<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

બેંગલુરુના ‘હાઈવે’ પર કિરણ મઝુમદાર-શોની લાલ આંખ: NH44ની બદતર હાલત જોઈ ઉદ્યોગપતિ ભડક્યા, કહ્યું – “આ તો આંખમાં દુખાવો થાય તેવી સ્થિતિ છે!”

દેશના મુખ્ય IT કોરિડોરની અવદશા બદલ નીતિન ગડકરીને કર્યા ટેગ; NHAI એ બચાવમાં ગણાવ્યા પડકારો – “રોજના ૧ લાખ મુસાફરોને કારણે જાળવણી મુશ્કેલ”

બેંગલુરુ : ભારતની સિલિકોન વેલી ગણાતા બેંગલુરુના રસ્તાઓની હાલત હવે દિગ્ગજ ઉદ્યોગપતિઓને પણ પરેશાન કરી રહી છે. બાયોકોન (Biocon) ના એક્ઝિક્યુટિવ ચેરપર્સન કિરણ મઝુમદાર-શોએ શહેરના મુખ્ય IT કોરિડોર ગણાતા NH44 (હોસુર રોડ) ની અત્યંત ખરાબ સ્થિતિ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર NHAI (નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા) ની આકરી ઝાટકણી કાઢી છે. તેમણે આ રસ્તાની ડિઝાઇન અને જાળવણીને "આંખમાં દુ:ખદ" (Eyesore) ગણાવીને તંત્ર સામે અનેક સવાલો ઉઠાવ્યા છે.
“શું આ NHAIનો ગર્વિત ટ્રેક રેકોર્ડ છે?”
કિરણ મઝુમદાર-શોએ સીધો પ્રહાર કરતા લખ્યું કે, જ્યારે NHAI સમગ્ર દેશમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વખાણ કરે છે, ત્યારે હોસુર રોડ જેવા મહત્વના માર્ગની આવી અવદશા કેમ છે? તેમણે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ટેગ કરીને ફરિયાદ કરી કે અહીંના ડિવાઈડર અને બેરિકેડ્સ ભયંકર સ્થિતિમાં છે અને રસ્તાના કિનારા (Shoulders) પણ યોગ્ય રીતે ડામરથી મઢેલા નથી. વર્ષોથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા તેમણે પૂછ્યું કે, શું NHAI ખરેખર આને પોતાનો ગર્વિત ટ્રેક રેકોર્ડ માને છે?
NHAI એ આપ્યો લૂલો બચાવ
શોની આ આકરી પોસ્ટ બાદ NHAI તુરંત સક્રિય થયું હતું અને જવાબ આપતા જણાવ્યું હતું કે, આ રોડનું આયોજન ૨૦૦૫માં થયું હતું અને ૨૦૧૦માં તે પૂર્ણ થયો હતો. ત્યારથી આ વિસ્તારમાં ઝડપી શહેરી અને ઔદ્યોગિક વિકાસ થયો છે. NHAI ના જણાવ્યા મુજબ, અત્યારે આ પટ્ટા પર દરરોજ ૧ લાખથી વધુ મુસાફરોની અવરજવર રહે છે, જેને કારણે તેની જાળવણી કરવી એક મોટો પડકાર બની ગયો છે. જોકે, તેમણે દાવો કર્યો હતો કે સમયાંતરે નવીનીકરણના કામો એપ્રિલ ૨૦૨૫ માં પૂર્ણ કરવામાં આવ્યા છે.
ટ્રાફિકની સમસ્યા હળવી કરવા નવા પ્લાન
તંત્રએ વધુમાં ઉમેર્યું કે ભીડ ઓછી કરવા અને ‘બ્લેક સ્પોટ્સ’ દૂર કરવા માટે ૪ વાહન ઓવરપાસ (VOP) બનાવવાનો પ્રસ્તાવ છે, જેમાં વીરસાન્દ્રા (બાયોકોન પાસે) નો પણ સમાવેશ થાય છે. જેમાંથી ૩ સ્થળોએ અત્યારે કામ ચાલી રહ્યું છે.
નેટિઝન્સનો પણ ફૂટ્યો રોષ
કિરણ મઝુમદાર-શોની આ પોસ્ટ પર સામાન્ય જનતાએ પણ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. યુઝર્સે લખ્યું કે, વરસાદી પાણીના નિકાલનો અભાવ અને નબળી ડિઝાઇન એન્જિનિયરો અને સરકારની નિષ્ફળતા દર્શાવે છે. લોકોએ કહ્યું કે જો સામાન્ય માણસ અવાજ ઉઠાવે તો તંત્ર સાંભળતું નથી, પણ કિરણ મેડમ જેવા દિગ્ગજોના અવાજથી કદાચ તંત્ર જાગશે તેવી આશા છે.
આમ, બેંગલુરુના હાઈવે પરની આ જંગે ફરી એકવાર સાબિત કર્યું છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મોટા દાવાઓ વચ્ચે જમીની હકીકત હજુ પણ મુસાફરો માટે હાલાકીભરી છે.

(8:36 PM IST)