<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

ઇઝરાયેલ પર ત્રિપાંખિયો પ્રલય: ઈરાન, હુથી અને હિઝબુલ્લાહના ‘સંયુક્ત ઓપરેશન’ થી હાહાકાર

નેતન્યાહૂના કટ્ટર દુશ્મનોએ એકસાથે મિસાઇલ અને ડ્રોનનો વરસાદ કર્યો: દક્ષિણમાં હુથીઓના આત્મઘાતી ડ્રોન, ઉત્તરમાં હિઝબુલ્લાહના રોકેટ અને મધ્ય ઇઝરાયેલ પર ઈરાનની બેલિસ્ટિક મિસાઇલોએ મચાવી તબાહી : ઇલાતથી તેલ અવીવ સુધી ગુંજ્યા ભયાનક સાયરન

તેલ અવીવ:  ઇઝરાયેલની સુરક્ષા કવચ ‘આયર્ન ડોમ’ ને તોડવા માટે આજે ઈરાનના ઇશારે તેના ત્રણ સૌથી મોટા પ્રોક્સી સંગઠનોએ ‘બેક-ટુ-બેક’ હુમલા કરીને આખા દેશને યુદ્ધના મેદાનમાં ફેરવી દીધો છે. યમનમાં સક્રિય ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ આજે બપોરે દક્ષિણ ઇઝરાયેલના વ્યૂહાત્મક બંદર શહેર ઇલાત પર અત્યંત ઘાતક ક્રુઝ મિસાઇલો અને આત્મઘાતી ડ્રોન વડે હુમલો કરવાની જવાબદારી સ્વીકારી છે. હુથીઓએ દાવો કર્યો છે કે આ કોઈ સામાન્ય હુમલો નથી, પરંતુ ઈરાન અને લેબનોનના હિઝબુલ્લાહ સાથે મળીને પાર પાડવામાં આવેલું એક "સંયુક્ત ઓપરેશન" છે. ઇઝરાયેલી સંરક્ષણ દળ એ સ્વીકાર્યું છે કે ઇલાત તરફ આવતા અનેક ડ્રોનને હવામાં જ તોડી પાડવામાં આવ્યા હતા, પરંતુ કેટલાક ડ્રોન રડાર પરથી ગાયબ થઈને અજ્ઞાત સ્થળોએ ક્રેશ થયા છે, જેનાથી નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

બીજી તરફ, જ્યારે દક્ષિણમાં હુથીઓ આતંક મચાવી રહ્યા હતા, ત્યારે જ ઈરાને સીધી રીતે મેદાનમાં ઉતરીને મધ્ય ઇઝરાયેલના રહેણાંક અને લશ્કરી વિસ્તારો પર શક્તિશાળી બેલિસ્ટિક મિસાઇલોનો મારો ચલાવ્યો છે. તેલ અવીવ જેવા મહાનગરોમાં આકાશ મિસાઇલોના અજવાળાથી ભરાઈ ગયું હતું અને હજારો લોકોએ બંકરોમાં આશરો લેવાની નોબત આવી હતી. આટલું ઓછું હોય તેમ, ઉત્તરી સરહદેથી હિઝબુલ્લાહે સેંકડો રોકેટ છોડીને ઇઝરાયેલની મુશ્કેલીમાં વધારો કર્યો છે. લેબનોન સરહદે સતત વાગતા સાયરનોએ ઇઝરાયેલી જવાનોને ‘હાઈ એલર્ટ’ પર મૂકી દીધા છે. નેતન્યાહૂ સરકાર માટે આ અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર છે, કારણ કે દુશ્મનોએ એકસાથે ત્રણ દિશાઓમાંથી ઘેરો ઘાલવાની રણનીતિ અપનાવી છે.

આ સંયુક્ત હુમલા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ઇઝરાયેલના એર ડિફેન્સ લોજિસ્ટિક્સને થકવી દેવાનો અને વૈશ્વિક સ્તરે ઈરાનની તાકાત બતાવવાનો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. હુથીઓએ તેમના નિવેદનમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે ઇલાતમાં અનેક મુખ્ય લશ્કરી સ્થાપનોને નિશાન બનાવવામાં આવ્યા છે. જોકે IDF ના પ્રવક્તાએ જણાવ્યું છે કે તેમની સેના વળતો પ્રહાર કરવા માટે સજ્જ છે અને જે સ્થાનો પરથી આ હુમલા થયા છે ત્યાં ટૂંક સમયમાં જ ઈઝરાયેલની વાયુસેનાના બોમ્બનો વરસાદ થશે. હાલમાં ઇઝરાયેલના આકાશમાં યુદ્ધ વિમાનોની ગર્જના સંભળાઈ રહી છે, જે સૂચવે છે કે નેતન્યાહૂ હવે ઈરાન અને તેના સાથીઓ વિરુદ્ધ કોઈ પણ ઘડીએ 'પ્રોક્સી વોર' ના બદલે ‘ડાયરેક્ટ વોર’ ની જાહેરાત કરી શકે છે.

(10:22 PM IST)