<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

'45 દિવસના અસ્થાયી યુદ્ધવિરામ' નો પ્લાન નિષ્ફળ :પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરવા ટ્રમ્પનો ઇન્કાર :પાકિસ્તાનને મોટો રાજદ્વારી ફટકો

ઈરાને પણ આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો:તેહરાનનું કહેવું છે કે તેમને અસ્થાયી નહીં પણ 'કાયમી યુદ્ધવિરામ' જોઈએ છે અને તેમના હિતોનું રક્ષણ થવું જોઈએ

નવી દિલ્હી :છેલ્લા 38 દિવસોથી ચાલી રહેલા ભીષણ યુદ્ધને રોકવા માટે પાકિસ્તાન, ઈજિપ્ત અને તુર્કીએ મધ્યસ્થી તરીકે રજૂ કરેલો '45 દિવસના અસ્થાયી યુદ્ધવિરામ'નો પ્લાન નિષ્ફળ જતો જણાય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો છે.જે પાકિસ્તાન માટે એક મોટો રાજદ્વારી ઝટકો માનવામાં આવે છે.

ત્રણ મુસ્લિમ દેશો દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પ્લાનમાં બે તબક્કા હતા. પ્રથમ તબક્કામાં 45 દિવસનો યુદ્ધવિરામ અને તે દરમિયાન કાયમી શાંતિ માટે વાટાઘાટો કરવાની જોગવાઈ હતી. જો વાતચીતમાં પ્રગતિ જણાય તો આ સમયગાળો લંબાવી શકાય તેમ હતો. આ ઉપરાંત, આ સમય દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ (દરિયાઈ માર્ગ) ફરીથી ખોલવાની પણ માંગ કરવામાં આવી હતી.

 

વ્હાઇટ હાઉસના સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે આ પ્લાન પર સહી કરી નથી અને અમેરિકી સૈન્ય અભિયાન પૂરજોશમાં ચાલુ છે. ટ્રમ્પે અત્યંત આક્રમક વલણ અપનાવતા ચેતવણી આપી છે કે જો મંગળવાર સુધીમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં નહીં આવે, તો ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને બ્રિજ પર ભીષણ હુમલા કરવામાં આવશે. તેમણે મંગળવારને 'પાવર પ્લાન્ટ ડે' અને 'બ્રિજ ડે' તરીકે જાહેર કરવાની પણ ધમકી આપી છે.

 

બીજી તરફ, ઈરાને પણ આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો છે. તેહરાનનું કહેવું છે કે તેમને અસ્થાયી નહીં પણ 'કાયમી યુદ્ધવિરામ' જોઈએ છે અને તેમના હિતોનું રક્ષણ થવું જોઈએ. આમ, પાકિસ્તાન જે આ મામલે મોટો મધ્યસ્થી બનવા માંગતું હતું, તેને અમેરિકા અને ઈરાન બંને તરફથી નિરાશા સાંપડી છે. હવે આખી દુનિયાની નજર મંગળવારની ડેડલાઈન અને ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સ પર ટકેલી છે.

(11:12 PM IST)