<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ હવે સીધું વેનેઝુએલા પાસેથી 20 લાખ બેરલ ક્રુડ ઓઈલની ખરીદી કરશે

કંપનીએ ફેબ્રુઆરી 2026માં અમેરિકાની સરકાર પાસેથી એક વિશેષ જનરલ લાઈસન્સ પ્રાપ્ત કર્યુ: હવે રિલાયન્સ અમેરિકાના પ્રતિબંધનો ડર રાખ્યા વગર વેનેઝુએલા પાસેથી સીધા જ ક્રુડ ઓઈલની ખરીદી, નિકાસ તથા રિફાઈન કરી શકે

નવી દિલ્હી :દેશના સૌથી સમૃદ્ધ વ્યક્તિ મુકેશ આંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ વેનેઝુએલા પાસેથી સીધા જ ક્રુડ ઓઈલની ખરીદીની દિશામાં એક મહત્વનું પગલું ભર્યું છે.

રોયટર્સના અહેવાલ પ્રમાણે રિલાયન્સના એક યુનિટ ત્યાંની સરકારી ઓઈલ કંપની પેટ્રોલિયોસ ડી વેનેઝુએલા SA (Reliance PDVSA Oil Purchase) પાસેથી આશરે 20 લાખ બેરલ ક્રુડ ઓઈલની ખેપ લોડ કરી રહી છે. શિપિંડ ડેટા અને કંપનીના દસ્તાવેજોમાંથી સોમવારે આ અંગે મહત્વની માહિતી મળી હતી.

આ ડિલ રિલાયન્સ માટે એટલા માટે શક્ય બની કારણ કે કંપનીએ ફેબ્રુઆરી 2026માં અમેરિકાની સરકાર પાસેથી એક વિશેષ જનરલ લાઈસન્સ પ્રાપ્ત કર્યું હતું. રિલાયન્સે આ માટે જાન્યુઆરીની શરૂઆતમાં અરજી કરી હતી. આ લાઈસન્સની મંજૂરી બાદ હવે રિલાયન્સ અમેરિકાના પ્રતિબંધનો ડર રાખ્યા વગર વેનેઝુએલા પાસેથી સીધા જ ક્રુડ ઓઈલની ખરીદી, નિકાસ તથા રિફાઈન કરી શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા પ્રતિબંધો હળવા કર્યા પછી વેનેઝુએલાના ઊર્જા ક્ષેત્રમાં આ નરમાઈ આવી છે. અગાઉ વેનેઝુએલાથી ક્રુડ ઓઈલ ખરીદવું એક જટિલ અને જોખમી વ્યવસાય હતો પરંતુ નવી નીતિએ ભારતીય કંપનીઓ માટે દરવાજા ખોલી નાખ્યા છે.

નિષ્ણાતો માને છે કે રિલાયન્સની વ્યૂહરચના પાછળ બે મુખ્ય કારણો છે:

પુરવઠા વૈવિધ્યકરણ: રિલાયન્સ હવે તેના ક્રૂડ ઓઇલ માટે ફક્ત એક કે બે દેશો પર નિર્ભર રહેશે નહીં.
રશિયન ઓઈલ વિકલ્પ: એવું માનવામાં આવે છે કે રિલાયન્સ રશિયન ઓઈલ કે જે હાલમાં ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે તેને વેનેઝુએલાના ભારે ક્રૂડ ઓઇલથી વૈકલ્પિક બનાવી શકાશે.

એકંદરે વેનેઝુએલા સાથેનો આ નવો ક્રુડ ઓઈલનો સોદો રિલાયન્સની રિફાઇનિંગ ક્ષમતાને વધુ મજબૂત બનાવશે અને ભારતની ઉર્જા જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરશે.

(11:47 PM IST)