<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

ચીન અને પાકિસ્તાન 'તેલની ધાર' પર: 15 દિવસમાં બીજી વખત ભાવ વધતા ડ્રેગનનો પવન નીકળ્યો, જ્યારે ભારત તોફાન વચ્ચે પણ અડગ

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની આગમાં પાકિસ્તાન-નેપાળ હોમાયા, ચીનમાં પેટ્રોલમાં ₹4 અને ડીઝલમાં ₹4.49નો વધારો: ભારતમાં છેલ્લા 4 વર્ષથી સ્થિર ભાવે આખી દુનિયાને ચોંકાવી

નવી દિલ્હી: વિશ્વમાં જ્યારે યુદ્ધના વાદળો ઘેરાય છે ત્યારે સૌથી પહેલી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે, પરંતુ ભારત આ બાબતમાં એક અપવાદ સાબિત થઈ રહ્યું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ઈરાન-ઈઝરાયલ સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા છે. આ સ્થિતિમાં પાકિસ્તાન અને નેપાળની હાલત તો કફોડી થઈ જ છે, પરંતુ હવે મહાસત્તા બનવાનું સપનું જોતું ચીન પણ ઘૂંટણિયે પડ્યું છે. ચીને માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં બીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો કરવાની જાહેરાત કરી છે.
ચીનની હાલત કેમ બગડી?
ચીનની નેશનલ ડેવલપમેન્ટ એન્ડ રિફોર્મ કમિશન (NDRC) એ મંગળવારે સત્તાવાર જાહેરાત કરી છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની વધઘટને કારણે ભાવ વધારો અનિવાર્ય છે. ચીનમાં પ્રતિ લિટર પેટ્રોલમાં અંદાજે 4 રૂપિયા અને ડીઝલમાં 4.49 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. અગાઉ 23 માર્ચે પણ ચીને ભાવ વધાર્યા હતા. ચીન પોતાની જરૂરિયાતનું 70% તેલ આયાત કરે છે અને હોર્મુઝની સામુદ્રધુનીમાં યુદ્ધના કારણે સર્જાયેલા અવરોધે ડ્રેગનની ઉંઘ હરામ કરી દીધી છે.
પાકિસ્તાનમાં હાહાકાર
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની સ્થિતિ તો અત્યંત દયનીય છે. ત્યાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 458 રૂપિયા અને ડીઝલ 520 રૂપિયાના સ્તરે પહોંચી ગયા છે. ઈરાન કટોકટી શરૂ થયા બાદ ત્યાં તેલના ભાવમાં દોઢ ગણો વધારો જોવા મળ્યો છે, જેના કારણે સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
 
ભારતની 'ફાઈટર' ઈમેજ: 4 વર્ષથી ભાવ અકબંધ
આ વૈશ્વિક આર્થિક તોફાન વચ્ચે ભારત એક અભેદ કિલ્લાની જેમ ઉભું છે. જ્યારે ચીન જેવા સમૃદ્ધ દેશોને 15 દિવસમાં બે વાર ભાવ વધારવા પડ્યા છે, ત્યારે ભારતમાં છેલ્લા ચાર વર્ષથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. સરકારે વ્યૂહાત્મક રીતે તેલનો ભંડાર જાળવી રાખીને અને રશિયા જેવા દેશો સાથે સ્માર્ટ ડીલ કરીને દેશના સામાન્ય નાગરિકોને મોંઘવારીના આ અગ્નિમાંથી બચાવી રાખ્યા છે.
નિષ્ણાતોના મતે, ભારતની આ સ્થિરતા વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓ માટે એક કોયડો બની છે. ચીન પાસે રશિયા સાથે ગેસ પાઈપલાઈન હોવા છતાં તે ભાવ વધારો રોકી શક્યું નથી, જે ભારતની આર્થિક નીતિઓની સફળતા દર્શાવે છે. હવે જોવાનું એ રહેશે કે જો પશ્ચિમ એશિયામાં તણાવ વધુ વધશે તો વૈશ્વિક બજાર કઈ દિશામાં જશે.

(7:13 PM IST)