્મચારીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો જેવી કે ગુનાહિત કાવતરું (૬૧), વિશ્વાસનો ગુનાહિત ભંગ (૩૧૬) અને છેતરપિંડી (૩૧૮) હેઠળ કેસ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પોલીસ ચોરાયેલા સોના અને નાણાકીય વ્યવહારોને ટ્રેક કરી રહી છે અને કાવતરામાં સામેલ તમામ લોકોની ધરપકડ કરવાની દિશામાં આગળ વધી રહી છે.
આ ઘટનાએ નાણાકીય સંસ્થાઓમાં આંતરિક સુરક્ષા અને કર્મચારીઓની ચકાસણી (Background Check) અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
