News of Tuesday, 7th April 2026
સા.અરેબિયાનાં પાપે પેટ્રોલ-ડિઝલ મોંઘા થવાનાં એંધાણ
ક્રુડ ઓઇલ મામલે સાઉદી અરેબિયાની ‘‘દગાબાજી'': ગરજનો લાભઃ ક્રુડનો ભાવ ૮ થી ૧૦ ગણો વધારી દીધો : સાઉદી અરેબિયાની સૌથી મોટી કંપની ‘‘અરામકો'' એ અચાનક પ્રીમીયમમાં ૮ થી ૧૦ ગણો વધારો ઝીંકી દેતા ક્રુડ બેરલ દીઠ ૧૫ થી ૨૦ ડોલર મોંઘુ થઇ જશેઃ ભારત ઉપર માઠી અસર થશે

નવી દિલ્હી તા.૭: ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર વધારો થયો છે, જે પ્રતિ બેરલડોલર ૧૨૦ સુધી પહોંચી ગયો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં આ વધારો વિશ્વભરમાં ફુગાવાનું કારણ બની રહ્યો છે. દરમિયાન, સાઉદી અરેબિયાએ વિશ્વના માથાનો દુખાવો વધુ વધાર્યો છે. હકીકતમાં, બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, હોર્મુઝ સ્ટ્રેટમાં વિક્ષેપોને કારણે વૈશ્વિક ઉર્જા બજારોમાં અસ્થિરતાના પ્રતિભાવમાં સાઉદી અરેબિયાએ એશિયન ખરીદદારો માટે તેના મુખ્ય ક્રૂડ ઓઈલના ભાવ રેકોર્ડ પ્રીમિયમ પર વધાર્યા છે.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, સરકારી માલિકીની સાઉદી અરામકો મે મહિનામાં એશિયન રિફાઇનરોને વેચાણ માટે તેના આરબ લાઇટ ક્રૂડનો ભાવ ડોલર ૧૯.૫૦ પ્રતિ બેરલ રાખશે, જે પ્રાદેશિક બેન્ચમાર્ક કરતાં વધુ છે. અહેવાલમાં ભાવ સૂચિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રેકોર્ડ-ઉચ્ચ પ્રીમિયમ હોવા છતાં, તે હજુ પણ બ્લૂમબર્ગ દ્વારા સર્વે કરાયેલા વેપારીઓ અને રિફાઇનર્સ દ્વારા અંદાજિત ડોલર ૪૦ પ્રતિ બેરલ સ્તરથી નીચે છે.
વિશ્વ હાલમાં ગંભીર ઉર્જા સંકટની અણી પર છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે વધતા તણાવે હવે વિનાશક વળાંક લીધો છે, જેની સીધી અસર વૈશ્વિક તેલ બજાર પર પડી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની સંભાવના અને તેલ ઉત્પાદક દેશોના સંઘર્ષમાં સામેલ થવાને કારણે ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ષ્વ્ત્ ક્રૂડ ઓઇલ ડોલર ૧૧૫ પ્રતિ બેરલ અને બ્રેન્ટ ક્રૂડ ડોલર ૧૧૨ પ્રતિ બેરલને વટાવી ગયું છે. આ યુદ્ધ અને તેલ સંકટ વચ્ચે, સાઉદી અરેબિયાથી વધુ એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. વિશ્વની સૌથી મોટી તેલ કંપની સાઉદી અરામકોએ એશિયન ખરીદદારો માટે તેના ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જેનાથી ભારત જેવા મુખ્ય આયાતકાર દેશોમાં ચિંતા વધી છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાને કારણે પહેલાથી જ તેલ-ગેસની આવક ખોરવાઈ છે. હવે સાઉદી અરેબિયાએ ચુપકેથી આટલી મોટી રમત રમી છે, જે ભારતની ચિતા વધારનારી છે. સાઉદીની સૌથી મોટી કંપની આરામકોએ આવતા મહિના, એટલે કે મે માટે ક્રૂડ ઓઈલની કિમતોમાં ૧૦ ગણો વધારો કરી દીધો છે. ભારત જેવા એશિયાઈ દેશોએ આ પ્રીમિયમ ૮ ગણું આપવું પડશે, જ્યારે યુરોપિયન દેશોએ ૧૦ ગણું ચૂકવવું પડશે, તો જ તેમને તેલ મળશે.
ક્રૂડ ઓઈલની કિમત બે ભાગથી બને છે. એક રેફરન્સ રેટ (જેમ કે બ્રન્ટ ક્રૂડ અથવા દુબઈ-ઓમાનની સરેરાશ કિમત) અને બીજું પ્રીમિયમ. આ પ્રીમિયમ તેલ ઉત્પાદક દેશો પોતાની પડતર અને માગના આધારે ઉમેરે છે. બીબીસી ફારસીના રિપોર્ટ મુજબ, સાઉદી કંપની આરામકોએ ફયુચર ડીલ માટે નવો પ્રીમિયમ રેટ જાહેર કર્યો છે.
એપ્રિલ મહિનામાં ભારત જેવા એશિયાઈ દેશોને મળતા સાઉદી લાઈટ ક્રૂડ પર આ વધારાની કિમત ૨.૫ ડોલર પ્રતિ બેરલ હતી. હવે મે માટે તેને વધારીને સીધી ૧૯.૫ ડોલર પ્રતિ બેરલ કરી દેવામાં આવી છે, એટલે કે સીધો ૮ ગણો વધારો.
ઈરાન યુદ્ધને કારણે હોર્મુઝ બંધ થઈ ચૂક્યું છે. ઈરાક, કુવૈત, બહેરીન અને કતાર જેવા દેશો પોતાનું તેલ વેચી શકતા નથી, પરંતુ સાઉદી અરેબિયા પાસે ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન છે, જેનાથી તે અખાતને બદલે લાલ સમુદ્રના માર્ગે પોતાનું તેલ દુનિયાને વેચી રહ્યું છે. સપ્લાય ઓછી છે અને માગ વધારે, આ તકનો લાભ લઈને સાઉદી અરેબિયા નફાખોરીમાં લાગી ગયું છે.
સાઉદી અરેબિયા ભારતનો બીજો સૌથી મોટો તેલ સપ્લાયર છે. ભારત પોતાની કુલ તેલની જરૂરિયાતનો અંદાજે ૧૫% થી ૧૮% હિસ્સો એકલા સાઉદી અરેબિયા પાસેથી લે છે. ભારત દરરોજ સાઉદી અરેબિયા પાસેથી અંદાજે ૧૦ લાખથી ૧૧ લાખ બેરલ ક્રૂડ ઓઈલ ખરીદે છે.
જો આ વધારો ચૂકવવો પડે, તો ભારતીય રિફાઈનિગ કંપનીઓ જેવી કે IOCL, BPCL, HPCLને ક્રૂડ ઓઈલ ખૂબ મોંઘું પડશે. જો ક્રૂડ ઓઈલ ૧૫-૨૦ ડોલર પ્રતિ બેરલ મોંઘું થાય, તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિમતોમાં પ્રતિ લિટર ૧૦થી ૧૫ રૂપિયા સુધીનો વધારો થવાની આશંકા છે.
જ્યારે ડીઝલ મોંઘું થાય છે, ત્યારે ફળ, શાકભાજી, અનાજ અને ફેક્ટરીમાં બનેલી ચીજવસ્તુઓના પરિવહનનો ખર્ચ વધી જાય છે, અને આ વધારો ખાદ્યપદાર્થોને વધુ મોંઘા કરી શકે છે.
તેલ મોંઘું થવાને કારણે ભારતની તિજોરીમાંથી વધુ ડોલર બહાર જશે, જેનાથી વેપાર ખાધ વધશે અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થઈ શકે છે.
ભારતીય રિફાઈનરી કંપનીઓના ગ્રોસ રિફાઈનિગ માર્જિન ઘટી શકે છે, જેની અસર શેરબજારમાં તેમના શેર પર જોવા મળી શકે છે.
ભારત હવે રશિયા પાસેથી વધુ માત્રામાં સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદવાનો પ્રયાસ કરશે. રશિયાએ ભારતને અનલિમિટેડ સપ્લાયનો ભરોસો આપ્યો છે.
ભારત પોતાના ભૂગર્ભ તેલ ભંડારોમાંથી તેલ કાઢી શકે છે, જેથી કિમતો અચાનક ન વધે.
સરકાર ઘરોમાં ગેસ અને તેલ પરની નિર્ભરતા ઘટાડવા માટે ઇન્ડક્શન કુકટોપ અને સોલર એનર્જીને યુદ્ધના ધોરણે પ્રોત્સાહન આપી રહી છે.
શક્ય છે કે વડાપ્રધાન મોદી સીધી સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે વાત કરીને ભારત માટે વિશેષ રાહત માગે.
ભારતની રિફાઈનરીઓ સાઉદી લાઈટ ક્રૂડ મુજબ ડિઝાઇન કરવામાં આવી છે. આ તેલ રિફાઈન કરવામાં સરળ હોય છે અને તેમાંથી પેટ્રોલ-ડીઝલ વધુ માત્રામાં નીકળે છે. વધુમાં, સાઉદી અરેબિયાથી તેલ આવવામાં માત્ર ૪-૫ દિવસ લાગે છે, જ્યારે રશિયા કે અમેરિકાથી તેલ આવવામાં અઠવાડિયા લાગે છે. સંકટના સમયે ઝડપી સપ્લાયની ગેરંટી માત્ર સાઉદી જ આપી શકે છે, કારણ કે તેની પાસે ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન છે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
