<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

ઈરાન યુદ્ધની ભીષણ આગમાં એવિએશન સેક્ટર શેકાયું: એર ન્યુઝીલેન્ડે ફ્લાઈટ્સમાં કાપ મૂકી ભાડામાં કર્યો તોતિંગ વધારો

જેટ ફ્યુઅલના ભાવ બમણા થતા એરલાઇને લીધો આકરો નિર્ણય: મે અને જૂન મહિનામાં મુસાફરી કરનારા હજારો પેસેન્જરોને સીધી અસર

ઓકલેન્ડ, તા.7: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન સંઘર્ષની જ્વાળાઓ હવે પેસિફિક સમુદ્ર પાર કરીને ન્યુઝીલેન્ડ સુધી પહોંચી છે. વૈશ્વિક સ્તરે કાચા તેલ અને જેટ ઇંધણ (ATF) ના ભાવમાં થયેલા અસાધારણ ઉછાળાને કારણે એર ન્યુઝીલેન્ડે મંગળવારે મોટો ઝટકો આપતા જાહેરાત કરી છે કે તેઓ મે અને જૂન મહિનાની ફ્લાઈટ્સમાં ઘટાડો કરશે અને ટિકિટના દરોમાં પણ વધારો કરશે.
ઇંધણના ભાવમાં બમણો વધારો
એરલાઇનના પ્રવક્તાએ સ્થિતિની ગંભીરતા સમજાવતા કહ્યું કે, "વિશ્વભરની એરલાઇન્સની જેમ અમે પણ હાલમાં જેટ ઇંધણના એવા ભાવનો સામનો કરી રહ્યા છીએ જે સામાન્ય કરતા બમણાથી પણ વધુ છે." યુદ્ધને કારણે સપ્લાય ચેઇન ખોરવાઈ છે અને મધ્ય પૂર્વના મહત્વના ઉડ્ડયન કેન્દ્રો (Aviation Hubs) બંધ થતા રૂટ લાંબા થયા છે, જેના કારણે એરલાઇન્સ પર આર્થિક બોજ અસહ્ય બન્યો છે.
મુસાફરો પર કેવી પડશે અસર?
એર ન્યુઝીલેન્ડ દ્વારા એક મહિનાની અંદર લેવામાં આવેલું આ બીજું મોટું પગલું છે. આ ફ્લાઇટ કોન્સોલિડેશનને કારણે:
•    મે અને જૂન દરમિયાન લગભગ 4% ફ્લાઇટ્સ રદ અથવા મર્જ કરવામાં આવશે.
•    કુલ મુસાફરોના આશરે 1% પેસેન્જરોને આ ફેરફારની સીધી અસર થશે.
•    જે ફ્લાઈટ્સ ચાલુ રહેશે તેના ભાડામાં પણ નોંધપાત્ર વધારો ઝીંકવામાં આવ્યો છે.
ગ્રાહકોને સૂચના આપવાની પ્રક્રિયા શરૂ
એરલાઇને જણાવ્યું છે કે જે મુસાફરોની ફ્લાઇટ્સ પર અસર પડી છે તેમને સોમવાર રાતથી જ ઇમેઇલ અને મેસેજ દ્વારા જાણ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આગામી રવિવાર સુધીમાં તમામ પ્રભાવિત ગ્રાહકોને વૈકલ્પિક વ્યવસ્થા અથવા રિફંડ અંગેની માહિતી આપી દેવામાં આવશે.
યુદ્ધના પ્રારંભિક તબક્કે પણ એરલાઇને 5% ફ્લાઇટ્સ ઘટાડી હતી, પરંતુ હવે સ્થિતિ વધુ વિકટ બનતા એરલાઇને મુસાફરોને સાથ આપવા વિનંતી કરી છે. વિદેશ પ્રવાસનું સપનું જોતા કિવી મુસાફરો માટે હવે વેકેશન વધુ મોંઘું સાબિત થશે.

(4:05 PM IST)