હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બીલીમોરામાં ધોળાદિવસે 'ચંચલ જ્વેલર્સ'માં લૂંટના ઇરાદે ઘૂસેલા ત્રણ અજાણ્યા શખ્સોએ વેપારી પર ફાયરિંગ કર્યું
હુમલામાં જ્વેલર્સના માલિકને ગોળી વાગતા ગંભીર રીતે ઘાયલ: લૂંટારૂઓ ફાયરિંગ કરી ઘટનાસ્થળેથી ફરાર :પોલીસ તંત્રમાં દોડધામ

નવસારીના બીલીમોરા શહેરમાં ધોળા દિવસે ચોંકાવનારી ઘટનાએ સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાવી દીધો છે. ગૌહરબાગ વિસ્તારમાં આવેલા 'ચંચલ જ્વેલર્સ'માં લૂંટના ઇરાદે ઘૂસેલા ત્રણ અજાણ્યા શખ્સોએ વેપારી પર ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં જ્વેલર્સના માલિકને ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. લૂંટારૂઓ ફાયરિંગ કરી ઘટનાસ્થળેથી ફરાર થઈ જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, બીલીમોરાના ગૌહરબાગ વિસ્તારમાં આવેલી ચંચલ જ્વેલર્સની દુકાનમાં આજે ત્રણ શખ્શો લૂંટ ચલાવવાના ઇરાદે આવ્યા હતા. આ શખ્સોએ દુકાનમાં પ્રવેશતાની સાથે જ લૂંટનો પ્રયાસ શરૂ કર્યો હતો. જોકે, જ્વેલર્સના માલિકે સમય સૂચકતા વાપરીને લૂંટારૂઓનો મક્કમતાથી પ્રતિકાર કર્યો હતો. લૂંટારૂઓએ પોતાના મનસૂબા પૂરા કરવા માટે બંદૂક કાઢીને માલિક પર સીધું ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી માલિકને વાગી હતી.
ફાયરિંગની ઘટનાને અંજામ આપી લૂંટારૂઓ ઘટના સ્થળેથી ગણતરીની મિનિટોમાં ફરાર થઈ ગયા હતા. ફાયરિંગના અવાજને કારણે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ બીલીમોરા પોલીસ અને ચીખલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલમાં આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવીને લૂંટારૂઓને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.
બીલીમોરા જેવા શાંત ગણાતા શહેરમાં ધોળા દિવસે વેપારી પર ફાયરિંગની ઘટના બનતા સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ અને ડર જોવા મળી રહ્યો છે. લૂંટારૂઓ કોઈપણ પ્રકારના ડર વગર શસ્ત્રો સાથે આવી લૂંટનો પ્રયાસ કરે તે સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલ ઉભા કરે છે. પોલીસે શહેરમાં નાકાબંધી કરી દીધી છે અને ફરાર લૂંટારૂઓને ઝડપી પાડવા માટે તપાસ સઘન બનાવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
