<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

દિલ્હી વિધાનસભાની કડક સુરક્ષા વ્યવસ્થામાં મોટી ચૂક: VIP ગેટ તોડીને એક કાર ચાલક અંદર ઘૂસી ગયો

સુરક્ષાકર્મીઓ કંઈ સમજે તે પહેલાં જ કાર સવાર વ્યક્તિ સ્પીકરના રૂમ બહાર એક ગુલદસ્તો મૂકીને પલાયન થઈ ગયો હતો.

નવી દિલ્હી :દિલ્હી વિધાનસભાની કડક સુરક્ષા વ્યવસ્થામાં ગાબડું પાડતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક અજાણ્યો શખ્સ પોતાની સફેદ રંગની ટાટા સિએરા કાર સાથે વિધાનસભાનો VIP ગેટ તોડીને અંદર ઘૂસી ગયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, લેટેસ્ટ અપડેટ મુજબ દિલ્હી પોલીસે આ કાર કબજે કરી લીધી છે અને ડ્રાઈવરની અટકાયત કરીને સઘન પૂછપરછ શરૂ કરી છે.

આ સમગ્ર ઘટના બપોરે 2:05 વાગ્યે બની હતી. ઉત્તર પ્રદેશ પાસિંગની એક સફેદ ટાટા સિએરા કાર મોલ રોડ પર આવેલા અને સામાન્ય રીતે બંધ રહેતા VIP ગેટને જોરદાર ટક્કર મારીને અંદર પ્રવેશી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કાર ખૂબ જ ઝડપે અંદર આવી હતી અને થોડીવાર સુધી પરિસરમાં ફરતી રહી હતી. સુરક્ષાકર્મીઓ કંઈ સમજે તે પહેલાં જ કાર સવાર વ્યક્તિ સ્પીકરના રૂમ બહાર એક ગુલદસ્તો મૂકીને પલાયન થઈ ગયો હતો.

 

વિધાનસભાના ગેટ પર CRPF તૈનાત હોવા છતાં એક અજાણી કાર ગેટ તોડીને અંદર કેવી રીતે ઘૂસી શકે, તે એક ગંભીર પ્રશ્ન છે. સદભાગ્યે, તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીએ મૂકેલા ગુલદસ્તામાં કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુ નહોતી.

 

ઘટના બાદ દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સીસીટીવી ફૂટેજ અને કારના નંબરના આધારે તપાસ તેજ કરવામાં આવી હતી. અંતે પોલીસે કાર ટ્રેસ કરી લીધી છે અને ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હવે એ તપાસી રહી છે કે આ વ્યક્તિનો હેતુ માત્ર કોઈ સંદેશ આપવાનો હતો કે પછી આ કોઈ મોટા ષડયંત્રનો ભાગ હતો.

(9:25 PM IST)