<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

ગુજરાત ભાજપની રણનીતિ : વયમર્યાદા અને ટર્મનું કડક શાસન

૬૦ વર્ષથી વધુ ઉંમરના અને ૩ ટર્મ લડેલા નેતાઓની ટિકિટ પર મુકાશે કાતર : યુવાઓને અપાશે પ્રાધાન્ય

રાજકોટ: આગામી ચૂંટણીઓને અનુલક્ષીને આજે ભાજપના ઉચ્ચ નેતૃત્વ અને સંકલન સમિતિની મહત્વની બેઠક મળી રહી છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બેઠકમાં પક્ષના સંગઠનમાં ધરખમ ફેરફાર અને ઉમેદવારોની પસંદગી માટે અત્યંત કડક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. પક્ષે આગામી ચૂંટણીમાં ‘નવા લોહી’ ને પ્રાધાન્ય આપવા અને પરિવારવાદ પર અંકુશ મેળવવા માટે મોટું સાહસ ખેડ્યું હોય તેમ જણાય છે.

ટીકિટ વિતરણના નવા અને કડક નિયમો:
ચૂંટણી સંકલન બેઠકમાં જે મહત્વના નિર્ણયો લેવાયા છે તેમાં મુખ્યત્વે વયમર્યાદા અને અનુભવના આધારે ટિકિટ આપવાની રણનીતિ સ્પષ્ટ દેખાઈ રહી છે:
 * ૬૦ પ્લસની નિવૃત્તિ: હવે ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા નેતાઓને ટિકિટ આપવામાં નહીં આવે તેવી શક્યતા છે.
 * ૩ ટર્મની મર્યાદા: જે નેતાઓએ અગાઉ સતત ત્રણ ટર્મ સુધી ચૂંટણી લડી છે, તેમને હવે ઉમેદવારી માટે અપાત્ર ગણવામાં આવશે.
 * પરિવારવાદ પર બ્રેક: જો કોઈ નેતાના પરિવારના સભ્યએ પણ અગાઉ ચૂંટણી લડી હશે, તો તેમની ટર્મને પણ આ ૩ ટર્મની મર્યાદામાં જ ગણવામાં આવશે. આમ, એક જ પરિવારમાંથી વારંવાર ટિકિટ મેળવતા લોકો માટે હવે રસ્તો મુશ્કેલ બનશે.

નો રિપીટ થીયરીમાં આંશિક રાહ? સૂત્રોના જણાવ્યા અનુસાર, પક્ષે આ વખતે સંપૂર્ણ ‘નો રિપીટ થીયરી’ અમલમાં મૂકી નથી, પરંતુ યુવા કાર્યકરો અને જમીની સ્તરના નેતાઓને મેદાનમાં ઉતારીને નવા નેતૃત્વને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ નવા માપદંડોને કારણે પક્ષના અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાઈ શકે છે, જેને લઈને રાજકીય આલમમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ નિર્ણયો આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારો લાવશે તે નિશ્ચિત છે.

(1:38 PM IST)