હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાકિસ્તાનમાં લઘુમતીઓ માટે જીવવું તો ઠીક : હવે મરવું પણ મુશ્કેલ: કબ્રસ્તાનમાં જગ્યા ખૂટી!
પેશાવરમાં ખ્રિસ્તી અને હિન્દુ સમુદાયના લોકો પ્રિયજનોના દફન માટે દર-દર ભટકી રહ્યા છે : ભૂ-માફિયાઓના અતિક્રમણ અને સરકારની ઉદાસીનતાએ વિવાદો સર્જ્યા

પેશાવર : પાકિસ્તાનના પેશાવરથી એક હૃદયદ્રાવક અહેવાલ સામે આવ્યો છે, જે ત્યાં વસતા લઘુમતીઓની પીડાને વાચા આપે છે. ખ્રિસ્તી, હિન્દુ અને શીખ સમુદાયના લોકો અત્યારે એવી ગંભીર સ્થિતિમાં મુકાયા છે કે તેમના પ્રિયજનોના મૃત્યુ પછી પણ તેમને સન્માનજનક અંતિમ સંસ્કાર માટે જમીન મળી રહી નથી. ઐતિહાસિક કબ્રસ્તાનો જેવા કે ગોરા અને વઝીર બાગ હવે સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. આ પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે લોકોએ મજબૂરીમાં એક જ કબર પર બીજા મૃતદેહને દફનાવવા પડે છે અથવા નવા દફન માટે જૂના અવશેષોને હટાવવા પડે છે. આ દ્રશ્યો જોઈને કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિની આંખમાં આંસુ આવી જાય તેમ છે.
લઘુમતી સમુદાયના લોકોનો આરોપ છે કે તેઓ ટેક્સ ભરે છે અને દેશના સમાન નાગરિક છે, છતાં પણ મૃત્યુ પછીના મૂળભૂત અધિકારોથી તેમને વંચિત રાખવામાં આવે છે. એક તરફ વસ્તી વધી રહી છે, તો બીજી તરફ લઘુમતીઓ માટે ફાળવવામાં આવેલી કબ્રસ્તાનની જમીનો પર ભૂ-માફિયાઓએ ગેરકાયદેસર કબજો જમાવી દીધો છે. ખ્રિસ્તી સમુદાયના અગ્રણીઓ જણાવે છે કે પેશાવરમાં 1947 પહેલાના જૂના કબ્રસ્તાનો હવે છલકાઈ રહ્યા છે. સરકાર દ્વારા દૂરના વિસ્તારોમાં જમીન આપવાનો પ્રસ્તાવ મુકાયો છે, પરંતુ ત્યાં સુરક્ષાનો અભાવ અને અંતર એટલું વધારે છે કે સામાન્ય લોકો માટે ત્યાં પહોંચવું લગભગ અશક્ય છે.
2023ની વસ્તી ગણતરી મુજબ પાકિસ્તાનમાં લઘુમતીઓનો હિસ્સો માત્ર 3.3% રહ્યો છે, પરંતુ આ નાની વસ્તીનો અવાજ સાંભળનાર કોઈ નથી. ખૈબર પખ્તુનખ્વા સરકારમાં લઘુમતી પ્રતિનિધિત્વ ન હોવાને કારણે તેમની ફરિયાદો કચરાપેટીમાં જાય છે. સામાજિક કાર્યકર્તાઓનું કહેવું છે કે સરકારે ભંડોળની જાહેરાતો તો ઘણી કરી છે, પરંતુ જમીન પર એક ઈંચ પણ નવી જગ્યા ફાળવવામાં આવી નથી. આ રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે પાકિસ્તાનમાં લઘુમતીઓ માત્ર જીવતા જ ભેદભાવનો ભોગ નથી બનતા, પરંતુ મૃત્યુ પછી પણ તેમને યોગ્ય સન્માન અને શાંતિ માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
