<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

પ્‍લાસ્‍ટિકના પેકેટમાં વેચાતી વસ્‍તુઓમાં સૂક્ષ્મ કણો હોવાની ચેતવણી છાપવામાં કંઈ ખોટું નથીઃ સુપ્રિમ

પાણી, ખાંડ, મીઠાંના પેકેટ પર લાલ અક્ષરમાં ચેતવણી છાપવાના હાઈકોર્ટના આદેશને બહાલી

નવી દિલ્‍હી,તા.૦૭: પ્‍લાસ્‍ટિક/પેટ બોટલ્‍સમાં વેચાતું પાણી તથા પ્‍લાસ્‍ટિકનું પેકેજિગ ધરાવતાં ખાંડ અને મીઠાં જેવા ખાદ્ય પદાર્થોમાં માઈક્રો/નેનો પ્‍લાસ્‍ટિક્‍સ હોઈ શકે છે તેવી ચેતવણી લખવાના મદ્રાસ હાઈકોર્ટના આદેશમાં કોઈ દરમિયાનગીરી કરવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટના જાસ્‍ટિસ વિક્રમ નાથ તથા સંદીપ મહેતાની બેન્‍ચે આ મામલાની સુનાવણી દરમિયાન સ્‍પષ્ટ જણાવ્‍યું હતું કે, આવા પેકેજિગ ધરાવતાં ખાદ્ય પદાર્થો કેપાણીની બોટલ્‍સ પર ચેતવણી દર્શાવવામાં કંઈ જ ખોટું નથી. પીઈટી પેકેજિગ એસોસિયેશન ફોર ક્‍લીન એન્‍વાયર્નમેન્‍ટ દ્વારા મદ્રાસ હાઈકોર્ટે આપેલાં ફેબ્રુઆરી, ૨૦૨૬ના ચુકાદાને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન બેન્‍ચે વધુમાં જણાવ્‍યું હતું કે, સરકાર ભલે આ મામલે ચોક્કસ નિર્દેશો આપવામાં કે કોઈ નીતિ જાહેર કરવામાં ઠાગાઠયાં કરતી હોય પરંતુ આ મુદ્દે હાઈકોર્ટનું વલણ અત્‍યંત સ્‍પષ્ટ છે, કારણકે અનેક રિપોર્ટ્‍સમાં માઈક્રોપ્‍લાસ્‍ટિક્‍સની હાજરી એટલે કે પ્‍લાસ્‍ટિક્‍સના સૂક્ષ્મ કણો હોવાનું જણાવાયું છે. આથી લોકોમાં પણ આ મુદ્દે જાગરુકતા ફેલાય તે જરૂરી છે. ગ્રાહકોએ ઘણાં સમયથી, પાણીની બોટલ્‍સ સહિતની ચીજ-વસ્‍તુઓમાં પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ ઘણો ઓછો કરી દીધો છે.

જોકે, એસોસિયેશનના વકીલે દલીલ કરતાં જણાવ્‍યું હતું કે, આવી ચેતવણી છાપવાથી લોકોમાં ભય ફેલાશે. જેના જવાબમાં જસ્‍ટિસ વિક્રમ નાથે જણાવ્‍યું હતું કે, લોકો પ્‍લાસ્‍ટિક બોટલનો ઉપયોગ ઘટાડી રહ્યાં છે. ચેતવણી છાપવામાં કંઈ જ ખોટું નથી. પોતાના ચુકાદામાં મદ્રાસ હાઈકોર્ટે ફૂડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ્‍સ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા (એફએસએસ એઆઈ) તથા અન્‍યોને પાણીનું વેચાણ થતું હોય તેવી તમામ પ્‍લાસ્‍ટિક/પેટ (પોલિઈથિલિન ટેરેફથેલેટ) બોટલ્‍સ પર ઘાટ્ટા લાલ રંગમાં એવી ચેતવણી લખવા નિર્દેશ આપ્‍યો હતો કે આ પાણીમાં માઈક્રો નેનો પ્‍લાસ્‍ટિક્‍સ હોઈ શકે છે. આ ઉપરાંત પ્‍લાસ્‍ટિકના પેકેજિગ મટીરિયલ્‍સમાં ખાંડ અને મીઠાંનું વેચાણ કરતાં પેકેટ્‍સ પર પણ આવી જ ચેતવણી લખવાનો આદેશ આપ્‍યો હતો. 

 

(10:15 AM IST)