<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

બાંગ્લાદેશ ક્રિકેટમાં 'તમીમ યુગ'નો પ્રારંભ: ભારત વિરોધી જૂથનો સફાયો, પૂર્વ ઓપનર તમીમ ઇકબાલ બન્યા BCB ના નવા બોસ

રાજકીય દખલગીરી અને ભ્રષ્ટાચારના આરોપો બાદ આખું બોર્ડ વિખેરી નખાયું: ભારત સાથે સંબંધો સુધારવા સરકારે લીધો વ્યૂહાત્મક નિર્ણય, 37 વર્ષીય તમીમ સૌથી યુવા પ્રમુખ

ઢાકા: બાંગ્લાદેશ ક્રિકેટમાં લાંબા સમયથી ચાલી રહેલી ખેંચતાણ અને વિવાદોનો અંત આવ્યો છે. બાંગ્લાદેશ સરકારે મંગળવારે એક મોટો નિર્ણય લેતા અમીનુલ ઇસ્લામના નેતૃત્વ હેઠળના ભારત વિરોધી ગણાતા ક્રિકેટ બોર્ડને સંપૂર્ણપણે વિસર્જિત કરી દીધું છે. આ સાથે જ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન તમીમ ઇકબાલને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ફેરફારને ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ક્રિકેટ સંબંધોને ફરી પાટા પર લાવવાના સંકેત તરીકે જોવામાં આવે છે.
કેમ લેવાયો આ કઠોર નિર્ણય?
ગયા વર્ષે ઓક્ટોબરમાં યોજાયેલી BCBની ચૂંટણીઓમાં મોટા પાયે ગેરરીતિ અને પક્ષપાતના આરોપો લાગ્યા હતા. તપાસ સમિતિની ભલામણો બાદ સરકારને જાણવા મળ્યું કે જૂનું બોર્ડ પોતાની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહ્યું હતું. ખાસ કરીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ઉશ્કેરણીથી બાંગ્લાદેશનું T20 વર્લ્ડ કપ 2026 માંથી ખસી જવું એ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબી ખરડાવનારું સાબિત થયું હતું. આથી, રમતગમત મંત્રાલયે કડક હાથે કામ લઈને આખા તંત્રને બદલી નાખ્યું છે.
સૌથી યુવા પ્રમુખ અને નવી ટીમ
માત્ર 37 વર્ષની વયે તમીમ ઇકબાલ BCBના ઇતિહાસમાં સૌથી યુવા પ્રમુખ બન્યા છે. તેઓ 11 સભ્યોની એડહોક સમિતિનું નેતૃત્વ કરશે. આ સમિતિમાં મિન્હાજુલ આબેદીન અને જાણીતા કોમેન્ટેટર અથર અલી ખાન જેવા અનુભવી ચહેરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નેશનલ સ્પોર્ટ્સ કાઉન્સિલ (NSC) એ આ ફેરફાર અંગે ICC ને પણ જાણ કરી દીધી છે અને આશા વ્યક્ત કરી છે કે વૈશ્વિક સંસ્થા આ નિર્ણયને સમર્થન આપશે.
 
ભારત-બાંગ્લાદેશ મિત્રતાની નવી આશા
અમીનુલ ઇસ્લામના શાસનકાળ દરમિયાન બાંગ્લાદેશી બોર્ડનું વલણ ભારત પ્રત્યે સતત નકારાત્મક રહ્યું હતું, જેને કારણે દ્વિપક્ષીય શ્રેણીઓ પર પણ અસર પડી હતી. હવે તમીમ ઇકબાલના આવવાથી આશા જાગી છે કે બંને દેશો વચ્ચે ક્રિકેટના મેદાનમાં ફરી સૌહાર્દપૂર્ણ વાતાવરણ જોવા મળશે.
તમીમ ઇકબાલ સામે હવે સૌથી મોટો પડકાર બાંગ્લાદેશ ક્રિકેટની ખોવાયેલી પ્રતિષ્ઠા પાછી લાવવાનો અને ટીમને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટોમાં ફરી સક્રિય કરવાનો રહેશે. બાંગ્લાદેશના ક્રિકેટ પ્રેમીઓ આ નવા ફેરફારને 'નવી શરૂઆત' તરીકે જોઈ રહ્યા છે.

(7:13 PM IST)