હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તમિલનાડુમાં પિતા-પુત્રના કસ્ટોડિયલ ડેથના હૃદયદ્રાવક કેસમાં ૯ પોલીસકર્મીઓને ફાંસીની સજા : મદુરાઈ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
સત્તાના દુરુપયોગ અને અમાનવીય અત્યાચારના 'રેરેસ્ટ ઓફ રેર' કિસ્સામાં ઇન્સ્પેક્ટર સહિત નવ દોષિતોને મૃત્યુદંડ : લોકડાઉન દરમિયાન નિર્દોષ વેપારીઓ પર ગુજારાયેલા સિતમથી ધ્રૂજી ઉઠ્યું હતું આખું દેશ

મદુરાઈ:તમિલનાડુના તુથુકુડી જિલ્લામાં છ વર્ષ પહેલા બનેલી પિતા-પુત્રના કસ્ટોડિયલ ડેથની અત્યંત ભયાનક ઘટનામાં આજે મદુરાઈની અદાલતે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. વેપારી પી. જયરાજ અને તેમના પુત્ર જે. બેનિક્સના પોલીસ કસ્ટડીમાં થયેલા કરુણ મોતના મામલે કોર્ટે એક ઇન્સ્પેક્ટર સહિત કુલ ૯ પોલીસકર્મીઓને ફાંસીની સજા ફટકારી છે. અદાલતે આ ઘટનાને 'સત્તાનો ક્રૂર દુરુપયોગ' ગણાવી હતી અને નોંધ્યું હતું કે પિતા-પુત્ર પર ગુજારવામાં આવેલા અમાનવીય અત્યાચાર વિશે વાંચતા જ હૃદય ધ્રૂજી ઉઠે છે.
દોષિત પોલીસકર્મીઓની યાદી:
મૃત્યુદંડ મેળવનારા નવ પોલીસકર્મીઓમાં ઇન્સ્પેક્ટર શ્રીધર, સબ-ઇન્સ્પેક્ટર બાલકૃષ્ણન અને રઘુ ગણેશ તેમજ પોલીસ જવાન મુરુગન, સામદુરાઈ, મુથુરાજા, ચેલ્લાદુરાઈ, થોમસ ફ્રાન્સિસ અને વેઈલમુથુનો સમાવેશ થાય છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે તમિલનાડુમાં ઘણા પ્રમાણિક પોલીસ અધિકારીઓ છે અને આ ચુકાદાથી પોલીસ તંત્રમાં ભય પેદા નહીં થાય, પરંતુ ન્યાયનું શાસન સ્થાપિત થશે.
શું હતી સમગ્ર ઘટના?
ઘટનાની વિગત મુજબ, ૧૯ જૂન ૨૦૨૦ના રોજ લોકડાઉન દરમિયાન મોબાઈલની દુકાન ચલાવતા જયરાજ અને બેનિક્સની ધરપકડ કરવામાં આવી હતી. આરોપ હતો કે તેમણે નિર્ધારિત સમય કરતા વધુ સમય દુકાન ખુલ્લી રાખી હતી, જે પાછળથી ખોટો સાબિત થયો હતો. સાથનકુલમ પોલીસ સ્ટેશનમાં બંનેને આખી રાત પટ્ટા અને અન્ય હથિયારોથી બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો. અત્યાચાર એટલો ભયાનક હતો કે જેલમાં મોકલ્યાના ગણતરીના દિવસોમાં જ બંનેના મોત થયા હતા. સંબંધીઓએ આક્ષેપ કર્યો હતો કે બંનેને એટલી હદે મારવામાં આવ્યા હતા કે તેમને ગુપ્ત ભાગોમાં પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.
CBIની તપાસ અને પુરાવા:
મદ્રાસ હાઈકોર્ટના આદેશ બાદ આ કેસની તપાસ CBIને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન એક મહિલા કોન્સ્ટેબલની જુબાની ખૂબ મહત્વની સાબિત થઈ હતી, જેણે પુષ્ટિ કરી હતી કે પિતા-પુત્ર પર આખી રાત અત્યાચાર થયો હતો અને પોલીસ સ્ટેશનના ટેબલ તેમજ લાકડીઓ લોહીથી ખરડાયેલી હતી. જોકે, પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ડિલીટ કરીને પુરાવા નાશ કરવાનો પણ પ્રયાસ થયો હતો. પાંચ વર્ષ સુધી ચાલેલા ટ્રાયલ દરમિયાન ૧૦૦થી વધુ સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. સીબીઆઈએ આ કેસને 'રેરેસ્ટ ઓફ રેર' ગણાવીને મહત્તમ સજાની માંગ કરી હતી, જેને ગ્રાહ્ય રાખીને કોર્ટે નવે-નવ પોલીસકર્મીઓને ફાંસીના માચડે લટકાવવાનો આદેશ આપ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
