<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

એક વાયરલ તસવીરે બદલી નાખ્યું જીવન: ચારેય અંગ ગુમાવ્યા છતાં પાયલ નાગે તીરંદાજીમાં રચ્યો ઇતિહાસ, વિશ્વ ચેમ્પિયન શીતલ દેવીને આપી મ્હાત

મોંથી ચિત્રો દોરતી કન્યા કેવી રીતે બની વિશ્વની પ્રથમ 'ક્વાડ્રપલ એમ્પ્યુટી' આર્ચર? જાણો ઓડિશાની દીકરીની બેંગકોકથી દુબઈ સુધીની ગોલ્ડન સફર

દુબઈ, તા.7: કહેવાય છે કે જો મનમાં અતૂટ વિશ્વાસ હોય તો કુદરત પણ તમારી સામે નમી જાય છે. આ વાતને સાર્થક કરી બતાવી છે ઓડિશાની વતની અને છત્તીસગઢમાં ઉછરેલી પાયલ નાગે. 4 એપ્રિલના રોજ બેંગકોકમાં આયોજિત 'વર્લ્ડ તીરંદાજી પેરા સિરીઝ'માં પાયલે એવું સનસનાટીભર્યું પ્રદર્શન કર્યું કે આખી દુનિયા જોતી રહી ગઈ. તેણે વિશ્વની પ્રથમ મહિલા અંગવિહીન તીરંદાજ શીતલ દેવીને હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે.
7 વર્ષની ઉંમરે સર્જાયો હતો કાળઝાળ અકસ્માત
વર્ષ 2015માં માત્ર સાત વર્ષની નાની ઉંમરે પાયલ સાથે એક ભયાનક દુર્ઘટના ઘટી હતી. છત પર રમતી વખતે તે 11,000 વોલ્ટની હાઈ-ટેન્શન લાઇનના સંપર્કમાં આવી ગઈ. આ અકસ્માતમાં તેણે પોતાના ચારેય અંગ (બંને હાથ અને બંને પગ) ગુમાવી દીધા. એક મજૂર પરિવારની દીકરી માટે જીવન અંધકારમય બની ગયું હતું, પરંતુ પાયલના નસીબમાં કંઈક અલગ જ લખાયેલું હતું.
ચિત્રકલાથી તીરંદાજી સુધીની સફર
કોવિડ-19 પછી તેનો પરિવાર છત્તીસગઢ આવી ગયો. પાયલને એક સરકારી સંસ્થામાં મોકલવામાં આવી, જ્યાં તેણે હિંમત ન હારી અને પોતાના મોંનો ઉપયોગ કરીને અદભૂત ચિત્રો દોરવાનું શરૂ કર્યું. એક દિવસ સોશિયલ મીડિયા પર તેનો મોંથી ચિત્ર દોરતો ફોટો વાયરલ થયો, જેના પર પ્રખ્યાત કોચ કુલદીપ વેદવાનની નજર પડી. કુલદીપને પાયલમાં એક અસાધારણ પ્રતિભા દેખાઈ અને તેઓ તેને જમ્મુ લઈ આવ્યા.
શીતલ દેવી સાથે તાલીમ અને ઐતિહાસિક વિજય
પાયલે જમ્મુમાં પેરાલિમ્પિક મેડલ વિજેતા શીતલ દેવી સાથે તાલીમ લીધી. 2025માં પોતાની પ્રથમ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં જ તેણે શીતલ દેવી અને જ્યોતિ બાલિયાન જેવા દિગ્ગજોને હરાવીને બધાને ચોંકાવી દીધા. ડિસેમ્બર 2025માં દુબઈ ખાતે યોજાયેલી 'એશિયન યુથ પેરા ગેમ્સ'માં ભાગ લઈને તે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરનારી વિશ્વની પ્રથમ 'ક્વાડ્રપલ એમ્પ્યુટી' (ચારેય અંગ વગરની) તીરંદાજ બનીને ઇતિહાસના પાને અમર થઈ ગઈ.
આજે પાયલ માત્ર એક ખેલાડી નથી, પણ લાખો દિવ્યાંગો માટે આશાનું કિરણ છે. જે પાયલને ક્યારેક લોકોના ઉપહાસનો સામનો કરવો પડતો હતો, આજે તે જ પાયલના માનમાં બેંગકોકમાં ભારતનો તિરંગો લહેરાયો છે. તેની આ સફર સાબિત કરે છે કે સફળતા મેળવવા માટે હાથ-પગની નહીં, પણ મજબૂત ઈરાદાઓની જરૂર હોય છે.

(5:03 PM IST)