હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાનનો અમેરિકાને જડબાતોડ જવાબ: યુદ્ધવિરામનો પ્રસ્તાવ ફગાવ્યો, યુદ્ધના કાયમી અંત માટે મૂકી ‘૧૦ આકરી શરતો’, હોર્મુઝ પર માંગ્યો પોતાનો હક
“માત્ર વિરામ નહીં, અંત જોઈએ!” – તેહરાને પાકિસ્તાન મારફતે ટ્રમ્પ વહીવટીતંત્રને મોકલ્યો ૧૦ મુદ્દાનો પ્લાન; આર્થિક પ્રતિબંધો હટાવવા અને પરમાણુ અધિકારોની માન્યતા માટે ઈરાન મક્કમ

ઈસ્લામાબાદ : પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળાઓ વચ્ચે ઈરાને અમેરિકાના યુદ્ધવિરામના પ્રસ્તાવને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલા જવાબમાં ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે કોઈ ‘કામચલાઉ’ શાંતિ ઈચ્છતું નથી, પરંતુ તેને યુદ્ધનો ‘કાયમી અંત’ જોઈએ છે. ઈરાનની સરકારી સમાચાર એજન્સી મુજબ, આ જવાબમાં ૧૦ મુખ્ય શરતોનો સમાવેશ થાય છે જે અમેરિકા માટે ગળે ઉતરવી મુશ્કેલ બની શકે છે.
હોર્મુઝ પર નિયંત્રણ અને ટોલ વસૂલવાની માંગ
ઈરાનની ૧૦ શરતોમાં સૌથી ચોંકાવનારી માંગ ‘હોર્મુઝની સામુદ્રધુની’ (Strait of Hormuz) પરના તેના સાર્વભૌમ અધિકારની છે. ઈરાને માંગ કરી છે કે આ માર્ગ પરથી પસાર થતા જહાજો પર નિયંત્રણ રાખવાનો અને તેમની પાસેથી ‘ટોલ’ વસૂલવાનો અધિકાર તેને મળવો જોઈએ. આ ઉપરાંત, ઈરાને માત્ર પોતાની સરહદો જ નહીં, પણ લેબનોન અને ગાઝામાં પણ યુદ્ધનો કાયમી અંત લાવવાની શરત મૂકી છે.
પરમાણુ અધિકાર અને આર્થિક વળતર
તેહરાને અમેરિકા સામે તમામ આર્થિક પ્રતિબંધો તાત્કાલિક હટાવવાની માંગણી દોહરાવી છે. વધુમાં, પરમાણુ અપ્રસાર સંધિ (NPT) હેઠળ યુરેનિયમ સમૃદ્ધ કરવાના તેના અધિકારની ઔપચારિક સ્વીકૃતિ અને અત્યાર સુધી થયેલા આર્થિક નુકસાન માટે વળતરની પણ માંગ કરી છે. કૈરોમાં ઈરાની રાજદ્વારી મોજતબા પોરે જણાવ્યું કે, "અમે ફરીથી હુમલો નહીં થાય તેવી લેખિત ગેરંટી ઈચ્છીએ છીએ."
ટ્રમ્પની ડેડલાઇન અને ‘ઓપરેશન એપિક ફ્યુરી’
ઈરાનનો આ જવાબ એવા સમયે આવ્યો છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની ઉર્જા મથકો અને માળખાગત સુવિધાઓ પર બોમ્બમારો કરવાની સમયમર્યાદા આપી છે. વ્હાઇટ હાઉસના અધિકારીઓ મુજબ, પાકિસ્તાન સમર્થિત આ દરખાસ્ત માત્ર એક ‘વિચાર’ છે અને ટ્રમ્પે હજુ તેના પર હસ્તાક્ષર કર્યા નથી. હાલમાં અમેરિકાનું ‘ઓપરેશન એપિક ફ્યુરી’ ચાલુ જ છે, જે ઈરાન પર દબાણ વધારી રહ્યું છે.
પાકિસ્તાન, ઇજિપ્ત અને તુર્કીની મધ્યસ્થી
આ આખા વિવાદમાં પાકિસ્તાન પડદા પાછળ રહીને ઈરાન અને અમેરિકા વચ્ચે કડી તરીકે કામ કરી રહ્યું છે. પાકિસ્તાનની સાથે ઇજિપ્ત અને તુર્કી પણ ટ્રમ્પના રાજદૂત સ્ટીવ વિટકોફ અને ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી વચ્ચે સીધો સંવાદ કરાવવા માટે સક્રિય છે.
હવે આ ૧૦ શરતો પર અમેરિકા શું વલણ અપનાવે છે, તેના પર જ વિશ્વ શાંતિનો અને તેલના ભાવોનો ભાવિ આધાર ટકેલો છે. જો વાટાઘાટો નિષ્ફળ જશે તો પશ્ચિમ એશિયામાં મોટો વિસ્ફોટ થવાની દહેશત છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
