હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

બેંગ્લોર: ભારતીય સંસ્કૃતિ અને સનાતન મૂલ્યોના સંરક્ષણ માટે સમર્પિત દેશની સર્વોચ્ચ ધાર્મિક સંસ્થા 'હિન્દુ ધર્મ આચાર્ય સભા'નું નવમું અધિવેશન કર્ણાટકની રાજધાની બેંગ્લોર ખાતે આદિ ચૂનચૂનગિરિ મઠના આતિથ્યમાં ભવ્ય રીતે સંપન્ન થયું. આ ઐતિહાસિક સંમેલનમાં ભારતભરના વિવિધ સંપ્રદાયોના ૯૦ જેટલા અગ્રણી ધર્માચાર્યોએ એક મંચ પર ઉપસ્થિત રહીને સનાતન ધર્મની અતૂટ એકતાના દર્શન કરાવ્યા હતા. પૂજ્ય નિર્મળાનંદનાથજી મહારાજના યજમાનપદે યોજાયેલા આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજી ભાગવત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને વી.એચ.પી.ના અધ્યક્ષ આલોકજીએ પણ વિશેષ હાજરી આપી રાષ્ટ્રહિતના વિષયો પર ગહન ચર્ચા કરી હતી.
અધિવેશનના મુખ્ય એજન્ડામાં દેશના લાખો મઠ-મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરાવવા અને નવી શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે સુદર્શન ટીવીના સુરેશજીએ દેશની બદલાતી વસ્તીવિષયક સ્થિતિ (ડેમોગ્રાફી) અંગે આંકડાકીય વિગતો રજૂ કરી સંતોને સાવધ કર્યા હતા. ગુજરાતની ધર્મધરાનું પ્રતિનિધિત્વ કરતા જામનગરના કૃષ્ણમણીજી મહારાજ, એસ.જી.વી.પી.ના માધવપ્રિયદાસજી સ્વામી અને દ્વારકેશલાલજી મહારાજ જેવા સમર્થ સંતોએ પણ આ વૈચારિક મંથનમાં સક્રિય ફાળો આપી સનાતન સંસ્કૃતિના જતન માટે હૂંકાર કર્યો હતો.
સંમેલનનો સૌથી સંવેદનશીલ અને હૃદયસ્પર્શી પ્રસંગ ‘ધ કેરલા સ્ટોરી’ની અભિનેત્રીઓ અને લવ જેહાદનો ભોગ બનેલી દીકરીઓની આપવીતીનો રહ્યો હતો. તેમની વેદના સાંભળીને ઉપસ્થિત તમામ ધર્માચાર્યોએ હિન્દુ દીકરીઓની સુરક્ષા અને ‘ઘરવાપસી’ના અભિયાનને વેગ આપવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધીના તમામ આચાર્યોએ પોતાના વ્યક્તિગત પ્રોટોકોલ ત્યજીને સનાતની એકતાનો જે સંદેશ વહેતો કર્યો છે, તે આગામી સમયમાં રાષ્ટ્રીય સમસ્યાઓના નિરાકરણ માટે માર્ગદર્શક સાબિત થશે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM