<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના ફફડાટ વચ્ચે એર ઈન્ડિયાનો ઝટકો : સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સના ભાડામાં ધરખમ વધારો

વૈશ્વિક બજારમાં એવિએશન ફ્યુઅલના ભાવ બમણા થતા ઈંધણ સરચાર્જમાં કરાયો ફેરફાર : વિદેશ પ્રવાસ માટે મુસાફરોએ હવે ૨૮૦ ડોલર સુધીનો વધારાનો બોજ સહન કરવો પડશે

નવી દિલ્હી: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા તણાવ અને યુદ્ધની ભીતિને કારણે વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં લાગેલી આગની અસર હવે સીધી હવાઈ મુસાફરો પર પડી રહી છે. એર ઈન્ડિયાએ વૈશ્વિક સ્તરે જેટ ફ્યુઅલના ભાવમાં થયેલા તીવ્ર વધારાને પગલે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર 'ફ્યુઅલ સરચાર્જ'ના દરોમાં સુધારો કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. નવા દરો ૮ એપ્રિલ ૨૦૨૬થી અમલમાં આવશે, જ્યારે પસંદગીના આંતરરાષ્ટ્રીય રૂટ માટે ૧૦ એપ્રિલથી ફેરફાર લાગુ થશે.

જેટ ફ્યુઅલના ભાવમાં તોતિંગ વધારો:
ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) ના ડેટા મુજબ, ફેબ્રુઆરીના અંતમાં જેટ ફ્યુઅલનો ભાવ પ્રતિ બેરલ ૯૯.૪૦ ડોલર હતો, જે માર્ચના અંત સુધીમાં વધીને ૧૯૫.૧૯ ડોલર પર પહોંચી ગયો છે. આમ, ટૂંકા ગાળામાં ભાવ લગભગ બમણા થઈ જતા એરલાઈન્સ પર ખર્ચનું ભારે દબાણ વધ્યું છે.

સ્થાનિક ફ્લાઈટ્સ માટે અંતર મુજબનો સરચાર્જ:
સ્થાનિક રૂટ પર અત્યાર સુધી ફ્લેટ સરચાર્જ વસૂલવામાં આવતો હતો, પરંતુ હવે એર ઈન્ડિયાએ અંતરના આધારે નવું માળખું અમલમાં મૂક્યું છે. આ ફેરફાર એર ઈન્ડિયા એક્સપ્રેસ સહિત આખા ગ્રુપમાં લાગુ પડશે:
 * ૫૦૦ કિમી સુધી: ૨૯૯ રૂપિયા
 * ૫૦૧ થી ૧૦૦૦ કિમી: ૩૯૯ રૂપિયા
 * ૧૦૦૧ થી ૧૫૦૦ કિમી: ૫૪૯ રૂપિયા
 * ૧૫૦૧ થી ૨૦૦૦ કિમી: ૭૪૯ રૂપિયા
 * ૨૦૦૦ કિમીથી વધુ: ૮૯૯ રૂપિયા

આંતરરાષ્ટ્રીય રૂટ પર મોટો આર્થિક બોજ:
વિદેશી રૂટ પર ઈંધણના ભાવ પર કોઈ સરકારી અંકુશ ન હોવાથી ત્યાં સરચાર્જમાં મોટો વધારો જોવા મળ્યો છે. અલગ-અલગ ક્ષેત્રો માટેના દરો નીચે મુજબ છે:
 * સાર્ક (SAARC) દેશો: ૨૪ ડોલર
 * પશ્ચિમ એશિયા / મધ્ય પૂર્વ: ૫૦ ડોલર
 * સિંગાપોર: ૬૦ ડોલર
 * દક્ષિણ-પૂર્વ એશિયા (સિંગાપોર સિવાય): ૧૦૦ ડોલર
 * આફ્રિકા: ૧૩૦ ડોલર
 * યુરોપ અને બ્રિટન: ૨૦૫ ડોલર
 * ઉત્તર અમેરિકા અને ઓસ્ટ્રેલિયા: ૨૮૦ ડોલર

એરલાઈન્સના જણાવ્યા અનુસાર, અસરકારક તારીખ પહેલા ઈશ્યુ થયેલી ટિકિટો પર આ વધારો લાગુ પડશે નહીં, સિવાય કે મુસાફર તેમની મુસાફરીમાં ફેરફાર કરે અને ભાડાની ફરીથી ગણતરી કરવી પડે. એર ઈન્ડિયાએ વધુમાં જણાવ્યું કે આ સરચાર્જ વધતા ઈંધણના ખર્ચને સંપૂર્ણપણે સરભર કરતો નથી અને પક્ષ હજુ પણ અમુક હિસ્સો પોતે સહન કરી રહ્યો છે. આ દરોની સમય-સમય પર બજારની સ્થિતિ મુજબ સમીક્ષા કરવામાં આવશે.

(1:38 PM IST)