<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

મણિપુરમાં કાળજું કંપાવતી ઘટના: બે માસૂમ બાળકોની નિર્મમ હત્યા બાદ રાજ્યમાં આક્રોશની જ્વાળા

સૂતેલા 5 વર્ષના બાળકની અને 5 મહિનાની બાળકીની હત્યાથી માનવતા શરમાઈ : ઉશ્કેરાયેલા ટોળાએ ટ્રકો ફૂંકી મારી: ઇમ્ફાલ સહિત 5 જિલ્લામાં ઇન્ટરનેટ પર ત્રણ દિવસનો પ્રતિબંધ

ઇમ્ફાલ :  મણિપુરમાં ફરી એકવાર હિંસાનું વરવું સ્વરૂપ જોવા મળ્યું છે, જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. મંગળવારની મધરાતે જ્યારે આખું ગામ ગાઢ નિંદ્રામાં હતું, ત્યારે ટ્રોંગલાઓબી અવંગ લીકાઈ વિસ્તારમાં આતંકવાદીઓએ એક ઘર પર અંધાધૂંધ હુમલો કર્યો હતો. આ ઘૃણાસ્પદ હુમલામાં માત્ર 5 વર્ષનો માસૂમ છોકરો અને તેની માત્ર 5 મહિનાની નાની બહેન મોતના ખપ્પરમાં હોમાઈ ગયા છે. બાળકોની માતા હાલમાં હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આ ઘટના બાદ રાજ્યમાં પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે વહીવટીતંત્રે ઇમ્ફાલ પૂર્વ-પશ્ચિમ સહિત પાંચ જિલ્લામાં તાત્કાલિક અસરથી ત્રણ દિવસ માટે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે.

બાળકોની હત્યાના સમાચાર વાયુવેગે ફેલાતા જ સ્થાનિક લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા દેખાવકારોએ રસ્તા પર ઉતરી આવી ઈમ્ફાલ-તિદ્દિમ રોડને અનેક જગ્યાએ બ્લોક કરી દીધો હતો અને ગુસ્સામાં ત્રણ જેટલા ટ્રકોને આગ ચાંપી દીધી હતી. ઘટનાસ્થળેથી એક વણવિસ્ફોટાયેલ રોકેટ લોન્ચર મળી આવતા સુરક્ષા એજન્સીઓના પણ હોશ ઉડી ગયા છે, જે આ હુમલા પાછળ કોઈ મોટા કાવતરાનો સંકેત આપે છે. સ્થાનિક ધારાસભ્ય થોંગમ શાંતિ સિંહે આને "આતંકવાદનું સૌથી નિકૃષ્ટ કૃત્ય" ગણાવ્યું છે. સમગ્ર વિસ્તાર અત્યારે છાવણીમાં ફેરવાઈ ગયો છે અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

ભૂતપૂર્વ મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આ આતંકવાદી હુમલા પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા કહ્યું છે કે નિર્દોષ બાળકોને નિશાન બનાવવું એ અમાનવીયતાની પરાકાષ્ઠા છે. આ હિંસાએ સાબિત કર્યું છે કે મણિપુરમાં હજુ પણ જમીની સ્તરે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની જરૂર છે. સોશિયલ મીડિયા પર અફવાઓ ન ફેલાય તે માટે સરકાર ડિજિટલ પ્લેટફોર્મ પર ચાંપતી નજર રાખી રહી છે. હાલમાં મણિપુરના પાંચ જિલ્લાઓમાં સન્નાટો અને તણાવ પ્રવર્તી રહ્યો છે, ત્યારે ગુનેગારોને વહેલી તકે પકડવા એ પોલીસ માટે મોટો પડકાર બની ગયો છે.

(6:24 PM IST)