News of Tuesday, 7th April 2026
છત્તીસગઢમાં ધર્માંતરણ વિરોધી ‘વજ્રઘાત’: રાજ્યપાલની મંજૂરી સાથે નવો કાયદો અમલી
છળકપટ કે લાલચથી ધર્મ પરિવર્તન કરાવનારાઓને હવે આજીવન કેદની સજા ભોગવવી પડશે : લગ્ન માટે કરેલા ધર્માંતરણ હવે ગેરકાયદે ગણાશે અને વિદેશી ફંડિંગ પર પણ સરકારની બાજ નજર રહેશે

રાયપુર: છત્તીસગઢમાં ધાર્મિક પરિવર્તનના મુદ્દે મચતા હોબાળા વચ્ચે રાજ્યપાલ રમન ડેકાએ 'ધાર્મિક સ્વતંત્રતા બિલ, 2026' ને મંજૂરીની મહોર મારી દીધી છે. આ કાયદા હેઠળ હવે બળજબરીથી કે છેતરપિંડીથી ધર્મ પરિવર્તન કરાવવું એ બિન-જામીનપાત્ર ગુનો ગણાશે. સામાન્ય કિસ્સાઓમાં 7 થી 10 વર્ષની જેલની જોગવાઈ છે, પરંતુ જો મામલો સામૂહિક ધર્માંતરણનો હશે તો ગુનેગારને આજીવન કેદ અને ₹2.5 લાખ સુધીનો દંડ થઈ શકે છે. ખાસ કરીને સગીરો અને મહિલાઓના કિસ્સામાં સજાની અવધિ 20 વર્ષ સુધી લંબાવી શકાય તેવી કડક જોગવાઈ કરવામાં આવી છે.
નવા કાયદામાં 'લવ જેહાદ' જેવા કિસ્સાઓને ડામવા માટે લગ્નને લગતી જોગવાઈઓ અત્યંત કડક બનાવાઈ છે. જો કોઈ લગ્ન માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરવામાં આવ્યા હશે, તો તે લગ્નને અમાન્ય (રદબાતલ) જાહેર કરવામાં આવશે. હવે કોઈ પણ વ્યક્તિએ સ્વૈચ્છિક રીતે પણ જો ધર્મ બદલવો હશે, તો તેણે 60 દિવસ અગાઉ જિલ્લા કલેક્ટરને અરજી કરવી પડશે અને વિધિ કરાવનાર ધર્મગુરુએ પણ સરકારને જાણ કરવી ફરજિયાત રહેશે. આ નિયમોનું ઉલ્લંઘન કરનારની તાત્કાલિક ધરપકડ કરવાની સત્તા પોલીસને આપવામાં આવી છે.
આ કાયદાએ રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. ભાજપ સરકારે તેને લોકશાહી અને સંસ્કૃતિના રક્ષણ માટેનું અનિવાર્ય પગલું ગણાવ્યું છે, જ્યારે કોંગ્રેસે આ કાયદાના દુરુપયોગની આશંકા વ્યક્ત કરી છે. ખાસ કરીને વિદેશી સંસ્થાઓ દ્વારા મળતા ફંડિંગ અને તેના દ્વારા ચાલતા ધર્માંતરણના નેટવર્ક પર આ કાયદાથી મોટી રોક લાગશે તેવું માનવામાં આવે છે. સરકાર હવે આ કેસોની ઝડપી સુનાવણી માટે વિશેષ અદાલતોની રચના કરવાની તૈયારી કરી રહી છે.
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
