હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૧૮ વર્ષની યુવતીએ ૨ બાળકોની મમ્મીને બનાવી પોતાની દુલ્હન!
અજબ પ્રેમની ગજબ કહાનીઃ બે મહિલાઓની પ્રેમ કહાની હાલ ચર્ચામાં આવી પરિવારના વિરોધ છતાં બંનેએ મંદિરમાં રીતિ-રિવાજો સાથે સાત ફેરા લીધા હતા

બક્સર તા.૭: કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને ઉંમર કે જાતિ જોતો નથી, પરંતુ બિહારના બક્સર જિલ્લાના ડુમરાંવ અનુમંડળમાંથી આવી જ એક અનોખી પ્રેમ કહાની સામે આવી છે, જેણે સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી છે. અહીં એક ૧૮ વર્ષની યુવતીએ બે બાળકોની માતા સાથે લગ્ન કરી લીધા છે. આ અનોખા લગ્નના સમાચાર વાયુવેગે ફેલાઈ રહ્યા છે અને લોકો આ જોવા માટે ઉમટી પડ્યા હતા.
જિલ્લાના ડુમરાંવ અનુમંડળ અંતર્ગત બગેન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ વિચિત્ર ઘટના સામે આવી છે, જે સાંભળતા જ આસપાસના લોકો દંગ રહી ગયા હતા. બગેનની રહેવાસી ૧૮ વર્ષીય રૂબીએ ૩૨ વર્ષીય સંધ્યા જે બે બાળકોની માતા છે, તેની સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્ન શહેરના ઐતિહાસિક રામરેખા ઘાટ પર પૂરા વિધિ-વિધાન સાથે સંપન્ન થયા હતા, જેના સાક્ષી ત્યાં હાજર પૂજારી અને સેંકડો સ્થાનિક લોકો બન્યા હતા.
મળતી માહિતી મુજબ, બંને મહિલાઓએ પોતાના પ્રેમને દર્શાવવા માટે બે વાર લગ્ન કર્યા હતા. પહેલીવાર તેમણે ૪ એપ્રિલના રોજ વિધ્યાચલ મંદિરમાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ ૬ એપ્રિલ સોમવારના રોજ તેઓ બક્સરના ઐતિહાસિક રામરેખા ઘાટ પર પહોંચ્યા હતા. અહીંના જૂના વિવાહ મંડપમાં હિન્દુ રીતિ-રિવાજો અને મંત્રોચ્ચાર સાથે બંનેએ એકબીજાને હાર પહેરાવ્યા હતા. આ લગ્ન જોવા માટે ત્યાં હાજર સેંકડો સ્થાનિક લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. આ સંબંધની ખાસ વાત એ છે કે, રૂબીએ પોતે પતિની ભૂમિકા સ્વીકારી છે, જ્યારે સંધ્યા તેની પત્ની બની છે. આ બંને વચ્ચેનો આ સંબંધ સોશિયલ મીડિયા પર રીલ બનાવવા દરમિયાન શરૂ થયો હતો, જે ધીમે ધીમે ગાઢ પ્રેમમાં બદલાઈ ગયો હતો.
આજના ડિજિટલ યુગમાં પ્રેમ ગમે ત્યાં થઈ શકે છે. રૂબી અને સંધ્યાની મુલાકાત પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થઈ હતી. બંને સાથે મળીને ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવતા હતા. રીલ્સ બનાવતા-બનાવતા ક્યારે બંને વચ્ચે દોસ્તી થઈ અને ક્યારે આ દોસ્તી ગાઢ પ્રેમમાં બદલાઈ ગઈ તેની તેમને પણ ખબર ન પડી. જ્યારે તેમને લાગ્યું કે, તેઓ એકબીજા વગર રહી શકશે નહીં, ત્યારે તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.
આ લગ્ન જેટલા રોમેન્ટિક લાગે છે, તેટલા જ પડકારજનક પણ છે. રૂબી અને સંધ્યાએ જણાવ્યું કે તેમના આ નિર્ણયથી બંનેના પરિવારજનો અત્યંત નારાજ છે. સમાજ આ સંબંધને સ્વીકારવા તૈયાર નથી અને તેમને સતત ધમકીઓ મળી રહી છે. જાનનું જોખમ હોવા છતાં, બંનેએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ સમાજના ડરથી અલગ થશે નહીં અને બાકીનું જીવન સાથે જ વિતાવશે.
બક્સરમાં થયેલા આ લગ્ન અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. કેટલાક લોકો તેને વ્યક્તિગત પસંદગી અને પ્રેમની આઝાદી ગણાવી રહ્યા છે, તો કેટલાક તેને સામાજિક પરંપરાઓની વિરુદ્ધ ગણાવી રહ્યા છે. જોકે, કાયદાકીય રીતે ભારતમાં સમલૈંગિક સંબંધો ગુનો નથી, પરંતુ સામાજિક સ્તરે આવા લગ્નો આજે પણ વિવાદ ઉભો કરે છે. આ અજબ પ્રેમની ગજબ લગ્ન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની છે અને રામરેખા ઘાટ ફરી એકવાર એક અનોખી પ્રેમ કહાનીનો સાક્ષી બન્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
