હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાન-અમેરિકા યુદ્ધની અસરો વચ્ચે પાકિસ્તાનમાં ‘લોકડાઉન’ જેવી સ્થિતિ : શહેબાઝ શરીફ સરકારે રાત્રે 8 વાગ્યાથી બજારો બંધ કરવાનો લીધો નિર્ણય
હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં સર્જાયેલી ઇંધણની કટોકટી વચ્ચે વીજળી અને સંસાધનો બચાવવા આકરા પગલાં : પંજાબ, ઇસ્લામાબાદ અને બલૂચિસ્તાન સહિતના પ્રાંતોમાં મોડી રાતના લગ્ન સમારોહ અને જાહેર કાર્યક્રમો પર પણ પ્રતિબંધ

ઈસ્લામાબાદ: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે દક્ષિણ એશિયાઈ દેશોમાં આર્થિક અને સંસાધનોની કટોકટી ઘેરી બની રહી છે. ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવામાં આવતા પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના પુરવઠા પર માઠી અસર પડી છે. ભારત, નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશો આ સંકટનો સામનો કરવા વિવિધ ઉપાયો કરી રહ્યા છે, ત્યારે પાકિસ્તાનની હાલત વધુ કફોડી બની છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા વડાપ્રધાન શહેબાઝ શરીફે ઉચ્ચ સ્તરીય બેઠક બાદ પાકિસ્તાનના અનેક રાજ્યોમાં રાત્રિ દરમિયાન લોકડાઉન જેવી પાબંદીઓ લાદવાની જાહેરાત કરી છે.
બજારો અને શોપિંગ મોલ્સ માટે રાત્રે 8 વાગ્યાની ડેડલાઇન:
પાકિસ્તાન રેડિયોના અહેવાલ મુજબ, શહેબાઝ શરીફ સરકારે પંજાબ, ખૈબર પખ્તુનખ્વા, બલૂચિસ્તાન, ઇસ્લામાબાદ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને પીઓકેમાં રાત્રે 8 વાગ્યાથી બજારો, શોપિંગ મોલ્સ અને તમામ બેંકો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જોકે, ખૈબર પખ્તુનખ્વાના સંભાષીય મુખ્યાલયોમાં બજારોને રાત્રે 9 વાગ્યા સુધી છૂટ આપવામાં આવી છે, પરંતુ અન્ય તમામ જનરલ સ્ટોર્સ અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ માટે રાત્રે 8 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ નિયમો મંગળવારથી જ અમલી બનાવી દેવામાં આવ્યા છે.
લગ્ન સમારોહ અને ખાનગી મિલકતો પર પણ નિયંત્રણો:
સરકારે ખાણીપીણીની દુકાનો, બેકરી, રેસ્ટોરન્ટ, મેરેજ હોલ અને ટેન્ટ સર્વિસ માટે રાત્રે 10 વાગ્યા સુધીનો સમય નિર્ધારિત કર્યો છે. મહત્વની વાત એ છે કે, હવેથી ખાનગી મિલકતો કે ઘરોમાં પણ રાત્રે 10 વાગ્યા પછી લગ્ન સમારોહના આયોજન પર સખત પ્રતિબંધ રહેશે. જોકે, જનતાની સુવિધા માટે મેડિકલ સ્ટોર્સ અને ફાર્મસીને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે.
જાહેર પરિવહનનો ખર્ચ સરકાર ભોગવશે:
આર્થિક તંગી અને ઈંધણના વધતા ભાવ વચ્ચે જનતાને રાહત આપવા માટે શહેબાઝ શરીફે મોટી જાહેરાત કરી છે. ગિલગિટ અને મુઝફ્ફરાબાદ શહેરોમાં આગામી એક મહિના સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા મફત રહેશે. આ જાહેર પરિવહનનો તમામ ખર્ચ પાકિસ્તાનની કેન્દ્રીય સરકાર ભોગવશે. ઈંધણની અછત વચ્ચે લેવાયેલો આ નિર્ણય પાકિસ્તાનમાં સર્જાયેલી ગંભીર સ્થિતિની ચાડી ખાય છે. આ મહત્વની બેઠકમાં અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા અને આગામી દિવસોમાં સ્થિતિની સમીક્ષા કરી વધુ નિર્ણય લેવાની ખાતરી આપી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
