<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

મધ્ય પૂર્વના યુદ્ધની ઝાળ ઇન્ડોનેશિયા સુધી પહોંચી: ફ્લાઇટ ટિકિટના ભાવમાં 13% નો તોતિંગ વધારો, ઇંધણ સરચાર્જમાં પણ મોટો ઉછાળો

વધતા તેલના ભાવ સામે એરલાઇન્સને ટકાવી રાખવા સરકારનો મોટો નિર્ણય: મુસાફરો પરનો બોજ ઘટાડવા ટેક્સ સબસિડીની પણ જાહેરાત

જકાર્તા, તા.7: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે દક્ષિણ-પૂર્વ એશિયાના આકાશ પર પણ જોવા મળી રહી છે. ઇન્ડોનેશિયા સરકારે સોમવારે જાહેરાત કરી છે કે તે ઉડ્ડયન ઇંધણ (Jet Fuel) પરના સરચાર્જમાં 28 ટકા સુધીનો વધારો કરી રહી છે. આ નિર્ણયને પગલે હવે સ્થાનિક ફ્લાઇટની ટિકિટોના ભાવમાં 13 ટકા સુધીનો વધારો થવાની શક્યતા છે, જેનાથી મુસાફરોના ખિસ્સા પર સીધો બોજ પડશે.
શા માટે લેવાયો આ નિર્ણય?
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના તણાવ બાદ વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવ પ્રતિ બેરલ $100 ને પાર કરી ગયા છે. જકાર્તાના સોકાર્નો-હટ્ટા એરપોર્ટ પર માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં ઇંધણના ભાવમાં 70 ટકા થી વધુનો વધારો નોંધાયો છે. ઇન્ડોનેશિયાના અર્થતંત્ર મંત્રી એરલાન્ગા હાર્ટાર્ટોએ જણાવ્યું હતું કે, "ઇંધણના વધતા ખર્ચને કારણે એરલાઇન્સ પર દબાણ વધી રહ્યું છે, તેથી સરકારે ટિકિટના બેઝ પ્રાઇસમાં 9 થી 13 ટકાનો વધારો કરવાની મંજૂરી આપી છે."
સરકારની રાહતની 'સેફ્ટી નેટ'
જોકે, સરકારે સામાન્ય જનતાને આ ભાવવધારાના આંચકાથી બચાવવા માટે એક મોટું કદમ પણ ઉઠાવ્યું છે. સરકારે સ્થાનિક ફ્લાઇટ ટિકિટ પર લાગતો 11 ટકા મૂલ્યવર્ધિત કર (VAT) પોતે ભોગવવાનો નિર્ણય લીધો છે. આ સબસિડી માટે સરકાર દર મહિને આશરે $76 મિલિયન (લગભગ 1.3 ટ્રિલિયન રૂપિયા) નો ખર્ચ કરશે. આ ઉપરાંત, એરલાઇન્સનો સંચાલન ખર્ચ ઘટાડવા માટે વિમાનના સ્પેરપાર્ટ્સ પરની આયાત ડ્યુટી પણ નાબૂદ કરવામાં આવી છે.
બજેટ અને સબસિડીનું ગણિત
ઇન્ડોનેશિયા સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે સામાન્ય જનતા દ્વારા વપરાતા ગેસોલિન અને કુદરતી ગેસ પરની સબસિડીમાં વર્ષના અંત સુધી કોઈ કાપ મૂકશે નહીં. દેશની નાણાકીય ખાધને જીડીપીના 2.9 ટકાની અંદર રાખવા માટે સરકાર 'બચત' ના માર્ગો અપનાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, એરએશિયા એક્સ જેવી મોટી એરલાઇન્સે પણ યુદ્ધની અસરને કારણે તેમના રૂટમાં ઘટાડો કરવાની અને ભાડા વધારવાની શરૂઆત કરી દીધી છે. આગામી બે મહિના પછી યુદ્ધની પરિસ્થિતિને આધારે આ આર્થિક પગલાંનું ફરીથી મૂલ્યાંકન કરવામાં આવશે. મુસાફરો માટે હવે હવાઈ સફર મોંઘી બની રહી છે, પરંતુ ટેક્સ માફીને કારણે આ બોજ થોડો હળવો રહેશે.

(4:01 PM IST)