News of Tuesday, 7th April 2026
ક્રિકેટ જગતમાં ખળભળાટ: દારૂ પીને ગાડી ચલાવવા બદલ ડેવિડ વોર્નરની ધરપકડ, PSL માંથી બ્રેક લઈને સિડની પહોંચેલા કાંગારૂ ખેલાડીની મુશ્કેલી વધી
બ્લડ આલ્કોહોલ ટેસ્ટમાં મર્યાદા કરતા વધુ નશો જણાતા પોલીસે કરી કાર્યવાહી: મારૌબામાં રસ્તાની બાજુમાં ચેકિંગ દરમિયાન પકડાયો ક્રિકેટનો 'બેડ બોય', મે મહિનામાં કોર્ટમાં થવું પડશે હાજર

સિડની: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ અને વિવાદાસ્પદ ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર ફરી એકવાર મેદાન બહારની હરકતોને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. પાકિસ્તાન સુપર લીગ (PSL) 2026 માં કરાચી કિંગ્સની કેપ્ટનશીપ કરી રહેલા વોર્નર લીગમાંથી ટૂંકો બ્રેક લઈને પોતાના વતન સિડની પરત ફર્યા હતા, જ્યાં રવિવારે રાત્રે દારૂ પીને વાહન ચલાવવા બદલ (Drunk and Drive) તેમની ધરપકડ કરવામાં આવી છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા ક્રિકેટ ચાહકોમાં ભારે ચર્ચા જાગી છે.
પોલીસ ચેકિંગ જોઈને કાર રોકી, પણ બચી શક્યા નહીં
મળતી વિગતો મુજબ, આ ઘટના સિડનીના મારૌબા વિસ્તારમાં બની હતી. ડેવિડ વોર્નર પોતાની કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે સામે પોલીસનું ચેકિંગ જોઈને તેમણે સમયસૂચકતા વાપરી કાર સાઈડમાં પાર્ક કરી દીધી હતી. જોકે, સતર્ક પોલીસ અધિકારીઓએ શંકાના આધારે તેમની પાસે જઈને તપાસ કરી હતી. પ્રાથમિક શ્વાસ પરીક્ષણમાં (Breath Test) નિષ્ફળ ગયા બાદ વોર્નરની અટકાયત કરી તેમને મારૌબા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
બ્લડ ટેસ્ટમાં નશો સાબિત થયો
પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલા બ્લડ આલ્કોહોલ ટેસ્ટમાં ચોંકાવનારું રીડિંગ સામે આવ્યું છે. વોર્નરના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ 0.104 નોંધાયું હતું, જે કાયદેસરની નિર્ધારિત મર્યાદા કરતા ઘણું વધારે છે. પોલીસે તાત્કાલિક ધોરણે તેમની ધરપકડ કરી ગુનો નોંધ્યો હતો. જોકે, કાયદાકીય પ્રક્રિયા બાદ હાલ તેમને જામીન પર છોડવામાં આવ્યા છે, પરંતુ તેમની મુસીબત હજુ પૂરી થઈ નથી.
મે મહિનામાં કોર્ટના ફેરા
સિડની પોલીસે જણાવ્યું છે કે ડેવિડ વોર્નર પર ટ્રાફિક નિયમોના ભંગ અને નશામાં ડ્રાઈવિંગ કરવાના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. તેમને મે 2026 માં સ્થાનિક કોર્ટમાં હાજર રહેવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. અત્યારે પીએસએલ જેવી મોટી ટૂર્નામેન્ટ ચાલી રહી છે ત્યારે એક ટીમના કેપ્ટન દ્વારા આવી બેજવાબદારી બતાવવામાં આવતા તેની કારકિર્દી અને ઈમેજ પર ફરી સવાલો ઉઠી રહ્યા છે.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
