<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

ખડગેના નિવેદનથી ત્રીજા દિવસે પણ ભારેલો અગ્નિ: ગુજરાતીઓને 'અભણ' ગણાવતા ચારેકોર ભારે રોષ

ગુજરાતની અસ્મિતા પર મોટો પ્રહાર થયાની : લાગણી; જનમાનસમાં માફીની પ્રબળ માંગ : શું દેશના ઘડવૈયાઓ અને સાહિત્યકારો પણ અભણ હતા? : વિશ્વસ્તરે ડંકો વગાડનાર ગુજરાતીઓ દ્વારા પણ માફીની માંગ

રાજકોટ: તાજેતરમાં કેરળમાં યોજાયેલી કોંગ્રેસની એક જાહેર સભામાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલા એક નિવેદનને કારણે ગુજરાતમાં ત્રીજા દિવસે પણ ભારે વિવાદ સર્જાયો છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, આ સભામાં તેઓએ ગુજરાતીઓને કથિત રીતે 'અભણ' ગણાવ્યા હતા. રાજનીતિક પ્રચાર દરમિયાન કરવામાં આવેલી આ ટિપ્પણીથી ગુજરાતીઓની લાગણી દુભાઈ છે અને તેને ગુજરાતની અસ્મિતા પરના હુમલા સમાન માનવામાં આવી રહ્યો છે.

 

લોકશાહીમાં રાજકીય પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ સામાન્ય બાબત છે, પરંતુ કોઈ ચોક્કસ રાજ્યના નાગરિકોની બૌદ્ધિક ક્ષમતા પર સવાલ ઉઠાવવાથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે કોંગ્રેસ અધ્યક્ષે રાજકીય પ્રચારમાં ભાષાકીય મર્યાદા જાળવવી જોઈએ. આ નિવેદન બાદ ગુજરાતના લોકોમાં એવી ચર્ચા જાગી છે કે જો આવી હલકી વાતો કરીને કોઈ ખુદને ભણેલા-ગણેલા માનતા હોય, તો અમે અભણ જ ભલા છીએ.

 

ખડગેના નિવેદન બાદ લોકો ગુજરાતના ઐતિહાસિક અને સાહિત્યિક વારસાને યાદ કરીને કેટલાક વેધક સવાલો કરી રહ્યા છે:

 

 * દેશને આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી (જેઓ વ્યવસાયે બૅરિસ્ટર હતા) અને દેશનું એકીકરણ કરનાર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતી જ હતા. શું આ મહાપુરુષો પણ અભણ હતા?

 

 * ગુજરાતની ધરતી નરસિંહ મહેતા, ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી અને ઉમાશંકર જોશી જેવા જ્ઞાનના સાગર સમાન સાહિત્યના વિરલાઓની ભૂમિ છે. શું આ મહાનુભાવોને પણ અભણ ગણવા?

 

આ નિવેદનની સામે લોકોએ વર્તમાન સમયના ઉદાહરણો અને રાજકીય કટાક્ષ પણ રજૂ કર્યા છે:

 

 * દેશની રાજનીતિ હોય કે પછી વૈશ્વિક ઉદ્યોગ જગત, દરેક ક્ષેત્રમાં ગુજરાતીઓનું મોટું યોગદાન અને બોલબાલા છે. તો શું વિશ્વમાં સફળતાનો ડંકો વગાડનારા આ ગુજરાતીઓ અભણ છે?

 

 * લોકોએ કોંગ્રેસ પક્ષને જ સવાલ કર્યો છે કે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ કરતા નેતાઓ પણ ગુજરાતી જ છે, તો શું તેઓ પણ અભણ છે?

 

 * લોકો દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી રહી છે કે મલ્લિકાર્જુન ખડગેજી બોલવાની મર્યાદા ચૂક્યા છે, ગુજરાતીઓ આ અપમાન સહન નહીં કરે. તેઓ તાત્કાલિક પોતાના શબ્દો પાછા ખેંચે અને ગુજરાતની માફી માંગે.

(10:36 PM IST)