<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

અસમમાં રાજકીય ઘમસાણ : પવન ખેડાના ઘરે પોલીસ ત્રાટકી તો હૈદરાબાદ ભાગી ગયાનો મુખ્યમંત્રી હિમંત સરમાનો દાવો

મુખ્યમંત્રીની પત્ની પાસે ત્રણ દેશોના વિદેશી પાસપોર્ટ હોવાના ગંભીર આરોપો બાદ અસમ પોલીસ દિલ્હી પહોંચી : કોંગ્રેસે બનાવટી દસ્તાવેજો રજૂ કરીને ચૂંટણીને પ્રભાવિત કરવાનું કાવતરું ઘડ્યું હોવાનો સરકારનો વળતો પ્રહાર

નવી દિલ્હી: અસમમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. મંગળવારે દિલ્હીમાં કોંગ્રેસ નેતા પવન ખેડાના નિવાસસ્થાને અસમ પોલીસ અને દિલ્હી પોલીસનો મોટો કાફલો પહોંચતા દોડધામ મચી ગઈ હતી. જોકે, પોલીસ તપાસ દરમિયાન પવન ખેડા ઘરમાં હાજર મળ્યા નહોતા. આ મામલે મુખ્યમંત્રી હિમંત સરમાએ દાવો કર્યો છે કે ગઈકાલ સુધી ધરપકડ કરવાની વાતો કરતા નેતા પોલીસને જોઈને હૈદરાબાદ ભાગી ગયા છે.

શું છે સમગ્ર વિવાદ?
રવિવારે કોંગ્રેસ દ્વારા દિલ્હી અને ગુવાહાટીમાં પત્રકાર પરિષદ યોજીને હિમંત સરમાની પત્ની વિરુદ્ધ સનસનાટીભર્યા આરોપો લગાવવામાં આવ્યા હતા. પવન ખેડા અને અસમ કોંગ્રેસ પ્રમુખ ગૌરવ ગોગોઈએ દાવો કર્યો હતો કે મુખ્યમંત્રીની પત્ની પાસે યુએઈ, ઇજિપ્ત અને એન્ટિગુઆ-બાર્બુડાના પાસપોર્ટ છે. આ સાથે જ દુબઈમાં મિલકત અને અમેરિકાના વાયોમિંગમાં તેમની કંપની હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા.

હિમંત સરમાનો વળતો પ્રહાર અને પોલીસ કાર્યવાહી:
આ આરોપોને ફગાવી દેતા મુખ્યમંત્રી હિમંત સરમાએ જણાવ્યું કે કોંગ્રેસે પાકિસ્તાન સાથે જોડાયેલા સોશિયલ મીડિયા ગ્રુપમાંથી મેળવેલા નકલી દસ્તાવેજો રજૂ કર્યા છે. તેમણે આને ચૂંટણી પ્રભાવિત કરવાનું મોટું કાવતરું ગણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે આવા ગુનામાં આજીવન કેદની સજા પણ થઈ શકે છે. અસમ પોલીસના ડીસીપી ડો. દેબજીત નાથે જણાવ્યું કે પવન ખેડાના ઘરની જડતી લેવામાં આવી છે, જોકે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.

વિપક્ષનો સરકાર પર હુમલો:
બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આ મામલે કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રી એસ. જયશંકર પાસે સ્પષ્ટતા માંગી છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે પોલીસ કાર્યવાહીની ટીકા કરતા કહ્યું કે માત્ર પ્રશ્નો પૂછવા બદલ પોલીસ ફોર્સ મોકલવી એ લોકતાંત્રિક પ્રક્રિયા નથી પરંતુ વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ છે. હાલ આ મામલે કાયદાકીય અને રાજકીય જંગ તેજ બન્યો છે.

(3:20 PM IST)