News of Tuesday, 7th April 2026
પતિ ગુમ થતાં સાસુએ દિયર સાથે લગ્ન કરાવી દીધા, હવે ૨૫ વર્ષે પાછો આવ્યો દીકરો, પત્ની ટેન્શનમાં આવી
છેલ્લા ૨૨ વર્ષથી વિમલા પોતાના દિયર સુખા સાથે ગૃહસ્થી વસાવી ચૂકી છેઃ ત્રણ સંતાનો પણ છે અને એક દીકરીના લગ્ન પણ થઈ ચૂક્યા છેઃ પહેલો પતિ પાછો આવી જતાં, વિમલા ખુશ થાય કે શું કરે, તેને ખુદને સમજાતું નથી

બિઝનોર તા.૭: ઉત્તર પ્રદેશના બિઝનોર જિલ્લામાંથી એક એવા સમાચાર આવ્યા છે, જેને સાંભળી સૌ કોઈ ચોંકી ગયા. અહીં નહટૌર ગામમાં પોલીસે એક એવા શખ્સને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું, જે છેલ્લા ૨૫ વર્ષથી ગુમ હતો. પંજાબનો રહેવાસી આ શખ્સ જ્યારે નહટૌરની બજારમાં બેસુદ્ધ અવસ્થામાં દેખાયો ત્યારે કોઈને પણ અંદાજો નહોતો કે તેની પાછળ વિયોગ અને વિવશતાની આટલી લાંબી કહાની છુપાયેલી હશે.
ત્રણ દિવસ પહેલા નહટૌરની નવી બજારમાં ફાટેલા કપડાં અને વધેલી દાઢી સાથે એક આધેડ શખ્સને ફરતા જોઈ સ્થાનિક લોકોએ પોલીસને સૂચના આપી. પોલીસ પ્રભારી રવિન્દ્ર પ્રતાપ સિહે જ્યારે આ વ્યક્તિને પ્રેમથી પૂછ્યું તો તેણે તૂટેલી-ફૂટેલી ભાષામાં પોતાનું નામ હંસા સિહ અને ઘરનું સરનામું પંજાબના કપૂરથલા જિલ્લાના શિવદયાલવાલા ગામ બતાવ્યું.
પોલીસે ગૂગલ અને પંજાબી જાણકારોની મદદથી એક પછી એક કડી જોડી અને પંજાબ પોલીસનો સંપર્ક કર્યો. ૭૨ કલાકની અંદર હંસા સિહના ભાઈ અને ગામના સરપંચ નહટૌર પહોંચી ગયા. શરૂઆતમાં તો ભાઈ પણ ઓળખી શક્યો નહીં. પણ જ્યારે હંસાએ બાળપણની વાતો અને નામ બતાવ્યા, તો સૌની આંખોમાં આંસુ આવી ગયા. હંસા સિંહના મળવાથી જેટલી ખુશી થઈ, તેનાથી વધારે મામલો ગૂંચવાઈ ગયો.
હંસા તેના લગ્નના માત્ર બે વર્ષમાં ગુમ થઈ ગયો હતો. પરિવારે ત્રણ વર્ષ સુધી રાહ જોઈ અને પછી હંસાને મૃત માની તેની પત્ની વિમલા દેવીના લગ્ન હંસાના નાના ભાઈ સુખા સિહ સાથે કરાવી દીધા. છેલ્લા ૨૨ વર્ષથી વિમલા પોતાના દિયર સુખા સાથે ગૃહસ્થી વસાવી ચૂકી છે. તેમને ત્રણ સંતાનો પણ છે અને એક દીકરીના લગ્ન પણ થઈ ચૂક્યા છે. આવા સમયે પહેલો પતિ પાછો આવી જતાં, વિમલા ખુશ થાય કે શું કરે, તેને ખુદને સમજાતું નથી.
વળી નહટૌર પોલીસની આ ઉપલબ્ધિની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. જે વ્યક્તિને લોકો ભિખારી સમજી રહ્યા હતા, પોલીસે તેને નવડાવ્યો, નવા કપડાં પહેરાવ્યા અને કલાકો સુધી વાતો કરી તેની યાદશક્તિ ખંગાળી. હંસાની વૃદ્ધ માતા જટ્ટો કૌરે ફોન પર દીકરાનો અવાજ સાંભળી ભાવુક થઈ ગયા. તેમણે રડતા કહ્યું કે મર્યા પહેલાં દીકરો મળી ગયો. હવે શાંતિથી મરી શકીશ. હાલમાં, હંસા સિંહ પોતાના પરિવાર સાથે પંજાબ રવાના થઈ ગયા છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
