હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતીય સંવિધાનના ચિત્રકાર નંદલાલ બોઝના પરિવારનું નામ મતદાર યાદીમાંથી ગાયબ : દસ્તાવેજો જમા કરાવ્યા છતાં શાંતિનિકેતનમાં રહેતા વારસદારોના નામ કમી કરાયા
પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ 90 લાખથી વધુ મતદારોના નામ કટાયા : સુપ્રીમ કોર્ટમાં ટીએમસી સાંસદ અને સીનિયર એડવોકેટ મેનકા ગુરુસ્વામીએ નંદલાલ બોઝના પૌત્રના પરિવાર વતી રજૂ કરી ધારદાર દલીલો

નવી દિલ્હી: ભારતના બંધારણની મૂળ હસ્તપ્રતને પોતાની કલાથી સુશોભિત કરનાર પ્રખ્યાત ચિત્રકાર નંદલાલ બોઝના પરિવારના સભ્યોના નામ પશ્ચિમ બંગાળની મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવતા મોટો વિવાદ સર્જાયો છે. દશકોથી બોલપુર સ્થિત શાંતિનિકેતનમાં વસવાટ કરતા હોવા છતાં અને પ્રક્રિયા મુજબ જરૂરી તમામ દસ્તાવેજો જમા કરાવવા છતાં, વિશેષ ગહન પુનરીક્ષણ (SIR) બાદ આ પરિવારના નામ મતદાર યાદીમાંથી બાકાત કરી દેવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકારનો પક્ષ અને દલીલો:
સીનિયર એડવોકેટ અને ટીએમસીના રાજ્યસભા સાંસદ મેનકા ગુરુસ્વામીએ મુખ્ય ન્યાયાધીશ સૂર્યા કાંત, ન્યાયમૂર્તિ જોયમલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વિપિન એમ. પાંચોલીની ખંડપીઠ સમક્ષ આ ગંભીર બાબતની રજૂઆત કરી હતી. ગુરુસ્વામીએ દલીલ કરી હતી કે નંદલાલ બોઝના 88 વર્ષીય પૌત્ર સુપ્રબુદ્ધ સેન અને તેમનો પરિવાર પેઢીઓથી શાંતિનિકેતનમાં રહે છે. આ પરિવારે SIR ની પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લીધો હતો, તેમ છતાં 1 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવેલી ડિલીશન લિસ્ટમાં તેમના નામ હટાવી દેવાયા છે. તેમણે કોર્ટમાં જણાવ્યું કે આ પ્રક્રિયા પારદર્શિતા અને યોગ્ય કાયદાકીય પદ્ધતિના અભાવને દર્શાવે છે.
નંદલાલ બોઝ અને ભારતીય સંવિધાનનો અતૂટ સંબંધ:
આધુનિક ભારતીય કલાના શિખર સમાન નંદલાલ બોઝ (1882-1966) ને રવિન્દ્રનાથ ટાગોરના આહવાન પર શાંતિનિકેતનમાં કલા ભવનની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. બંધારણ સભાના અધ્યક્ષ ડો. રાજેન્દ્ર પ્રસાદે તેમને ભારતના બંધારણની મૂળ નકલને ચિત્રોથી સજાવવાની જવાબદારી સોંપી હતી. બોઝ અને તેમની ટીમે સ્વદેશી શૈલી, સોનાના વરખ અને કુદરતી રંગોનો ઉપયોગ કરીને 22 ઐતિહાસિક ચિત્રો તૈયાર કર્યા હતા. જેમાં દાંડી યાત્રા, ગ્રામીણ જીવન અને ભારતની પ્રાચીન સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. કલા ક્ષેત્રે તેમના અમૂલ્ય પ્રદાન માટે 1967 માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમના માનમાં ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. પરિવારના સભ્યોએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે જેમના દાદાએ દેશના બંધારણને ઓળખ આપી, આજે તેમના જ વારસદારોના લોકશાહી અધિકારો પર તરાપ મારવામાં આવી રહી છે.
પશ્ચિમ બંગાળમાં મોટા પાયે નામ કમી કરાયા:
ચૂંટણી પંચ (ECI) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા હેઠળ અત્યાર સુધીમાં કુલ 90.66 લાખ મતદારોના નામ યાદીમાંથી હટાવવામાં આવ્યા છે. ચૂંટણી પંચે પ્રથમ વખત જિલ્લાવાર ડેટા જાહેર કર્યો છે, જે દર્શાવે છે કે નામ ઉમેરવા અને કાઢવાની પ્રક્રિયા કેટલી જટિલ અને વિશાળ સ્તરે રહી છે. ચૂંટણી પહેલા આટલી મોટી સંખ્યામાં નામ કમી થતા રાજકીય અને કાયદાકીય મોરચે હોબાળો મચ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
