<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

આસામમાં 'મામા'નો મેજિક યથાવત: ઓપિનિયન પોલમાં હિમંતા બિસ્વા શર્માની પ્રચંડ જીતની આગાહી

2026ની વિધાનસભા ચૂંટણી પહેલા 'વોટ વાઇબ' સર્વેમાં NDAને 92 બેઠકો સુધીની બહુમતી : ગૌરવ ગોગોઈના નેતૃત્વમાં કોંગ્રેસ હજુ પણ પાછળ, બેરોજગારી અને પૂર વચ્ચે 'અરુણોદય યોજના' ભાજપ માટે ગેમચેન્જર સાબિત થશે

ગુવાહાટી:  આસામના રાજકારણમાં ફરી એકવાર 'મામા' એટલે કે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માનો દબદબો જોવા મળી રહ્યો છે. 2026ની વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે નેટવર્ક18ના 'વોટ વાઇબ' ઓપિનિયન પોલે વિપક્ષી છાવણીમાં ચિંતા જગાવી દીધી છે. 14,247 લોકોના સેમ્પલ સાઈઝ ધરાવતા આ સર્વે મુજબ, 126 સભ્યોની વિધાનસભામાં ભાજપની આગેવાની હેઠળનું NDA ગઠબંધન 82 થી 92 બેઠકો મેળવીને ફરી સત્તાના સૂત્રો સંભાળશે તેવું જણાય છે. મુખ્યમંત્રી પદ માટે હિમંતા બિસ્વા શર્મા 47.1% મતો સાથે જનતાની પહેલી પસંદ બન્યા છે, જે દર્શાવે છે કે તેમની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી.

સર્વેના આંકડા મુજબ, ગૌરવ ગોગોઈના નેતૃત્વ હેઠળનું 'આસોમ સોનમિલીતો મોરચા' (કોંગ્રેસ ગઠબંધન) 30 થી 40 બેઠકો પર સમેટાઈ શકે છે. ગૌરવ ગોગોઈ 37.3% પસંદગી સાથે બીજા ક્રમે છે, પરંતુ મુસ્લિમ મતદારોમાં તેમનો પકડ મજબૂત હોવા છતાં, હિન્દુ અને અનુસૂચિત જાતિના મતોનું મોટા પાયે ધ્રુવીકરણ ભાજપ તરફ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ઉચ્ચ જાતિના 67.6% હિન્દુઓ હિમંતા બિસ્વા શર્માની નીતિઓ પર મહોર મારી રહ્યા છે. બીજી તરફ, બદરુદ્દીન અજમલની AIUDF માત્ર 2 થી 4 બેઠકો સુધી મર્યાદિત રહેવાની ધારણા છે, જે રાજ્યમાં બદલાતા રાજકીય સમીકરણોનો સંકેત આપે છે.

આસામી મતદારો માટે આ વખતે બેરોજગારી અને પૂર-પુનર્વસન સૌથી મોટા ચૂંટણી મુદ્દાઓ બનીને ઉભર્યા છે. જોકે, ભાજપ સરકારની 'અરુણોદય યોજના' અને ગેરકાયદેસર ઘૂસણખોરી રોકવા માટેના કડક વલણે મહિલા અને યુવા વોટ બેંકમાં ઊંડી અસર પાડી છે. લગભગ 64% મહિલાઓ માને છે કે આ કલ્યાણકારી યોજનાઓ તેમના મતદાનના નિર્ણયને પ્રભાવિત કરશે. 9 એપ્રિલ, 2026ના રોજ યોજાનારા મતદાન અને 4 મેના રોજ આવનારા પરિણામો પહેલા આ ઓપિનિયન પોલ 'મામા'ના હેટ્રિક વિજય તરફ સ્પષ્ટ ઈશારો કરી રહ્યો છે.

(10:22 PM IST)