હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હોર્મુઝની કટોકટી વચ્ચે ભારતનો માસ્ટરસ્ટ્રોક: 11 મહિના બાદ વેનેઝુએલા પાસેથી તેલની ખરીદી શરૂ, આ મહિને આવશે 1.2 કરોડ બેરલ ક્રૂડ
પશ્ચિમ એશિયામાં યુદ્ધના તણાવ વચ્ચે ઉર્જા સુરક્ષા માટે વૈકલ્પિક રસ્તો તૈયાર: જામનગર અને વાડીનારની રિફાઇનરીઓ માટે વેનેઝુએલાનું 'હેવી ક્રૂડ' બનશે આશીર્વાદ

નવી દિલ્હી, તા.7: વૈશ્વિક ઉર્જા બજારમાં જ્યારે અસ્થિરતાનો માહોલ છે અને પશ્ચિમ એશિયામાં હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં અવરોધ ઉભો થયો છે, ત્યારે ભારતે પોતાની ઉર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે એક મોટું અને વ્યૂહાત્મક પગલું ભર્યું છે. લગભગ 11 મહિનાના લાંબા વિરામ બાદ, ભારતે ફરી એકવાર દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઇલ મંગાવવાનું શરૂ કર્યું છે. આ મહિને વેનેઝુએલાથી આશરે 10 થી 12 મિલિયન (1.2 કરોડ) બેરલ તેલ ભારતીય બંદરો પર પહોંચે તેવી ધારણા છે.
હોર્મુઝ સંકટ અને ભારતની રણનીતિ
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટ જેવો મહત્વનો દરિયાઈ માર્ગ જોખમમાં છે, જ્યાંથી ભારતનો મોટો તેલ પુરવઠો પસાર થાય છે. આવી સ્થિતિમાં માત્ર એક જ ક્ષેત્ર પર નિર્ભર રહેવાને બદલે ભારતે તેના તેલના સ્ત્રોતોમાં વિવિધતા લાવવાનું નક્કી કર્યું છે. કોમોડિટી એનાલિટિક્સ ફર્મ 'કેપ્લર' ના જણાવ્યા અનુસાર, વેનેઝુએલા તરફ વળવું એ ભારતની લાંબા ગાળાની ઉર્જા સુરક્ષાની વ્યૂહરચનાનો એક મહત્વનો ભાગ છે.
ગુજરાતની રિફાઇનરીઓને થશે મોટો ફાયદો
વેનેઝુએલાનું તેલ 'હેવી ક્રૂડ' શ્રેણીમાં આવે છે, જેમાં સલ્ફરનું પ્રમાણ વધુ હોય છે. ભારત માટે આ ફાયદાકારક છે કારણ કે ગુજરાતમાં આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જામનગર રિફાઇનરી અને નયારા એનર્જીનો વાડીનાર પ્લાન્ટ વિશ્વના એવા જટિલ માળખા ધરાવતા પ્લાન્ટ્સ છે જે આ પ્રકારના ભારે તેલને ખૂબ જ સરળતાથી શુદ્ધ કરી શકે છે. આ ઉપરાંત, કોચીન પોર્ટ પર આવનાર શિપમેન્ટ BPCL ની રિફાઇનરીને પણ મદદરૂપ થશે.
ડીઝલ અને જેટ ઇંધણનું વધશે ઉત્પાદન
નિષ્ણાતોના મતે, વેનેઝુએલાના ભારે તેલમાંથી ડીઝલ અને જેટ ઇંધણ જેવા મધ્યમ ડિસ્ટિલેટ્સનું ઉત્પાદન અન્ય તેલ કરતા વધુ થાય છે. હાલમાં વૈશ્વિક બજારમાં આ બંને ઇંધણની ભારે માંગ છે, જે ભારતને આર્થિક રીતે પણ મજબૂત બનાવશે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પ્રતિબંધો લાગુ થયા તે પહેલાં (નાણાકીય વર્ષ 2018 માં), વેનેઝુએલા ભારતની કુલ તેલ આયાતમાં 6.7% હિસ્સો ધરાવતું હતું. હવે ફરી એકવાર આ જૂના મિત્ર સાથે તેલનો વેપાર શરૂ કરીને ભારત પશ્ચિમ એશિયાના પુરવઠામાં આવતા કોઈપણ વિક્ષેપનો સામનો કરવા તૈયાર થઈ ગયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
