<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

અમદાવાદ-મુંબઈ વંદે ભારત ટ્રેનમાં ભોજનમાંથી જીવાત નીકળતા હોબાળો : IRCTC દ્વારા કોન્ટ્રાક્ટરને ૧૦ લાખનો દંડ : જુઓ વિડિયો

ખાવાની નબળી ગુણવત્તા બદલ આર.કે. ગ્રુપની બૃંદાવન ફૂડ પ્રોડક્ટ્સને કોન્ટ્રાક્ટ રદ કરવાની નોટિસ ફટકારાઈ : મુસાફરોએ સોશિયલ મીડિયા પર ફોટા અને વિડિયો વાયરલ કરતા રેલવે તંત્ર હરકતમાં આવ્યું

મુંબઈ : દેશની પ્રીમિયમ ટ્રેન ગણાતી વંદે ભારત એક્સપ્રેસમાં ભોજનની ગુણવત્તાને લઈને ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. અમદાવાદથી મુંબઈ જઈ રહેલી વંદે ભારત ટ્રેનમાં મુસાફરોને પીરસવામાં આવેલા ભોજનમાંથી જીવાત (કીડા) નીકળવાની ઘટનાએ રેલવેની ફૂડ સર્વિસ પર સવાલો ઉભા કર્યા છે. આ મામલે IRCTCએ કડક વલણ અપનાવી સંબંધિત ફૂડ સપ્લાયર કંપની પર ૧૦ લાખ રૂપિયાનો તોતિંગ દંડ ફટકાર્યો છે અને તેનો કોન્ટ્રાક્ટ સમાપ્ત કરવા માટેની કારણદર્શક નોટિસ પણ જારી કરી છે.

સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ થતા તંત્ર જાગ્યું:
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા આદિત્ય ડિડવાનિયા નામના મુસાફરે તેના ભોજનમાં જીવાત જોઈ હતી. મુસાફરે તરત જ આ ગંદા ભોજનના ફોટા અને વિડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કર્યા હતા, જે જોતજોતામાં વાયરલ થઈ ગયા હતા. મુસાફરોમાં આ બાબતે ભારે રોષ જોવા મળ્યો હતો અને રેલવેની સ્વચ્છતાના દાવાઓ પર આકરા પ્રહારો કર્યા હતા.

એક જ કોચમાં બે મુસાફરોને નડ્યો કડવો અનુભવ:
ચોંકાવનારી વિગત એ છે કે આ કોઈ એકલ-દોકલ કિસ્સો નહોતો. તે જ કોચમાં અન્ય એક મુસાફરના ભોજનમાંથી પણ જીવાત મળી આવી હતી. એક જ કોચમાં બે-બે વાર આવી ઘટના બનતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો અને સાવચેતીના ભાગરૂપે ઘણા લોકોએ ટ્રેનમાં ભોજન લેવાનું જ બંધ કરી દીધું હતું. આ ઘટનાને કારણે ટ્રેનમાં થોડો સમય અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી અને પેસ્ટ કંટ્રોલ:
IRCTCની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ભોજન M/S બૃંદાવન ફૂડ પ્રોડક્ટ્સ (આર.કે. ગ્રુપ) દ્વારા સપ્લાય કરવામાં આવ્યું હતું. બેદરકારી બદલ કંપનીને ૧૦ લાખનો દંડ કરવા સાથે ભવિષ્યમાં તેનો કોન્ટ્રાક્ટ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, ઘટના બાદ તરત જ પ્રભાવિત કોચમાં ડીપ ક્લીનિંગ અને પેસ્ટ કંટ્રોલની કામગીરી કરવામાં આવી હતી.

મુસાફરોની સુરક્ષા પર સવાલ:
લાંબા અંતરની મુસાફરી દરમિયાન મુસાફરો સંપૂર્ણપણે રેલવે દ્વારા પૂરા પાડવામાં આવતા ભોજન પર નિર્ભર હોય છે. આવા સમયે ભોજનમાં જીવાત મળવી એ ફૂડ સેફ્ટીના ધોરણોના ધજાગરા ઉડાવવા સમાન છે. રેલવે અધિકારીઓએ ખાતરી આપી છે કે મુસાફરોની સુરક્ષા અને ભોજનની ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં અને જવાબદાર એજન્સીઓ સામે કડક પગલાં લેવામાં આવશે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.

(3:56 PM IST)