હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
"આટલો અહંકારી મુખ્યમંત્રી ક્યાંય જોયો નથી": આસામની ધરતી પરથી ખડગેનો હિમંત બિસ્વા શર્મા પર પ્રચંડ પ્રહાર, કોંગ્રેસ ગઠબંધનની જીતનો હુંકાર
આસામમાં પરિવર્તનની લહેર: 126માંથી 73 બેઠકો જીતીને સરકાર બનાવવાનો ખડગેનો દાવો, ભ્રષ્ટાચારના મુદ્દે મોહન ભાગવત અને વડાપ્રધાન પાસે માંગ્યો જવાબ

ગુવાહાટી: આસામના રાજકારણમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા જંગ જામ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે ગુવાહાટીની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ખડગેએ માત્ર આક્ષેપો જ નથી કર્યા, પરંતુ આંકડાકીય દાવો કરતા જણાવ્યું છે કે આસામમાં આગામી સરકાર કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ગઠબંધનની જ બનશે.
બેઠકોનું ગણિત અને સત્તાનો વિશ્વાસ
પત્રકાર પરિષદને સંબોધતા ખડગેએ ભવિષ્યવાણી કરી હતી કે 126 સભ્યોની આસામ વિધાનસભામાં કોંગ્રેસ ગઠબંધન લગભગ 72 થી 73 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જનતા હવે પરિવર્તન ઈચ્છે છે અને ભાજપના શાસનથી કંટાળી ગઈ છે.
હિમંત બિસ્વા શર્મા પર 'સિન્ડિકેટ' ચલાવવાનો આરોપ
ખડગેએ મુખ્યમંત્રી શર્માને દેશના "સૌથી અહંકારી અને ઘમંડી" મુખ્યમંત્રી ગણાવ્યા હતા. તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, "હિમંત બિસ્વા શર્મા માત્ર પોતાના પરિવારના વિકાસ માટે કામ કરી રહ્યા છે. ચા, શાળા, કોલસો, ઈંડા, જમીન અને સોપારી - દરેક ક્ષેત્રમાં સિન્ડિકેટ ચાલી રહી છે." તેમણે ઉમેર્યું કે આસામ મંત્રીમંડળના સભ્યો ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે અને તેમની પાસે અખૂટ સંપત્તિ છે.
મોહન ભાગવત અને પીએમ મોદીને સવાલ
ભ્રષ્ટાચારના આક્ષેપો મુદ્દે ખડગેએ સીધો આરએસએસ (RSS) પ્રમુખ મોહન ભાગવત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પાસે જવાબ માંગ્યો છે. તેમણે કહ્યું કે જો ભાજપ ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો કરતું હોય, તો આસામના મુખ્યમંત્રી સામે લાગેલા ગંભીર આરોપો પર તેઓ કેમ મૌન છે?
પાસપોર્ટ વિવાદ અને તુષ્ટિકરણનો જવાબ
પવન ખેરા દ્વારા હિમંત બિસ્વા શર્માની પત્ની પાસે કથિત રીતે અનેક વિદેશી પાસપોર્ટ હોવાના જે આરોપો લગાવાયા છે, તેના પર ખડગેએ તપાસની માંગ કરી હતી. બીજી તરફ, કોંગ્રેસ પર લાગતા 'મુસ્લિમ તુષ્ટિકરણ'ના આરોપોનો વળતો જવાબ આપતા તેમણે કહ્યું કે, "જેમની પાસે ઓછી બુદ્ધિ છે તેઓ જ કોંગ્રેસને પાકિસ્તાન તરફી કે મુસ્લિમ તરફી કહે છે."
આસામના આ રાજકીય યુદ્ધમાં હવે આગામી દિવસોમાં હિમંત બિસ્વા શર્મા અને ભાજપ શું વળતો પ્રહાર કરે છે તેના પર સૌની નજર રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
